તેલંગાણા વિધાનસભા માટે આજે મતદાન, કોંગ્રેસ-ભાજપ-ટીઆરએસ વચ્ચે ત્રિપાંખિયો જંગ
તેલંગાણામાં બીજી વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ રહી છે. અહીં તેલગાણા અલગ રાજ્ય બન્યા બાદ 2014માં લોકસભા ચૂંટણી સાથે યોજાયેલી ચૂંટણીમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ની સરકાર બની હતી અને કે. ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી બન્યા હતા
Trending Photos
હૈદરાબાદઃ તેલંગાણામાં 5 રાજ્યો સાથે વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તેલંગાણા વિધાનસભાની 119 બેઠકો માટે 2.80 કરોડ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં 1,821 ઉમેદવારો ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. રાજ્યમાં સવારે 7 વાગે મતદાન શરૂ થશે અને સાંજે 5 કલાકે મતદાન પૂર્ણ થઈ જશે. નકસલ પ્રભાવિત 13 બેઠકો પર એક કલાક વહેલા એટલે કે સાંજે 4.00 કલાકે મતદાન પૂર્ણ થઈ જશે. રાજ્યમાં 1.50 લાખ કરતાં વધુ ચૂંટણી અધિકારીઓ પોત-પોતાના મતદાન મથક પર પહોંચી ગયા છે. ચૂંટણી સુરક્ષા વ્યવસ્થા માટે 1 લાખ પોલીસ કર્મચારીઓ, 25,000 કેન્દ્રીય અર્ધળશ્કરી દળના જવાન અને 20,000 અન્ય રાજ્યોનાં જવાનોને ચૂંટણી ડ્યુટીમાં તૈનાત કરવામાં આવ્યા છે.
તેલંગાણામાં આમ તો આગામી ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ આવતી હતી, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ દ્વારા 6 સપ્ટેમ્બર, 2018ના રોજ વિધાનસભા વહેલા ભંગ કરી દેવાના કારણે અત્યારે ચૂંટણી યોજવી પડી રહી છે. રાજ્યમાં કોંગ્રેસ, ભાજપ અને સ્થાનિક પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. કોંગ્રેસ અહીં સ્થાનીક પક્ષ પ્રજાકુટમી અને તેલુગુ દેશમ પાર્ટી સાથે ગઠબંધન બનાવીને ચૂંટણી લડી રહી છે. ભાજપ અને ટીઆરએસ એકલા હાથે ચૂંટણી લડી રહી છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી રજત કુમાર રાવે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, "રાજ્યમાં 446 ફ્લાઈંગ સ્ક્વોડ બનાવાઈ છે. 448 સર્વેલન્સ ટીમ પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખશે. જેમાંથી 224 વીડિયો સર્વેલન્સ ટીમ છે, જ્યારે 133 વીડિયો પર નજર રાખતી ટીમ સતત કાર્યરત રહેશે. રાજ્યમાં સૌ પ્રથમ વખત વોટર્સ વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ (VVPAT) મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે."
તેલંગાણા રાજ્યનું ચૂંટણી સમીકરણ
વર્ષ 2014 વિધાનસભા ચૂંટણી પરિણામ
કુલ વિધાનસભા બેઠકઃ 119+1
(1 બેઠક નામાંકિત સભ્ય માટે છે)
પક્ષ સીટ
TRS 90
કોંગ્રેસ 13
AIMIM 07
ભાજપ 05
TDP 03
CPIM 01
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે