PAK F-16એ 40-50 કિમીના અંતરેથી ભારતીય વિમાનો પર AMRAAM મિસાઈલો છોડી હતી
બાલાકોટ સ્થિત આતંકી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકથી હચમચી ઉઠેલા પાકિસ્તાને 27 ફેબ્રુઆરીએ ભારતની હવાઈ સરહદમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી. આ માટે તેણે એફ-16નો ઉપયોગ કર્યો અને એટલું જ નહીં તેણે સુખોઈ-30 અને મિગ-21ને નિશાન બનાવીને ચારથી પાંચ મિસાઈલો પણ છોડી.
Trending Photos
નવી દિલ્હી: બાલાકોટ સ્થિત આતંકી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકથી હચમચી ઉઠેલા પાકિસ્તાને 27 ફેબ્રુઆરીએ ભારતની હવાઈ સરહદમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી. આ માટે તેણે એફ-16 ફાઈટર વિમાનોનો ઉપયોગ કર્યો અને એટલું જ નહીં તેણે સુખોઈ-30 અને મિગ-21ને નિશાન બનાવીને ચારથી પાંચ મિસાઈલો પણ છોડી. જો કે પાકિસ્તાનના આ નાપાક ઈરાદા ભારતીય વાયુસેનાએ રગદોળી નાખ્યા હતાં.
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ પાકિસ્તાને હવામાંથી હવામાં નિશાન સાધનારી અમેરિકી મિસાઈલ (AMRAAM)નો ઉપયોગ કરીને લગભગ 40થી 50 કિમીના અંતરેથી ભારતના વિમાનો પર નિશાન સાધવાની કોશિશ કરી હતી. પાકિસ્તાન પાસે જેટલા પણ ફાઈટર વિમાનો છે તેમાંથી ફક્ત એફ 16 વિમાનોમાં જ આ મિસાઈલ દ્વારા હવામાં હુમલો કરવાની ક્ષમતા છે. નોંધનીય છે કે પાકિસ્તાન સતત એ વાતનો ઈન્કાર કરી રહ્યું છે કે તેની વાયુસેનાએ એફ 16નો ઉપયોગ કર્યો છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાનના દાવાને ખોટો સાબિત કરવા માટે ભારતીય વાયુસેના તે વિસ્તારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જ્યાં (AMRAAM)ના ટુકડા પડ્યા હોવાની શક્યતા છે. આ સાથે સૂત્રે એમ પણ કહ્યું કે મિસાઈલના હજુ વધુ ટુકડાં મળ્યા બાદ પાકિસ્તાનના જૂઠ્ઠાણાનો પર્દાફાશ થઈ જશે. જેમાં તે સતત એવું કહી રહ્યું છે કે તેણે એફ 16નો ઉપયોગ કર્યો નથી.
અત્રે જણાવવાનું કે 27 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી વિસ્તારના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને ભારતીય સેનાના ઠેકાણાઓને નિશાન બનાવવાની કોશિશ કરી, જેમાં તેઓ નિષ્ફળ ગયાં. આ દરમિયાન ભારતીય વાયુસેનાએ તેમને ખદેડી મૂક્યા અને પાકિસ્તાનનું એક એફ 16 ફાઈટર વિમાન પણ તોડી પાડ્યું.
સૂત્રએ એ વાતની શક્યતા વ્યક્ત કરી છે કે પાકિસ્તાનની ઈચ્છા ભારતીય સેનાના બ્રિગેડને નષ્ટ કરવાની હતી. ભારત તરફથી અમેરિકાના સંરક્ષણ વિભાગને પણ AMRAAMના ટુકડાં પુરાવા તરીકે મોકલી આપવામાં આવ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે