પ્રયાગરાજ: કુંભ મેળાની તૈયારીઓના ભાગ રૂપે બની રહેલા હેલિપોર્ટ બિલ્ડિંગનો હિસ્સો તૂટી પડ્યો
Trending Photos
પ્રયાગરાજ: 14 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં કુંભમેળો શરૂ થઈ રહ્યો છે. જેની તૈયારીઓ એકદમ પૂરજોશમાં ચાલુ છે. આ દરમિયાન મોડી રાતે કુંભ મેળાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહેલો હેલિપોર્ટ બિલ્ડિંગનો એક ભાગ તૂટી પડ્યો. મોડી રાતે થયેલા આ અકસ્માતમાં બે મજૂરો દબાયેલા હોવાની જાણકારી મળી છે. પ્રશાસનના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
એક અધિકારીએ આ અકસ્માતની જાણકારી આપતા કહ્યું કે હેલિપોર્ટનો ભાગ તૂટી પડવાની ખબર મળતા જ ઘટનાસ્થળે પહોંચીને બચાવ ટીમે ફસાયેલા બંને મજૂરોને બહાર કાઢી લીધા છે. બંનેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અહીં તેમની સારવાર ચાલી રહી છે.
શ્રદ્ધાળુઓ માટે બનાવવામાં આવી રહ્યું છે હેલિપોર્ટ
પ્રયાગરાજમાં કુંભમેળા દરમિયાન આવનારા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય તે માટે પ્રશાસન દ્વારા હેલિકોપ્ટરની સુવિધા આપવા માટે હેલિપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આ હેલિપોર્ટ પર વીવીઆઈપી ગેસ્ટ માટે હેલિકોપ્ટરોનું પાર્કિંગ પણ થવાનું છે.
અત્રે જણાવવાનું કે આ વખતે કુંભમેળામાં આવનારા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે માટે પ્રશાસન દ્વારા અનેક તૈયારીઓ થઈ રહી છે. પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે આ કુંભમેળાની તૈયારીઓની અનેકવાર સમીક્ષા કરી ચૂક્યા છે. આ વખતે પણ કુંભમેળામાં અનેક રાજ્યોની જાણીતી હસ્તિઓ સાથે અનેક દેશોના ગણમાન્ય લોકો પણ હાજર રહેશે.
વારાણસી અને પ્રયાગરાજ વચ્ચે એરબોટ સેવા
સરકાર કુંભમેળા માટે 26 જાન્યુઆરીથી વારાણસી અને પ્રયાગરાજ વચ્ચે એરબોટ સેવા શરૂ કરશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે તથા શિપિંગ અને વોટર રિસોર્સિસના મંત્રી નીતિન ગડકરીએ આ અંગે જાણકારી આપી હતી.
ગંગા સાથે જોડાયેલા શહેરોમાં સોલિડ વેસ્ટ પર નિગમ કમિશનરોની કાર્યશાળાને સંબોધિત કરતા ગડકરીએ કહ્યું કે આ રશિયન ટેક્નિક છે. એરબોટમાં એક વાહનનું એન્જિન લાગેલુ હશે જે એકવારની ફેરીમાં 16 લોકોને લઈ જઈ શકશે. આ એરબોટ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે