અયોધ્યા ચૂકાદોઃ RSS નેતાઓ અને મુસ્લિમ ધર્મગુરૂઓ વચ્ચે યોજાઈ મહત્વની બેઠક
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે જણાવ્યું કે, અયોધ્યા બાબતે સુપ્રીમ કોર્ટનો જે કોઈ ચૂકાદો આવશે તેનું બધા સન્માન કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ અયોધ્યા કેસમાં હવે થોડા દિવસમાં સુપ્રીમ કોર્ટ પોતાનો ચૂકાદો સંભળાવશે. આ ચૂકાદો આવે તે પહેલા મુસ્લિમ ધર્મગુરુઓ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના નેતાઓ વચ્ચે મંગળવારે મહત્વની બેઠક મળી છે. આ બેઠકમાં દેશના નાગરિકોને ભાઈચારો જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના ઘરે યોજાયેલીઆ મીટિંગ પછી હાજર નેતાઓએ વિવિધ નિવેદન આપ્યા હતા.
કયા નેતાએ શું કહ્યું?
- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે જણાવ્યું કે, અયોધ્યા બાબતે સુપ્રીમ કોર્ટનો જે કોઈ ચૂકાદો આવશે તેનું બધા સન્માન કરશે.
- શિયા ધર્મગુરુ સૈયદ મૌલાના કલ્બે જવ્વાદે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટનો જે કોઈ ચૂકાદો આવે તેનું આપણે સૌએ સન્માન કરવું જોઈએ. અમે અત્યારથી જ શાંતિ જાળવી રાખવા અપીલ કરીશું.
- અખિલ ભારતીય સુફી સજ્જાદનશીં પરિષદના અધ્યક્ષ સૈયદ નસરૂદ્દીન ચિશ્તીએ કહ્યું કે, તમામ ધર્મના લોકોએ સુપ્રીમના ચૂકાદાનું સન્માન કરવું જોઈએ. અમે તમામ દરગાહોને દિશા-નિર્દેશ આપીશું કે તેઓ લોકોને અફવાઓ અને ખોટા સમાચાર પર વિશ્વાસ ન મુકવા માટે અપીલ કરે.
આ મુદ્દે લઘુમતી બાબતોના કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે, અયોધ્યા કેસના ચૂકાદાને હાર-જીત તરીકે ન જોવો જોઈએ, પરંતુ કોર્ટના ચૂકાદા તરીકે જોવો જોઈએ, જેથી દેશમાં શાંતિ જળવાઈ રહે.
બેઠકમાં કોણ-કોણ રહ્યું હાજર
આ બેઠકમાં મુસ્લિમ સંપ્રદાયના વિવિધ ધર્મગુરુઓ ઉપરાંત આરએસએસ તરફથી કૃષ્ણા ગોપાલ, રામલાલ હાજર રહ્યા હતા. સરકાર તરફથી ભાજપના મુખ્તાર અબ્બાસ નકવી અને શાહનવાઝ હુસેને ભાગ લીધો હતો. મુસ્લિમ ધર્મગુરૂઓમાં જમિયત ઉલેમાએ હિન્દના મહામંત્રી મૌલાના મહેમુદ મદની, પ્રોફેસર અખ્તારૂલ વાસે, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય કમાલ ફારૂકી, શિયા ધર્મગુરુ કલ્બે જવ્વાદ, દિલ્હી શિયા જામા મસ્જિદના મોહસિન તકવી, સાજિદ રશીદી, અતહર દહેલવી સહિત અન્ય ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહી હતી.
ઉલ્લેખનીય છે કે, અયોધ્યા કેસમાં 17 નવેમ્બરના રોજ ચૂકાદો આવી શકે છે. કેમ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમની નિવૃત્તિ પહેલા આ ચૂકાદો આવી જાય તેવી પુરી સંભાવના છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે