રૂપાલની પલ્લીમાં વહીં ઘીની નદીઓ! પ્રાંતિજમાં પણ જળવાઈ રહી પલ્લીની પરંપરા
Vijayadashami 2022: ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ગામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં પલ્લી કાઢવામાં આવી. મા વરદાયિની માતાની પરંપરાગત પલ્લીમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી. આ વર્ષે પણ દર વર્ષની જેમ જ લાખો લીટર ઘીનો પલ્લી પર અભિષેક કરવામાં આવ્યો.
Trending Photos
મૌલિક ધામેચા, ગાંધીનગરઃ પૈસા અને ધન સંપત્તિની વાત આવે ત્યારે એવું કહેવત કહેવામાં આવે છેકે, અહીં તો દૂધ-ઘીની નદીઓ વહે છે. જોકે, આવો જ કંઈક નજારો ગુજરાતના એક શહેરમાં દર વર્ષે સર્જાય છે. અને લાખો લોકો તેને નજરે જોઈને તેના સાક્ષી બને છે. આ આર્ટિકલમાં અમે વાત કરી રહ્યાં છીએ આસ્થાના અભિષેકની. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આપેલાં રૂપાલ ગામમાં વર્ષોથી પરંપરાગત રીતે દશેરાના દિવસે પલ્લી નીકળે છે. આ પલ્લીમાં લાખો લિટર ઘીથી અભિષેક કરવામાં આવે છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ વિજયાદશમીના પર્વ નિમિત્તે રૂપાલમાં પરંપરાગત રીતે પલ્લી નીકળી હતી. જેના દર્શનાર્થે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.
ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ગામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં પલ્લી કાઢવામાં આવી. મા વરદાયિની માતાની પરંપરાગત પલ્લીમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી. આ વર્ષે પણ દર વર્ષની જેમ જ લાખો લીટર ઘીનો પલ્લી પર અભિષેક કરવામાં આવ્યો. પલ્લીમાં માતાજીના દર્શનાર્થે દૂરદૂરથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યામાં લોકો પોતાની માનતા પુરી કરવા અને માતાજીના દર્શનનો લ્હાવો લેવા અહીં આવ્યા હતા.
ગઈકાલે રાત્રે 12 મા વરદાયિની આ પરંપરાગત પલ્લીનો પ્રારંભ થયો હતો. જે ગામના અલગ અલગ વિસ્તારમાં ફરી હતી, દરેક સ્થળે પલ્લી પર ઘીનો અભિષેક કરાયો હતો. મોડી રાતથી શરૂ થયેલી આ પલ્લી વહેલી સવારે નીજ મંદિરે પહોંચી હતી. ગામના તમામ માર્ગો પર ભક્તિમય વાતાવરણ બની ગયું હતું. મોટી સંખ્યામાં લોકો પોતાની માનતા પુરી કરવા માટે દર્શને આવ્યા હતા. પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે માતાની પલ્લી ભરાય છે. દર વર્ષે લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયિની માતાજીની પલ્લી ગયા વર્ષે કોરોનાને કારણે થોડા લોકોની હાજરીમાં જ કાઢવામાં આવી હતી, ગામના અન્ય લોકોએ પણ પોતાના ઘરો કે ચોકમાં ઊભા-ઊભા જ પલ્લીના દર્શન કરી લીધા હતા. જ્યારે ગામના 27 ચોકમાં પ્રતિકાત્મક રીતે ઘીને અભિષેક કરાયો હતો. પરંતુ આ વખતે સ્થિતિ સામાન્ય થતાં રૂપાલની પલ્લીનું વિધિવત રીતે આયોજન કરવામાં આવ્યું હતું.
બીજી તરફ સાબરકાંઠાના પ્રાંતિજના બ્રહ્માણી માતા અને ગાંધીનગરના રૂપાલના વરદાયીની માતા આ બંને બહેનો હોવાને લીધે રૂપાલની સાથે જ પ્રાંતિજમાં પણ પલ્લી નિકળે છે અને જેમાં શ્રદ્ધાળુઓ ઘી ચઢાવી પલ્લીના દર્શનનો લાભ છે. દર વર્ષે દશેરાના પર્વ નિમિત્તે ગુજરાતમાં રૂપાલ અને પ્રાંતિજ એમ બે જ જગ્યાએ પલ્લી નિકળતી હોય છે. જોકે કોરોનાના બે વર્ષ બાદ પલ્લીમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે