જૂનાગઢમાં મકાન ધરાશાયી થતાં ચારના મોત, મુખ્યમંત્રીએ દુખ વ્યક્ત કર્યું, 4 લાખની સહાયની કરી જાહેરાત
જૂનાગઢમાં ભારે વરસાદ બાદ આજે એક બીજી આફત આવી હતી. શહેરના દાતાર રોડ પર એક મકાન ધરાશાયી થતાં એક પરિવારના ત્રણ લોકો સહિત કુલ ચારના મૃત્યુ થયા હતા. જેમાં બે બાળકો અને તેના પિતાનો સમાવેશ થાય છે.
Trending Photos
જૂનાગઢઃ શહેરમાં જળપ્રલયના બે દિવસ બાદ જૂનાગઢમાં એક મોટી હોનારત સર્જાઈ ગઈ. શહેરના કડિયાવાડ વિસ્તારમાં 2 માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ જતાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. દુખદ વાત એ છે કે ચારમાંથી 3 મૃતક એક જ પરિવારના છે. જેમાં રિક્ષા લઈને શાકભાજી લેવા નિકળેલા પરિવારના બે બાળકો અને પિતાનું મોત થયું છે. જ્યારે અન્ય ચાની દુકાન ચલાવતા એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને 4 લાખની સહાય ચુકવવાની જાહેરાત કરી છે.
બપોરના 12 વાગ્યાની આસપાસ શહેરના દાતાર રોડ પરના કડિયાવાડ વિસ્તારમાં 2 માળનું એક મકાન અચાનક ધરાશાયી થઈ ગયું. મકાન પત્તાની જેમ ધસી પડ્યું. મકાન પડતાં જ આસપાસ દોડધામ મચી ગઈ... મકાનના કાટમાળ તળે કેટલાક લોકો દટાઈ ગયા..કલાકોની જહેમત બાદ કાટમાળમાંથી ચારેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા.
જૂનાગઢમાં મકાન તૂટી પડવાની ઘટના અત્યંત દુ:ખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. મૃતકોના આત્માની શાંતિ અર્થે ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂ. 4 લાખની સહાય કરશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 24, 2023
NDRF, SDRF, ફાયર બ્રિગેડ અને પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકો સાથે મળીને યુદ્ધના ધોરણે કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. બચાવ ટીમો સામે સૌથી મોટો પડકાર ફસાયેલા લોકોને બહાર કાઢવાનો હતો. જેસીબી મશીન અને ક્રેનની મદદથી સ્લેબ દૂર કરવામાં આવ્યા. સાંજ સુધીમાં ચારેય મૃતકોના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા હતા.
શાકમાર્કેટમાં આવેલા બે માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર કેટલીક દુકાનો હતી. જ્યારે ઉપરના માળે લોકો રહેતાં હતા. મૃતકોમાં ત્રણ વ્યક્તિ એક જ પરિવારના છે, જેઓ શાકભાજી ખરીદવા આવ્યા હતા. જ્યારે ચોથી વ્યક્તિ ચાની દુકાન ચલાવતી હતી.
ગિરનાર પર પડેલા અતિભારે વરસાદને કારણે આવેલું પૂર કુદરતી હોનારત છે. જો કે જર્જરિત મકાન પડે તે ઘટના માનવસર્જિત છે. આ દુર્ઘટના બાદ જૂનાગઢ મનપાની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. કેમ કે તૂટી પડેલી ઈમારત જર્જરિત હતી.
ડેપ્યુટી મેયર પોતે સ્વીકારે છે કે શહેરમાં હજુ પણ ઘણી જર્જરિત ઈમારતો છે. ધરાશાયી થયેલી ઈમારતની આસપાસ પણ કેટલીક જર્જરિત ઈમારતો છે. હવે તંત્ર આ દુર્ઘટનામાંથી શીખ લે તે જરૂરી છે. રાજ્ય સરકારે મૃતકોના પરિજનો માટે 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે