ઘરમાં ધૂસેલા શખ્શને ચોર સમજી ઝાડ સાથે બાંધી લાકડીઓ વરસાવી, યુવકનું મોત
ગુજરાતમાં ફરી એકવાર મોબ લિંચિંગની ઘટના સામે આવી છે. દાંતાના હરીગઢ ગામમાં કાયદો હાથમાં લેવાની ઘટના સામે આવી છે.
Trending Photos
પાલનપુર: ગુજરાતમાં ફરી એકવાર મોબ લિંચિંગની ઘટના સામે આવી છે. દાંતાના હરીગઢ ગામમાં કાયદો હાથમાં લેવાની ઘટના સામે આવી છે. દાંતાના હરીગઢ ગામે શનિવારે એક શખ્સ ચોરી કરવા ઇરાદે એક ઘરમાં ઘુસી જતા અચાનક માલિકની માતાએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો એકત્રીત થઇ ગયા હતા. અને ચોરને ઝડપી પાડ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઇને તેને ઝાડ સાથે બાંધી માર મારતાં તેનું મોત થયુ હતું. આ મામલે પોલીસે પાંચ લોકોની અટકાયત કરી 40 થી 50 લોકોના ટોળા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
વડના ઝાડ સાથે બાંધી લાકડીઓ વડે માર્યો માર
દાંતા તાલુકાના હરીગઢ ગામે શનિવારે રાત્રીના દસ વાગ્યા આસપાસ એક અજાણ્યો શખ્સ ગામના એક ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘુસી ગયો હતો. તે જ સમયે મકાન માલિકની માતા જાગી જઇ ચોર ચોરની બૂમો પાડતા આજુબાજુના લોકો એકત્રીત થઇ ગયા હતા. અને અજાણ્યા ચોરને ઝડપી પાડી લાકડીઓ વડે તેમજ વડના ઝાડ સાથે બાંધી મારમારી મોતને ઘાટ ઉતાર્યો હતો. જેમાંથી પોલીસે પાંચ શખ્સોની અટકાયત કરી હતી. જ્યારે ફરાર થઇ ગયેલા લોકો સામે ગુનો નોંધ્યો હતો. વધુમા મરણ જનાર ચોરનુ નામ, સરનામા બાબતે ઘટના સ્થળે પુછતાછ કરતા કોઈ જાણ થઇ ન હતી. જેથી મૃતદેહને દાંતા સિવિલ ખાતે ખસેડાયો હતો. સમગ્ર ઘટનાની તપાસ એલ.સી.બી ને સોંપાઇ હતી. ચોરમના મોતને મામલે પોલીસે 40 થી 50 લોકોના ટોળા સામે આઈ.પી.સી કલમ 302,143,147,342,348,તેમજ 134 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચોરને મારમારી મોતને ઘાટ ઉતારી દેનાર લોકોને પોલીસે ઝડપ્યા, એક ફરાર
ચોરને બાંધીને મારમારીને મોતને ઘાટ ઉતારી દેનાર પાંચ શખ્શોની સ્થાનિક પોલીસે હત્યાનો ગુન્હો નોંધી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક વ્યક્તિ પોલીસના સકંજામાંથી છટકીને ફરાર થઇ ગયો છે. જ્યારે પોલીસે તેને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી છે. ધરપકડ કરનાર પાંચ લોકોના નામ અમરતભાઈ ગલબાભાઈ પ્રજાપતિ, શિવાભાઈ પૂંજાભાઈ પ્રજાપતિ, દશરથભાઈ પૂંજાભાઈ પ્રજાપતિ, બાબુભાઈ ખુશાલભાઇ પ્રજાપતિ, જયંતિભાઈ કેવળભાઈ પ્રજાપતિન છે. જ્યારે દેવાજી ગજુજી ઠાકરડા નામનો એક શખ્શ ફરાર થઇ ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે