સુરતમાં કિડની વેચવાની જાહેરાતથી બહાર આવ્યું એવુ કૌભાંડ, જે દેશભરમાં ફેલાયું છે

ભારતની અલગ-અલગ પ્રખ્યાત હોસ્પિટલોના નામની ફેક વેબસાઈટ બનાવી તેમાં કિડની વેચવાથી (kidney sale) ચાર કરોડ રૂપિયા મળશે તેવી જાહેરાત મૂકી અલગ-અલગ લોકો સાથે વિશ્વાસઘાત કરનાર વેસ્ટ આફ્રિકાના ભેજાબાજને સુરત સાયબર ક્રાઈમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જેના અલગ અલગ 8 એકાઉન્ટમાંથી અત્યાર સુધી 1 કરોડ 31 લાખ નું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું બહાર આવ્યું હતું.
સુરતમાં કિડની વેચવાની જાહેરાતથી બહાર આવ્યું એવુ કૌભાંડ, જે દેશભરમાં ફેલાયું છે

ચેતન પટેલ/સુરત :ભારતની અલગ-અલગ પ્રખ્યાત હોસ્પિટલોના નામની ફેક વેબસાઈટ બનાવી તેમાં કિડની વેચવાથી (kidney sale) ચાર કરોડ રૂપિયા મળશે તેવી જાહેરાત મૂકી અલગ-અલગ લોકો સાથે વિશ્વાસઘાત કરનાર વેસ્ટ આફ્રિકાના ભેજાબાજને સુરત સાયબર ક્રાઈમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જેના અલગ અલગ 8 એકાઉન્ટમાંથી અત્યાર સુધી 1 કરોડ 31 લાખ નું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું બહાર આવ્યું હતું.

કીડની વેચવાની લાલચમાં યુવકે 14 લાખ ગુમાવ્યા 
સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા યુવાને કાર લે-વેચનો ધંધો હતો. જોકે કોરોનાના કારણે આ યુવાનને ધંધામાં ખોટ ગઈ હતી. આ ઉપરાંત તેને બહેન અને પોતાના લગ્નનો ખર્ચો પણ કાઢવાનો હતો. જેથી તેણે ગૂગલ (google) માં કિડની સેલ ફોર મની નામે સર્ચ કર્યું હતું. જેમાં નામચીન હોસ્પિટલની વેબસાઈટ થકી તેને એક કિડનીના રૂપિયા 4 કરોડ આપવાની લાલચ આપી હતી. જેથી આ લોભામણી સ્કીમમાં આવી જઈ યુવાન પોતાની કિડની આપવા તૈયાર થયો હતો. જોકે તે પહેલા જ વેબસાઈટે આ યુવાન પાસેથી અલગ-અલગ ચાર્જના નામે રૂપિયા ૧૪ લાખ પડાવી લીધા હતા. બાદમાં આ યુવાને ફરીથી વેબસાઈટનો સંપર્ક કર્યો હતો. જોકે વેબસાઈટનો સંપર્ક નથી થતા પોતા સાથે ઠગાઈ થઈ હોવાની ગંધ આવી ગઈ હતી. જેથી તેણે આ અંગે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

કિડની કૌભાંડમાં આફ્રિકાનો યુવક પકડાયો  
સુરત સાયબર ક્રાઇમ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં સાયબર સેલ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને આ ઠગ બાજોને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ દ્વારા બેંગ્લોરથી ટોટી ડાગો ગ્રેજીયર નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરતા તે મૂળ વેસ્ટ આફ્રિકાનો હોવાનું સામે આવ્યું હતું. વર્ષ 2007 માં તે ભારતમાં bca નો કોર્સ કરવા માટે આવ્યો હતો. જોકે ત્યારબાદ તેના વીઝા પૂરા થઇ ગયા હોવા છતાં તે બેંગલોરમાં જ રહ્યો હતો. 

નકલી વેબસાઈટ પર કિડની વેચવાની જાહેરાત આપ્યો 
તેણે પોતાના અલગ-અલગ સાથી મિત્રો સાથે મળીને દેશની જાણીતી રિલાયન્સ, ફોર્ટિસ, ટાટા મેમોરિયલ, ગાર્ડન સિટી, લીલાવતી, મેક્સ સુપર અને એપોલો જેવી હોસ્પિટલોની નકલી વેબસાઈટો બનાવતો હતો. આ વેબસાઇટમાં કિડની સેલ કરવાથી 4 થી 7 કરોડ રૂપિયા આપશે તેવી લાલચ આપતો હતો. પોલીસે તેની પાસેથી હાર્ડ ડિસ્ક, સિપિયુ, રાઉટર તથા 4 મોબાઇલ કબજે કર્યા છે. 

કેબીસીના નામે પણ છેતરપીંડી કરતો 
આ વેબસાઈટ ઉપરાંત તે કેબીસીમાં લોટરી લાગી હોવાનું કહી વીડિયો એડિટ નામે પણ છેતરપિંડી કરતો હતો. આ ભેજાબાજે યુકે, કેનેડા, યુ.એસ.માં અલગ-અલગ કેટેગરીમાં નોકરી અપાવવાની લાલચ આપીને એક વેબસાઇટ બનાવી હતી. અત્યાર સુધી તેના દ્વારા 200 થી વધુ ફેક વેબસાઈટ થકી લોકોને ઠગવામાં આપવામાં આવ્યા છે. આરોપીના અલગ-અલગ 8 એકાઉન્ટમાંથી રૂપિયા 1 કરોડ 31 લાખના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પણ સામે આવ્યું છે. 

હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના આ મસમોટા કૌભાંડોમાં અન્ય કોણ-કોણ સામેલ છે તે અંગે પણ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં બોનોફાઇડ સર્ટિફિકેટ બનાવવાના ગુનામાં પણ બેંગલોર પોલીસે ટોટીની ધરપકડ કરી હતી. જો પોલીસ આ સમગ્ર બનાવમાં યોગ્ય તપાસ હાથ ધરશે તો દેશનું મસમોટું કૌભાંડ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news