ધમધમતા ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે પરંતુ અમદાવાદ રાજ્યનું સૌથી મોટું શહેર છે.
ભારતના મોટા શહેરોમાં અમદાવાદ સાતમા નંબરે છે. અમદાવાદ કર્ણાવતીના નામથી પણ ઓળખાય છે.
અમદાવાદમાં બનેલી અહમદ શાહની મસ્જિદ પણ આકર્ષણનું કેન્દ્ર છે. આ પ્રાચીન મસ્જિદનું નામ અમદાવાદના સંસ્થાપક સુલ્તાન અહમદ શાહના નામ પરથી છે. શહેરમાં સૌથી જૂની ગણાતી મસ્જિદોમાંની એક એવી આ મસ્જિદ તેની વાસ્તુકળા માટે પ્રખ્યાત છે.
સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમની સ્થાપના મહાત્મા ગાંધીજીએ 1915માં કરી હતી. ગાંધીજીએ આ આશ્રમથી સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરી હતી. અહીં સંગ્રહાલય, પુસ્તકાલય છે. તથા બાપુ જ્યાં રહેતા હતા તે હ્રદયકુંજ પણ પ્રવાસીઓને આકર્ષે છે.
અમદાવાદમાં માણેક ચોક એ ઘરેણા, વસ્ત્રો માટે મોટા બજાર તરીકે જાણીતું છે. સવારે ઘરેણા અને કપડાના બજાર તરીકે ઓળખાતું આ બજાર સાંજ પડતા ખાણી પીણી બજારમાં ફેરવાઈ જાય છે.
અમદાવાદમાં રિવરફ્રન્ટ ફરવા માટે જાણીતું સ્થળ છે. અહીં સાઈકલ ટ્રેક્સ, પાર્ક, બગીચા, માર્કેટ, ફૂટ ઓવર બ્રિજ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે.
સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધેલી છે. તે ગ્લાસ ફુટ ઓવર બ્રિજ, સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે. અમદાવાદીઓ માટે તે સેલ્ફી પોઇન્ટ તરીકે પણ જાણીતો છે.
કાંકરિયા તળાવ જૂનું અને જાણીતું છે. ટોય ટ્રેન, કિડ્સ સિટી, બલૂન રાઈડ, માછલી ઘર, બટરફ્લાય ગાર્ડન, વોટર પાર્ક, પ્રાણી સંગ્રહાલય, લેઝર શો, બોટ રાઈડિંગ, ફૂડ સ્ટોલ્સ વગેરે ઘણા આકર્ષણો છે.
દાસ્તાન વિન્ટેજ કાર સંગ્રહાલય મ્યૂઝીયમની શરૂઆત પ્રાણલાલ ભોગીલાલા 1922માં કરી હતી. અહીં તમને વિશ્વની સર્વશ્રેષ્ઠ રોલ્સ રોયસ, બેન્ટલી, જગુઆર, મર્સિડિઝ, કેડિલેક, ઓસ્ટિન સહિત ઘણી કારો જોવા મળશે.
આ સિવાય પણ અમદાવાદમાં ફરવાના ઘણા સ્થળો છે જેમ કે ઈસ્કોન મંદિર, કેમ્પના હનુમાન, વૈષ્ણોદેવી મંદિર, અડાલજની વાવ, હઠીસિંહના દેરા, કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઈલ, સરખેજ રોજા, રાણીનો હજીરો, વગેરે,