Drugs Case: પૂછપરછમાં 'ઢાંકપિછોડો' કર્યો, પણ ચાલાક NCBની એક ચાલ અને બધાનું કામ તમામ!

દીપિકા, સારા, શ્રદ્ધા સહિત ડ્રગ્સ મંડળીમાં સામેલ તમામે પોતાના દોષ છૂપાવવા માટે તમામ યુક્તિઓ અજમાવી. ક્યાંક ચૂપ રહ્યા તો ક્યાંક ગોળગોળ જવાબ  આપ્યા. ક્યાંક પોતાનો દોષ બીજાને માથે ઢોળ્યો. પણ NCB આગળ હથિયાર હેઠે પડ્યા. 

Drugs Case: પૂછપરછમાં 'ઢાંકપિછોડો' કર્યો, પણ ચાલાક NCBની એક ચાલ અને બધાનું કામ તમામ!

 

મુંબઈ: બોલિવુડની ડ્રગ મંડળીની કહાની જેટલી સીધી જોવા મળી રહી છે તેટલી જ ગૂંચવાયેલી છે. રૂપેરી પડદાના સિતારાઓ NCBના પ્રશ્નજાળનો સામનો કરી રહ્યા છે. શનિવારે એનસીબીએ દીપિકા પાદુકોણની 6 કલાક પૂછપરછ કરી. જ્યારે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પણ 5-5 કલાક સુધી પૂછપરછ થઈ. પરંતુ કલાકોની પૂછપરછબાદ પણ એનસીબીને પોતાના સવાલોના જવાબ મળી શક્યા નથી. હવે એનસીબી આ સત્ય ઉજાગર કરવા માટે સિતારાઓના ફોન જપ્ત કરીને શોધખોળ ચલાવશે. 

આ હસ્તીઓના ફોન NCBના કબજામાં
સૂત્રોના જણાવ્યા મુજબ NCBએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ, કરિશ્મા પ્રકાશ, સિમોન ખંભાતા અને જયા સાહાના ફોન પોતાના કબજામાં લીધા છે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે આ લોકોના ફોનનો ડેટા રિકવર કરવામાં આવશે. કહેવાય છે કે ડ્રગ મામલે ધરપકડ કરાયેલા કેજે ઉર્ફે કરમજીતે એનસીબીને પૂછપરછમાં 50 લોકોના નામ આપ્યા છે અને જપ્ત કરાયેલા ફોનનો ડેટા રિકવર કરીને એનસીબી આ નામોને સરખાવવા માંગે છે. 

અત્યાર સુધી 20 લોકોની ધરપકડ
ડ્રગ મામલે NCB અત્યાર સુધી 35 લોકોની પૂછપરછ કરી છે અને 20 લોકોની ધરપકડ કરાઈ છે. પરંતુ હજુ પૂછપરછ ખતમ થઈ નથી. સૂત્રોનું માનીએ તો NCBએ હજુ સુધી ક્લિન ચીટ આપી નથી અને આગળ પણ પૂછપરછ ચાલુ રહેશે. 

તપાસનો એક રિપોર્ટ મોકલાશે
સૂત્રોના જણાવ્યા મુજબ બોલિવુડની ડ્રગ મંડળીમાં અનેક એવા લોકોના નામ છે જેમનો ખુલાસો આવનારા દિવસોમાં થઈ શકે છે. પરંતુ કહેવાય છે કે હાલ NCB અત્યાર સુધીનો એક ડિટેઈલ રિપોર્ટ NCBના ડીજી રાકેશ અસ્થાનાને મોકલશે. ત્યારબાદ આગળની કાર્યવાહી થશે. પરંતુ એટલું જરૂર છે કે બોલિવુડની ડ્રગ મંગળીનું પૂરેપૂરું સત્ય બહાર આવવાનું હજુ બાકી છે. હવે સિતારાઓના ફોનની આ તપાસને નવો વળાંક આપી શકે છે. 

દીપિકાની ચૂપકીદી
પૂછપરછ દરમિયાન દીપિકા ક્યાંક ગોળ ગોળ ઘૂમાવતી જોવા મળી તો ક્યાંક ભટકાવતી જોવા મળી તો ક્યારેક એકદમ ચૂપ થઈ જતી. 6 કલાકની પૂછપરછમાં દીપિકાનો સામનો એવા સવાલો સામે થયો કે જે તેણે કદાચ સપનામાં પણ નહીં વિચાર્યા હોય. એનસીબીએ પહેલા દીપિકાને એકાંતમાં બે કલાક સુધી સવાલ જવાબ કર્યા. ત્યારબાદ દીપિકા અને કરિશ્મા પ્રકાશને આમને સામને બેસાડીને પૂછપરછ કરી. સૂત્રોના જણાવ્યા મુજબ દીપિકાએ એ વાત સ્વીકારી લીધી છે કે તે વોટ્સએપ ગ્રુપની એડમિન હતી. પરંતુ ડ્રગ્સના મામલે ચૂપ થઈ ગઈ. એનસીબી સૂત્રોનું કહેવું છે કે દીપિકાએ સવાલોના ગોળ ગોળ જવાબ આપ્યા અને મોટાભાગના સવાલો પર ચૂપ રહી. 

બધાનું એક સરખું નિવેદન
સૂત્રોના જણાવ્યા મુજબ હેશ અને વીડને લઈને બધાનું એક સરખું નિવેદન જોવા મળ્યું. બધાએ તેને રોલિંગ સિગારેટ જણાવી. જેમાં તમાકુ ભરીને પીવે છે અને તેને કોડવર્ડમાં આ લોકો વીડ કહેવાનો દાવો કરે છે. જો કે આ જવાબોથી હાલ એનસીબી સંતુષ્ટ નથી અને આથી પૂછપરછમાં અત્યારે એક અલ્પવિરામ જરૂર છે પરંતુ હજુ કોઈને પણ ક્લિન ચીટ મળી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news