ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે NDRFની વિવિધ ટીમોની બેમિસાલ કામગીરી, અત્યાર સુધી 1311 લોકોને બચાવ્યા
જ્યારે કોઈપણ જગ્યાએ કુદરતી આપતી આવે કે પૂરની સ્થિતિ હોય તો લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ હંમેશા ખડેપગે હોય છે. આ વર્ષે રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે અત્યાર સુધી 1300થી વધુ લોકોને બચાવ્યા છે.
Trending Photos
વડોદરાઃ ગુજરાતના વિવિધ વિસ્તારો જ્યારે પૂરના ગંભીર ઓથાર હેઠળથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે રાષ્ટ્રિય આપદા રાહત દળ એટલે કે એન.ડી.આર.એફ.ની વડોદરા ખાતેની બટાલિયન ૬ અને સંકટની વ્યાપકતાને જોતા છેક પંજાબના ભટિંડા અને ઓરિસ્સાના ભુવનેશ્વરથી તેડવામાં આવેલી બટાલિયન ૩ અને ૭ના જવાનોએ ધોધમાર વરસાદ અને ભય પમાડતા જળ પ્રવાહ વચ્ચે રાત દિવસ અવિરત કામ કરીને પાણી વચ્ચે ફસાયેલા લોકો અને પશુધનને ઉગારવાની સાહસ અને હિંમત ભરેલી ઉમદા કામગીરી કરી છે.
આ ત્રણ બટાલિયનોની કુલ ૨૪ ટીમોના કુલ ૬૦૦થી વધુ જવાનો હાલમાં રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારોમાં કાર્યરત છે. ખાસ સંજોગોને અનુલક્ષીને કેટલીક ટીમોને હવાઈ માર્ગે રાજ્યમાં લાવવામાં આવી હતી. રાજ્ય આપદા નિયંત્રણ તંત્ર દ્વારા તમામ સ્તરે સંકલન જાળવીને આ ટીમોનો બચાવ અને રાહત માટે બખૂબી ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ટીમોએ વર્તમાન આફત દરમિયાન ચારે તરફ જળ બંબાકાર વચ્ચે જીવનું જોખમ હતું. તેવા ૭૪૦ લોકોને બચાવી લેવાની સાથે જળમાં ગરકાવ થઈ રહેલા વિસ્તારોમાંથી ૫૭૧ લોકોને સલામત ઊંચાઈવાળી જગ્યાઓ ખસેડીને સુરક્ષિત કર્યા હતા. આમ,આ ટીમોની કામગીરી ૧૩૧૧ જેટલાં લોકોને નવું જીવન આપનારી બની હતી. આ ટીમોએ માત્ર માણસો ને નહિ પણ જળ મગ્ન વિસ્તારોમાં થી કિંમતી પશુધનને પણ બચાવ્યું હતું.
તેની સાથે પૂરના પાણીમાં ડૂબી ગયા હોય એવા કેટલાક હતભાગીઓના મૃતદેહો પણ બહાર કાઢ્યા હતા. આ લોકોએ પૂરના પાણીથી ભારે પ્રભાવિત વલસાડ, નવસારી ઉપરાંત, છોટાઉદેપુર, આણંદ, વડોદરા, કચ્છ, સુરત સહિતના વિવિધ જિલ્લાઓમાં આ જીવન રક્ષક સેવાઓ પૂરી પાડી હતી. વડોદરા સ્થિત બટાલિયન ૬ ની ૧૪ તથા બહારથી આવેલી બટાલિયન ૩ અને ૭, એ પ્રત્યેકની ૫/૫ ટીમો હાલમાં પણ ખડેપગે છે, તેમ વડોદરા એન.ડી.આર.એફ.૬ ના નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યું છે. તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર અને જે તે જિલ્લા વહીવટી તંત્રએ જરૂરી સુવિધા પૂરી પાડીને અમારી કામગીરી સરળ બનાવી હતી.બચાવ ઉપરાંત પ્રભાવિત લોકોને રાહત સામગ્રીના વિતરણમાં પણ આ દળે યોગદાન આપ્યું છે.
અનુપમે વધુમાં જણાવ્યું કે અમારી ટીમોના જવાનો આફતોમાં બચાવની ઉચ્ચ કક્ષાની તાલીમ અને બચાવ કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે. તેની સાથે આ ટીમો રબર બોટસ, ઓ.બી.એમ.મોટર્સ, લાઈફ જેકેટ,લાઇફ ગાર્ડસ,જુદા જુદા પ્રકારના દોરડા, કટર્સ, ઇમરજન્સી લાઈટ, પ્રાથમિક સારવારના સાધનો, ફોલ્ડેબલ સીડીઓ, કાટમાળ કાપવાના સાધનો,કાટમાળમાં ફસાયેલી અથવા તેના હેઠળ દબાયેલી વ્યક્તિઓને શોધવાના ઉપકરણો ઇત્યાદિથી સુસજ્જ છે.
આ ઉપરાંત ગુજરાત સરકારે પણ એસ.ડી.આર.એફ.એટલે કે રાજ્ય આપદા રાહત દળ બનાવ્યું છે. જેના જવાનોએ પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્વતંત્ર રીતે અને એન.ડી.આર.એફ.નો સહયોગ કરીને બચાવની ઉત્તમ કામગીરી કરી છે તો ઘણી જગ્યાઓએ સ્થાનિક પોલીસ અધિકારીઓ અને જવાનોએ પણ બચાવ અભિયાનમાં યોગદાન આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે