ડાંગ : હોસ્ટેલના દાળ-રોટલા ખાઈ 60 વિદ્યાર્થીઓની તબિયત લથડી, વાલીઓએ સંચાલકો પર લગાવ્યો આક્ષેપ

Food Poisoning : વઘઈ તાલુકાની ડુંગરડા આશ્રમ શાળામાં ભોજન લીધા બાદ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 60 થી વધુ બાળકોને ઝાડા, ઉલ્ટી અને તાવની અસર થતાં વઘઇ હોસ્પિટલમાં વાલીઓની દોડધામ મચી... અડદની દાળ, રોટલો, દાડ ભાત અપાયા બાદ બાળકોને અસર વાલીઓની ફરીયાદ...

ડાંગ : હોસ્ટેલના દાળ-રોટલા ખાઈ 60 વિદ્યાર્થીઓની તબિયત લથડી, વાલીઓએ સંચાલકો પર લગાવ્યો આક્ષેપ

હિતાર્થ પટેલ/ડાંગ :વઘઈ તાલુકાની અંબિકા ટ્રસ્ટ સંચાલિત ડુંગરડા આશ્રમ શાળામાં અભ્યાસ કરતા 100 પૈકી 60 થી વધુ વિદ્યાર્થીઓને એકાએક ભોજન બાદ પેટમાં દુ:ખાવો અને ઉલ્ટી થઈ હતી. તમામ વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનિંગ થતા તબિયત લથડી હતી. ત્યારે શાળાના સ્ટાફે તમામ બાળકોને તાત્કાલિક 108 મારફતે વઘઈ રેફરલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

મળતી વિગત મુજબ, વઘઈ તાલુકાના અંબિકા ટ્રસ્ટ સંચાલિત ડુંગરડા આશ્રમ શાળા આવેલી છે. જ્યાં શાળા અભ્યાસ કરતા 100 પૈકી 60 થી વધુ બાળકોને ભોજનમાં અડદની દાળ, રોટલા, દાળ-ભાતનું ભોજન આપવામાં આવ્યુ હતું. જે લીધા બાદ 60 થી વધુ જેટલા વિદ્યાર્થીઓને પેટમાં દુ:ખાવો તથા ઉલ્ટી થઈ હતી. ફુડ પોઈઝનિંગથી તબિયત લથડતા શાળાના સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. દરમિયાન શાળાના સ્ટાફે 108 એમ્બ્યુલન્સ મારફતે 60 થી વધુ વિદ્યાર્થીઓને વઘઈ સી.એચ.સી. ખાતે સારવાર માટે દાખલ કર્યા હતા. 

બાળકોને ખોરાકી ઝેરની અસર થવા લાગતા ઉલટી ઝાડા જેવી તકલીફો થવા લાગી હતી. એક પછી એક એમ કુલ 60 થી વધુ બાળકોને આશ્રમમાંથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ વાતની વાલીઓને ખબર પડતા જ વાલીઓ હોસ્ટેલ પહોંચવા લાગ્યા હતા. આશ્રમમાં કાચો- પાકો ખોરાક પિરસાતો હોવાની વાલીઓ અને વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી. જ્યારે કે બીજી તરફ, સંચાલકોએ ફ્રેશ ભોજન આપ્યું કહી બચાવ કર્યો હતો. 

બાળકોને ફુડ પોઈઝનિંગ થયાની જાણ જિલ્લા તથા તાલુકા પંચાયતના આગેવાનો વઘઈ રેફરલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગથી ગ્રસ્ત વિદ્યાર્થીઓને તાકિદે વઘઈની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલુ કરાઈ હતી. આ ઘટનાના કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જ્યારે 60 માંથી 15 થી વધુ બાળકોને વધુ સારવારની જરૂર હોઈ આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને કારણે વઘઇમાં દોડધામ મચી ગઈ હતી. મોટી સંખ્યામાં બાળકોની તબિયત બગડતા વઘઈ તાલુકા આદિવાસી સમાજ દ્વારા તમામ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news