મધ્ય ગુજરાતમાં ગૌભક્ત સોમાભાઈની ગૌ સ્ટીકની ભારે ડિમાન્ડ, હજારો ટન લાકડાને બળતા બચાવે છે
Holika Dahan 2024 : પંચમહાલના ગૌ ભક્ત સોમાભાઈએ હોળી માટે બનાવી ખાસ ગૌ સ્ટીક... ગાયના સંવર્ધન અને પર્યાવરણ માટે કામ કરતા સોમાભાઈ આજે પર્યાવરણના અસલી રક્ષક બન્યા છે
Trending Photos
Panchmahal News જ્યેન્દ્ર ભોઈ : હોળી પર્વના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઘોઘંબાના બાકરોલ ગામના ગૌભક્ત પર્યાવરણની સતત ચિંતા કરી રહ્યા છે. લાકડા અને અન્ય ચીજવસ્તુઓ હોળીમાં ન વાપરવા તેમજ સૌને વૈદિક હોળી પ્રગટાવવવા અપીલ કરી રહ્યા છે. ગૌ ભક્ત સોમાભાઈ બારીયાએ વૈદિક હોળી માટે ગાયના છાણમાંથી ગૌ સ્ટીક તૈયાર કરી છે. જેનો લાકડાની જગ્યાએ ઉપયોગ કરી વૈદિક હોળી મનાવી શકાય છે.
મધ્ય ગુજરાતમાં વડોદરા, ભરૂચ અને ગોધરા સહિત મોટા શહેરો માં ખૂબ જ માંગ ધરાવતી સોમાભાઈની ગૌ સ્ટીકની ભારે માંગ થતા અંદાજીત 100 ટન કરતા વધુ ઉત્પાદન કરી ખરીદકારોને પહોંચાડી રહ્યા છે. આમ સોમાભાઈ પર્યાવરણ જાગૃતિ સાથે સાથે સ્થાનિકો સહિત કુલ 70 ઉપરાંત વ્યક્તિઓને રોજગારી પુરી પાડવાનું માધ્યમ બન્યા છે.
સનાતન સંસ્કૃતિ સાથે પ્રકૃતિના જતન અને પર્યાવરણની પણ ચિંતા કરતા સોમાભાઈની સંઘર્ષભરી ગૌ ભક્તિ અને શૂન્ય માંથી સર્જન જેવી રોચક જીવનકથા પણ જોવા અને જાણવા જેવી છે. સોમાભાઈને કેવી રીતે ગાયની સેવા કરવાની પ્રેરણા મળી તે અંગે તેઓ જણાવી રહ્યા છે કે તેઓ એકવાર પાવાગઢ દર્શન કરી પરત ઘરે આવતા હતા ત્યારે ટેમ્પોમાં કતલના ઇરાદે વીસ ગાય લઈ જવાતી હતી જે નિહાળી તેઓનું દિલ દ્રવી ઉઠ્યું હતું. અને ત્યારથી જ તેઓએ પોતાના વિસ્તારમાં ઘેર ઘેર જઈ દૂધ નહિ આપતી અને શારીરિક નબળાઈ ધરાવતી ગાય પોતાને આપી દેવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે સોમાભાઈ પણ આપણા ઋષિ મુનિઓ દ્વારા ગાયના ગોબર અને મૂત્ર માંથી કેટલીક વસ્તુઓ બનાવવાનો રાહ ચીંધ્યો હતો જેને અનુસરી રહ્યા છે.
સામાન્ય રીતે હોળી લાકડાથી જ પ્રગટાવવામાં આવતી હોય છે. પરંતુ આજકાલ સતત બદલાતા વાતાવરણ અને આડેધડ થતાં વૃક્ષછેદન બાદ હવે જન જાગૃતિ સાથે વૈદિક હોળીનો ટ્રેન્ડ વધતો જાય છે. ત્યારે વૈદિક હોળી માટે વપરાતી ગૌ સ્ટીક થકી બાકરોલ ગૌ શાળા સંચાલક સોમાભાઈ બારીયા શૂન્યમાંથી સર્જન કરી આત્મનિર્ભર બન્યા છે. ગૌ સેવાનો ભેખ ધારણ કરેલા સંઘર્ષ કરતા સોમાભાઈ હાલ એટલા આત્મનિર્ભર બન્યા છે કે હાલ પોતાની ગૌ શાળાની સાથે ગાયના છાણમાંથી ગૌ સ્ટીક, છાણા, દીવડા, ગૌનાઇલ, ગૌ મુત્ર અર્ક સહિત વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરી સારી આવક તો મેળવી જ રહ્યા છે, સાથે જ ગામની મહિલાઓ સહિત 70 થી વધુ લોકોને રોજગારી પુરી પાડી રહ્યા છે. સોમાભાઈની ગૌ શાળામાં બનેલી ગૌ સ્ટીકની હોળી નિમિત્તે જબરદસ્ત માંગ છે અને હાલ તેઓ આ ગૌ સ્ટીકનું સમગ્ર મધ્ય ગુજરાતમાં વેચાણ કરી રહ્યા છે અને જેમાં નફાનું ધોરણ પણ ખાસ રાખતાં નથી.
અગાઉ સોમાભાઈનો પરિવાર અને તેમના મિત્રો ઘેર ઘેર ફરી દશ વીસ રૂપિયા દાન લઈ 100 ઉપરાંત ગાયોનું ભરણપોષણ કરતાં હતાં. ત્યારે આજે અહીં 270 ઉપરાંત ગૌ વંશ છે અને જેનો ખર્ચ કરવા ઉપરાંત સોમાભાઈ અન્યોને રોજગારી પુરી પાડી રહ્યા છે. ત્યારે આવા ગૌભક્ત સોમાભાઈ દ્વારા બનાવવામાં આવતી પ્રોડક્ટ ખરીદી તેઓની ગૌ સેવાના સૌ સહભાગી બને એ પણ જરૂરી છે. સોમાભાઈને ત્યાં રોજગારી મેળવી રહેલા લોકો પણ હોંશે હોંશે તેમને ત્યાં કામ કરે છે. કારણ કે સ્થાનિક રોજગારી તો મળે જ છે સાથે સાથે ગૌ માતાની સેવા કરવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે
ગૌભક્ત સોમાભાઈ એ હાલ પોતાની ગૌ શાળામાં ગૌવંશ ને માવજત માટે લેવાનું બંધ કર્યું છે કારણે કે હાલ તેઓ પાસે 270 ગૌ વંશ છે જેથી વધુ ગૌ વંશ સમાવી શકવા માટે જગ્યા નથી વળી પીવાના પાણી માટે ની ખૂબ જ તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે જેથી સરકાર દ્વારા તેઓને ગામમાં આવેલી ગૌચર જમીન ની ફાળવણી કરવામાં આવે અને કોઈ દાતા કે સરકાર પીવા ના પાણી માટી મોટી ટાંકી ની વ્યવસ્થા કરી આપવામાં આવે એવી પ્રાર્થના પણ સોમાભાઈ માંગણી કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે