પ્રેમ કહાનીનું કરૂણ અંજામ; રાજકોટમાં શંકા-કુશંકામાં હર્યો ભર્યો પરિવાર વીંખાયો, પ્રેમિકાની હત્યા
પ્રેમી સંજય પ્રેમિકા ઇલાબેન ઉર્ફે કિરણ સોલંકી પર શંકા-કુશંકાઓ કરતો હોવાથી વાસણ ધોવા જેવી સામાન્ય બાબતે ચડભડ થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. જોકે આરોપી સંજય પોલીસ પુત્ર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના રૈયા રોડ પર RMC આવાસ યોજનામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમી સંજય પ્રેમિકા ઇલાબેન ઉર્ફે કિરણ સોલંકી પર શંકા-કુશંકાઓ કરતો હોવાથી વાસણ ધોવા જેવી સામાન્ય બાબતે ચડભડ થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. જોકે આરોપી સંજય પોલીસ પુત્ર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- રાજકોટમાં પ્રેમીના હાથે પ્રેમિકાની હત્યા..
- પ્રેમી શંકા-કુશંકા કરતા થયો હતો ઝઘડો..
- પ્રેમીએ પ્રેમિકાને મોં પર ઓશિકાનો ડૂમો આપી હત્યા કરી હોવાની કબૂલાત..
- હત્યારો પ્રેમી પોલીસ સકંજામાં..
રાજકોટ પોલીસના કબ્જામાં ઉભેલા શખ્સનું નામ સંજયભારથી ગોસાઇ છે. આરોપી સંજય ગોસાઈ પર આરોપ છે. મૈત્રીકરારથી સાથે રહેતી ઇલા ઉર્ફે કિરણ સોલંકીની ઓશિકાથી ડૂમો દઇને હત્યા કરવાનો આરોપ છે. સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો પોલીસની પ્રાથમિક તપાસમાં સંજય ઇલા પર શંકા-કુશંકાઓ કરતો હોય વાસણ ધોવા જેવી સામાન્ય બાબતે ચડભડ થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. યુનિવર્સિટી પોલીસે નંદનવન આવાસમાં રહેતી મૃતકની બહેન પૂનમબેન અમિતભાઇ મકવાણાની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી સંજય ગોસાઇને ઝડપી લઇ ધરપકડ કરી છે.
મૃતકની બહેન પૂનમબેને નોંધાવેલી ફરિયાદમાં, 15 વર્ષ પહેલાં બહેન ઇલાના મનસુખ રામજીભાઇ સોલંકી સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન એક પુત્ર છે. બનેવી મનસુખભાઇનું બે વર્ષ પહેલાં બીમારીને કારણે મૃત્યુ થયા બાદ બહેન ઇલા પુત્ર સાથે માવતરે રહેવા આવી ગઇ હતી અને બીમાર, વૃદ્ધ વ્યક્તિના કેરટેકર તરીકે કામ કરતી હતી. જે કામ દરમિયાન સંજયભારથીનો સંપર્ક થયો હતો. તેના પણ છૂટાછેડા થયા હોય બહેન ઇલા વિધવા હોવાની તેને ખબર હોવાથી ગત ઓક્ટોબર મહિનામાં બંનેએ મૈત્રીકરાર કર્યા હતા. મૈત્રીકરાર બાદ બહેન ઇલા તેના પુત્ર સાથે સંજયભારથીના આરએમસી આવાસમાં રહેવા ગઇ હતી. પોતે જ્યાં રસોઇ કરવા જતી હતી તે જ મકાનમાં રહેતા વૃદ્ધાની બહેન ઇલા સારસંભાળ રાખતા હતા.
દરમિયાન બુધવારે સવારે ઇલાના ઘરે જતાં સંજયભાઈથી તેની હત્યા કરી નાસી ગયો હોવાની ખબર પડી હતી. અગાઉ ઇલાએ સંજય ખોટી શંકા-કુશંકાઓ કરી ઝઘડો કરતો હોવાની વાત કરી હોવાથી તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુનિવર્સિટી પોલીસે હત્યા કરી નાસી છૂટેલા સંજયને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન સંજયના પિતા અગાઉ પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા. તે એમ્બ્યુલન્સનું ડ્રાઇવિંગ કરે છે. પોતાના છૂટાછેડા બાદ ઇલા સાથે મૈત્રીકરાર કર્યા હતા. બંને બે મહિના પહેલા આ ક્વાર્ટરમાં રહેવા આવ્યા હતા.
ઇલાના પુત્રને તેના નાનાના ઘરે મોકલ્યા બાદ હત્યાને અંજામ આપ્યો!
ઇલાના આગલા ઘરનો 13 વર્ષનો પુત્ર મિલન પણ સાથે રહેતો હોય અને સંજય-ઇલા વચ્ચે માથાકૂટ થતી રહેતી હોવાથી મંગળવારે સાંજે મિલનને બોલાવી સંજયે તેને અને ઇલાને નાઇટ શિફ્ટ હોવાથી તું નાનાના ઘરે જતો રહે છે. જેથી મિલન રૈયાધારમાં રહેતા નાના ખીમજીભાઇ સોંદરવાને ત્યાં જતો રહ્યો હતો. ત્યાર બાદ રાત્રીના નવ વાગ્યે સંજયે ઇલાની માતા લલીતાબેનને ફોન કરી પોતે એમ્બ્યુલન્સ લઇને વિસાવદર જાય છે અને ઇલાને પણ રાતે કામે જવાનું હોવાથી મિલનને ત્યાં મોકલ્યો હોવાની વાત કરી હતી.
હાલ પોલીસે પ્રેમી સંજયભારથી ગોસાઈની ધરપકડ કરી જેલના સળિયા ગણતો કરી દીધો છે. ફરી એક વખત શંકા-કુશંકામાં હર્યો ભર્યો માળો વીંખાઈ ગયો છે અને પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે. આરોપી સંજયભારથીના મોં પર કોઈ જ પ્રકારનો પસ્તાવો જોવા મળતો નથી. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસમાં સંજય શું નિવેદનો આપે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે