વિધાનસભાની વાતઃ જામજોધપુર બેઠક પર જોવા મળી શકે ચાર પાંખિયો જંગ! જાણો કેમ બદલાયા સમીકરણો

Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ચૂકી છે. હવે દરેક પક્ષ પોતપોતાના ઉમેદવારોની યાદીઓ તૈયાર કરવા મથામણ કરી રહ્યો છે. કેટલાંક ઉમેદવારો જાહેર થઈ ચૂકયાં છે. હજુ પણ ઘણી એવી બેઠકો છે જે અંગે મૂરતિયાઓ પર મંથન ચાલી રહ્યું છે.

વિધાનસભાની વાતઃ જામજોધપુર બેઠક પર જોવા મળી શકે ચાર પાંખિયો જંગ! જાણો કેમ બદલાયા સમીકરણો

ઝી બ્યૂરો, અમદાવાદઃ 2017માં ભાજપ પાસેથી છીનવી જામજોધપુર બેઠક પર કોંગ્રેસે સત્તા મેળવી હતી. પરંતુ 2022ની ચૂંટણીમાં 2017 કરતા સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી શકે છે. આગામી ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ સહિત આપ અને બસપા પણ મેદાનમાં ઉતરે તેવી પૂરી શક્યતાઓ છે. જેથી જામજોધપુર બેઠક પર  ચાર પાંખિયો જંગ જોવા મળી શકે છે.

જામજોધપુર બેઠક પર કાંટાની ટક્કર:
જામજોધપુર વિધાનસભા બેઠકમાં કુલ 2 લાખ 24 હજાર 230 મતદારો છે. જેમાં 1 લાખ 15 હજાર 697 પુરુષ મતદારો અને 1 લાખ 8 હજાર 533 મહિલા મતદારો છે. જામજોધપુર બેઠક પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ જોવા મળે છે. ત્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં 3 હજાર મતની લીડથી કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.

તાલુકા પંચાયતથી બદલાયા સમીકરણો:
જામજોધપુર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકમાંથી 9 બેઠક પર કોંગ્રેસે કબ્જો કર્યો હતો. જેમાંથી કોંગ્રેસે એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. આ બેઠક બહુજન સમાજ પાર્ટીના સભ્યએ કબ્જે કરી લીધી છે. સત્તાની સાંઠમારી સર્જાતા બહુજન સમાજ પાર્ટી પાસે માત્ર બે બેઠક હોવા છતાં તે કિંગમેકરની ભૂમિકામાં આવી હતી. કોંગ્રેસના અસંતુષ્ટ નેતા હંસાબેન સાકરિયા બહુજન સમાજ પાર્ટીમાં જોડાઈ જતા બસપાએ ત્રણ બેઠક પર કબ્જો કરી લીધો હતો. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના 7 ઉમેદવારના ટેકાથી પ્રમુખ પદે બસપાના હંસાબેન અને ઉપપ્રમુખ પદે ભાજપના દેવાભાઈ પરમાર ચૂંટાઈ આવ્યા હતાં.

ચિરાગ કાલરિયા સામે ચિમન શાપરિયા મજબૂત ઓપશનઃ
પાટીદારોનું પ્રભુત્વ હોવાથી વર્ષ 1995, 1998 અને 2012માં ચિમન શાપરિયાએ કોંગ્રેસને હારનો સ્વાદ ચખાડી ભાજપને વિજય અપાવ્યો હતો. એટલા માટે 2017માં રિપીટ થિયરી અપનાવી ભાજપે ફરી તેમને મેદાને ઉતાર્યા હતા. પરંતુ ચિરાગ કાલરિયાએ 3 હજાર મતથી ચિમન શાપરિયાને હરાવ્યા હતા. ચીમનભાઈ શાપરિયાએ એક મજબૂત નેતાની છાપ ઊભી કરી છે. જામજોધપુર તાલુકા ભાજપ પ્રમુખ સહિત વર્ષ 1999થી 2001 સુધી કેશુભાઈ પટેલની સરકારમાં માર્ગ મકાન મંત્રી પણ રહી ચૂક્યા છે. તો વર્ષ 2001થી 2002 સુધી કૃષિ અને ઊર્જા મંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી. ત્યારે જો ભાજપ ટિકિટ આપે તો આ વખતે પણ ચિમનભાઈ શાપરિયા ચિરાગ કાલરિયાને મજબૂત ટક્કર આપશે તે નક્કી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news