Delhi Assembly Election 2025: જો AAP દિલ્હીમાં હારી તો પંજાબ-ગુજરાતમાં જોવા મળી શકે છે અસર, કોંગ્રસ માટે બખ્ખે બખ્ખા?
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં હાલની લેટેસ્ટ સ્થિતિ મુજબ ટ્રેન્ડમાં ભાજપ ઘણું આગળ છે. જ્યારે જંગી બહુમતી સાથે સરકાર બનાવે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આપની આ દુર્દશા શું કોંગ્રેસ માટે સારા સમાચાર લઈને આવી રહી છે?
Trending Photos
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ખરાબ રીતે હારતી જોવા મળી રહી છે. ચૂંટણી પંચના લેટેસ્ટ આંકડા મુજબ ભાજપ હાલ 45 સીટ પર આગળ છે જ્યારે આમ આદમી પાર્ટી 25 સીટ પર આગળ છે. અરવિંદ કેજરીવાલ અને હાલના સીએમ આતિશી પણ પોતાની સીટ પર પાછળ જોવા મળી રહ્યા છે. અત્રે જણાવવાનું કે છેલ્લી બે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 60 કરતા વધુ સીટો જીતી હતી. પરંતુ આ વખતે દિલ્હીમાં મૂળિયા હલી રહ્યા છે. જેની અસર દેશના રાજકારણ ઉપર પણ જોવા મળશે. સૌથી મોટી વાત એ છે કે તે પંજાબ અને અન્ય જગ્યાઓ પર અસર પડી શકે છે.
આપનો ઉદય
એક દાયકા પહેલા ભ્રષ્ટાચાર વિરોધી અન્ના આંદોલન પર સવાર થઈને અરવિંદ કેજરીવાલની રાજનીતિક પાર્ટી આપે દિલ્હી ચૂંટણીમાં ઝંપ લાવ્યું હતું. 2013માં કોંગ્રેસ સાથે ગઠબંધનમાં સરકાર બનાવી અને બાદમાં 2015માં મફત વીજળી, પાણી, સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ સહિતના વચનોથી નવી લહેર બનીને ભારે બહુમત સાથે સત્તામાં આવી. પાર્ટીનો ઉદય એક ક્રાંતિ તરીકે જોવામાં આવ્યો. જે બદલાવ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ઈચ્છા ધરાવતા લોકો માટે આશાનું કિરણ બની. જો કે દિલ્હીમાં સતત બે કાર્યકાળ છતાં રાજધાનીમાં પ્રદૂષણ, પાણીની કમી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યાઓ રહી છે. કેજરીવાલે આ મુદ્દાઓ માટે મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી. બધુ મળીને જોઈએ તો એક દાયકામાં જે આપની ક્રાંતિ જોવા મળી તે હવે જાણે ફિક્કી પડતી જોવા મળી રહી છે.
કોંગ્રેસને ફાયદો?
2025ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે યમુના જળ સંકટ અને ભ્રષ્ટાચારના આરોપો જેવા મુદ્દાઓને આક્રમક રીતે ઉઠાવ્યા અને મતદારો વચ્ચે શંકા પેદા કરવાની કોશિશ કરી. જે એક સમયે આમ આદમી પાર્ટીની સ્વચ્છ રાજનીતિના વચન પર ભરોસો કરતા હતા. કેજરીવાલના સાધારણ વેગનઆરથી 45 કરોડ રૂપિયાના આલીશાન શીશ મહેલના માલિક બનવા અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી પણ તેનું એક ઉદાહરણ છે.
જો કે કેજરીવાલે કોંગ્રેસના આ દાવા ફગાવી દીધા હતા અને તેની જગ્યાએ ભાજપ પર આક્રમક પ્રહારો કરવાનું ચાલું રાખ્યું. જ્યારે આપે દિલ્હીમાં કોંગ્રેસને જોખમ ગણી જ નહતી. ઈતિહાસ દર્શાવે છે કે આપનો ઉદય કોંગ્રેસના પતન સાથે નિકટતાથી જોડાયેલો છે. ગત ચૂંટણીમાં એક નજર ફેરવવાથી તે સમજી શકાશે.
કોંગ્રેસના પતનથી આપને મદદ કેવી રીતે મળી?
- 2013માં 29.49% વોટ શેર સાથે આપે 28 સીટો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 43 સીટો મળી. પરંતુ ત્યારબાદ 8 (24.55%) પર આવી ગઈ. ભાજપની વોટશેરમાં મામૂલી ઘટાડો આવ્યો પરંતુ સીટો વધી અને 31 થઈ હતી.
2015માં આપનો વોટશેર 15 ટકા વધી ગયો જ્યારે કોંગ્રેસને ફટકો પડ્યો અને ભાજપનો વોટશેર લગભગ એ જ રહ્યો.
2020માં કોંગ્રેસનો વોટશેર ફરી ઘટી ગયો અને 4.26 ટકા પર પહોંચી ગયો જ્યારે 62 સીટો મળી.
પંજાબ સપનું દાવ પર?
પંજાબમાં આપનો ઉદય કોંગ્રેસના પતન સાથે થયો હતો. 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આપે 92 સીટો સાથે જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસ ફક્ત 18 સીટો પર સમેટાઈ ગઈ હતી. અકાલી દળને 3 સીટો અને ભાજપને 2 મળી હતી. કોંગ્રેસનો ગઢ રહેલા પંજાબમાં આપની સફળતા એ ઘણું ખરું તો કોંગ્રેસના આંતરિક વિખવાદનું પરિણામ હતી.
જો કે દિલ્હીમાં હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે જોતા આમ આદમી પાર્ટીની સંભવિત હારની પંજાબ સરકાર પર અસર પડી શકે છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. દિલ્હીમાં પાર્ટીની હારથી આમ તો સરકાર પર કોઈ સંકટ ન આવે પરંતુ જૂથબાજી, અસંતોષ, તોડફોડ વગેરેની સંભાવનાથી ઈન્કાર કરી શકાય નહીં. દિલ્હીમાં હાર બાદ હવે કેન્દ્રીય નેતૃત્વનો પંજાબ સરકારમાં હસ્તક્ષેપ વધવાની પણ સંભાવના જતાવવામાં આવી રહી છે.
પંજાબમાં શું છે સ્થિતિ
પંજાબમાં કુલ 117 સીટો છે જેમાંથી 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 92 સીટ મળી હતી. કોંગ્રેસને 18 સીટ મળી હતી જ્યારે શિરોમણી અકાલી દળને 3 અને ભાજપને 2 તથા બહુજન સમાજ પાર્ટીને 1 સીટ મળી હતી. આ રીતે જોઈએ તો પંજાબની સરકાર પર સીધુ કોઈ સંકટ નથી પરંતુ મનોબળ તૂટી શકે છે. કેન્દ્રીય નેતૃત્વની દખલગીરીથી પ્રાદેશિક સ્તરે અસંતોષ વધવાની પણ સંભાવના છે. જેના કારણે કોંગ્રેસને પોતાની ગુમાવેલી સ્થિતિ પાછી મેળવવાની તક છે. પંજાબ પર આપની પકડ નબળી પડી શકે છે. પંજાબથી અલગ ગુજરાતમાં પણ ભાજપને માત આપવાની આમ આદમી પાર્ટીની કોશિશોને ફટકો પડી શકે છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્ય પર ભાજપની મજબૂત પકડ છતાં આપે કોંગ્રેસના સમર્થનના આધારે ભાજપના વોટશેરમાં ગાબડું પાડવામાં સફળતા મેળવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે