રૂપિયો PM મોદીના પૂજનીય માતાજીની ઉંમર કરતા પણ નીચે ગગડી ગયો છે: રાજ બબ્બર
કોંગ્રેસના નેતા રાજ બબ્બરે ઈન્દોરમાં ગુરુવારે એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે રેલી દરમિયાન દેશમાં ગગડી રહેલા રૂપિયા મામલે વડાપ્રધાન પર કટાક્ષ કર્યો.
Trending Photos
નવી દિલ્હી/ઈંદોર: કોંગ્રેસના નેતા રાજ બબ્બરે ઈન્દોરમાં ગુરુવારે એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે રેલી દરમિયાન દેશમાં ગગડી રહેલા રૂપિયા મામલે વડાપ્રધાન પર કટાક્ષ કર્યો. તેમણે વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું કે 'જ્યારે તેઓ (પીએમ મોદી) કહેતા હતા કે ડોલર સામે રૂપિયો કેટલો ગગડ્યો, તેઓ તે સમયના પીએમની ઉંમર બતાવીને કહેતા હતાં કે તેમની ઉમર સમીપ જઈ રહ્યો છે. પહેલા તો રૂપિયો વડાપ્રધાનની ઉંમરથી પણ નીચે ગગડ્યો અને હવે તો વડાપ્રધાનના પૂજનીય માતાજીની ઉંમરથી પણ નીચે ગગડી ગયો છે.'
અયોધ્યામાં ભગવાન રામના મંદિર નિર્માણ મુદ્દે ભાજપની નીયત પર સવાલ ઉઠાવતા વરિષ્ઠ નેતા રાજ બબ્બરે ગુરુવારે એવો પણ આરોપ લગાવ્યો કે ચૂંટણી આવતા જ ભાજપ તેના નામ પર મતદારોને ઠગવાની કોશિશ શરૂ કરી દે છે. અભિનેતામાંથી નેતા બનેલા રાજ બબ્બરે કહ્યું કે "ભાજપે ભગવાન રામને ક્યારેય આસ્થાની નજરે જોયા નથી. જ્યારે ક્યાંય પણ ચૂંટણી હોય છે ત્યારે ભાજપ રામ નામનો કટોરો લઈને ફરવાનું શરૂ કરી દે છે."
ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે રામ મંદિર મુદ્દે ભાજપની ઠગવાની કોશિશોને મતદારોએ ઓળખી લીધી છે. ભાજપ કહે છે કે મંદિર અમે બનાવીશું પરંતુ તારીખ નહીં જણાવીએ. લોકો સમજી ચૂક્યા છે કે તેમના મોઢામાં રામ અને બગલમાં છૂરી છે. એક સવાલ પર તેમણે જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસે રામ મંદિર નિર્માણનો ક્યારેય વિરોધ કર્યો નથી, કે આગળ પણ નહીં કરે.
તેમણે કહ્યું કે બધા લોકો ઈચ્છે છે કે ભગવાન રામનું મંદિર બને. મને લાગે છે કે હવે મુસલમાનો પણ ઈચ્છે છે કે આ મંદિર બને. પરંતુ મામલે હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આથી સુપ્રીમ કોર્ટ જ નક્કી કરશે કે આ મંદિર ક્યાં બનશે.
મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને સત્તારૂઢ ભાજપની હાલની સભાઓમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાં. જેના પર પલટવાર કરતા બબ્બરે કહ્યું કે જે વ્યક્તિ મંદિર છોડીને રાજકારણમાં આવી છે, તેના અંગે શું કહીએ. આદિત્યનાથને પૂછવું જોઈએ કે શું તેઓ પોતાના ભગવા વસ્ત્રોની ગરિમા જાળવે છે?
રૂપાણીએ નિવેદનને વખોડ્યું
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતા રાજ બબ્બર દ્વારા અપાયેલા નિવેદનને વખોડ્યું. તેમણે કહ્યું કે આ નિવેદન એ નીચ માનસિકતાનું પ્રદર્શન છે. ડોલર સાથે પીએમના માતાની ઉંમરની સરખામણીના નિવેદનની ટીકા કરું છું. તેમણે પીએમની માફી માંગવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે