અચાનક ચર્ચામાં આવ્યું ગુજરાતના આ ધારાસભ્યનું નામ, ઉત્તરાયણ બાદ આપી શકે છે રાજીનામું
ભાજપનું ઓપરેશન લોટસ: ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, એક તરફ આપ માંથી ટપોટપ વિકેટો પડી રહી છે. ત્યારે હવે એક અપક્ષ ધારાસભ્યએ પણ રાજીનામાના સંકેત આપી દીધાં છે. જેને કારણે રાજકીય ગરમાવો પ્રસરી ગયો છે.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરાઃ લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતની રાજનીતિના વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. અત્યાર સુધી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોના નામો ચર્ચામાં રહેતા હતા, તે કતારમાં હવે અપક્ષ ધારાસભ્ય પણ આવ્યાં છે. અહીં પણ વાત ભાજપના ઓપરેશન લોટસ સાથે જોડાયેલી જ છે. વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવેલાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપીને કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાશે. તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. ઉત્તરાયણ બાદ વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપી ભાજપમાં જોડાશે તેવી ચર્ચા વહેતી થઈ છે. ઉલ્લેખનીય છેકે, ભાજપે અગાઉ ટિકિટ નહોંતી આપી તો અપક્ષ ઉમેદવારી કરીને પણ તેઓ વિધાનસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં. આ એજ બેઠક છે જ્યાંથી સળંગ છ ટર્મ સુધી મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી ચૂંટાતા હતાં. આ વખતે ભાજપે મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન આપતા તેમણે ભાજપ સાથે છેડો ફાંડી નાંખ્યો હતો.
ઉલ્લેખનીય છેકે, આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જે અંતર્ગત તમામ પક્ષોની તૈયારીઓ વધુ જોશમાં થવા લાગી છે. વિવિધ પક્ષોના નેતાઓને પણ મોટી મોટી જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પક્ષ પલ્ટાની મૌસમ પણ પુર બહારમાં ખીલી છે. ત્યારે વધુ એક અપક્ષ ધારાસભ્ય ભાજપમાં જોડાય શકે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય પદથી ઉત્તરાયણ બાદ રાજીનામું આપશે તેવી સંભાવના સેવાઈ રહી છે. કમુર્તા બાદ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે.
લોકસભાની ચૂંટણીઓની સાથે સાથે વિધાનસભાની પણ ચૂંટણી યોજાશે તેવી સંભાવના ઉભી થઈ છે. એક અહેવાલ અનુસાર રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓની સાથે સાથે વિધાનસભાની જે પણ બેઠકો ખાલી પડી છે તેના પર પણ પેટા ચૂંટણી યોજાઈ શકે છે. આ પહેલા પણ અન્ય પક્ષોમાંથી રાજીનામું આપીને સંખ્યાબંધ નેતાઓએ કેસરીયો ધારણ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે