પ્રવેશ વર્મા કે મનોજ તિવારીની જગ્યાએ ભાજપે કેમ રેખા ગુપ્તા પર પસંદગીનો કળશ ઢોળ્યો? ખાસ જાણો કારણ

Delhi CM: દિલ્હીની કમાન કોને સોંપાશે તે સસ્પેન્સ પરથી આખરે પડદો ઉઠી ગયો છે. દિલ્હીને ફરી મહિલા મુખ્યમંત્રી મળશે. ભાજપે રેખા ગુપ્તા પર પસંદગી ઉતારી છે. ત્યારે સ્વાભાવિક પણે એમ થાય કે રેખા ગુપ્તા જ કેમ? ખાસ જાણો આ કારણો. 

પ્રવેશ વર્મા કે મનોજ તિવારીની જગ્યાએ ભાજપે કેમ રેખા ગુપ્તા પર પસંદગીનો કળશ ઢોળ્યો? ખાસ જાણો કારણ

દિલ્હી વિધાનસભામાં ભાજપની જલવંત જીત થયા બાદ સતત એ પ્રશ્ન ચર્ચામાં હતો કે મુખ્યમંત્રી કોણ બનશે? એવું લાગતું હતું કે અરવિંદ કેજરીવાલને હરાવીને જાયન્ટ કિલર બનેલા પ્રવેશ વર્માને પણ તક છે જ્યારે મનોજ તિવારી પણ રેસમાં હતા. મનોજ તિવારી સાંસદ છે જ્યારે પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને હરાવ્યા હતા. પર્યવેક્ષકે તિવારી, વર્માને પાછળ છોડીને રેખા ગુપ્તાના નામ પર મહોર લગાવી દિલ્હીની ગાદી તેમને સોંપી દીધી. રેખા ગુપ્તાને દિલ્હીના સીએમ બનાવીને ભાજપે શું સંદેશ આપ્યો છે તે જાણવું પણ જરૂરી છે. 

દિલ્હીમાં મહિલા સીએમ
દિલ્હીમાં રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવવાના કારણમાં સૌથી મોટું કારણ મહિલા ચહેરો છે. આ અગાઉ દિલ્હીમાં અનેક મહિલા સીએમ રહી ચૂક્યા છે. રેખા ગુપ્તા ચોથા મહિલા સીએમ બનશે. 12 ઓક્ટોબર 1998થી 3 ડિસેમ્બર 1998 સુધી ભાજપે સુષમા સ્વરાજને દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના શીલા દિક્ષીતે પણ લાંબો કાર્યકાળ સીએમ તરીકે ભોગવ્યો છે. આ સાથે જ આમ આદમી પાર્ટીએ પણ મહિલા સીએમ તરીકે આતિશી પર કળશ ઢોળ્યો હતો. 

વેપારીઓને ટાર્ગેટ
ભાજપે રેખા ગુપ્તાને સીએમ બનાવીને એક સાથે અનેક સંદેશ આપ્યા ચે. રેખાને સીએમ બનાવીને ભાજપે વ્યાપારી વર્ગને પણ ભાજપે સાધવાનું કામ કર્યું છે. દિલ્હીમાં મોટી સંખ્યામાં બિઝનેસમેન છે. રેખા ગુપ્તાના નામની જાહેરાત થતા જ વેપારીઓમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. 

બિહાર વિધાનસભા પર ફોકસ
રેખા ગુપ્તાને સીએમ બનાવવાનો સંદેશ બીજા રાજ્યોમાં પણ જશે. આ વર્ષે બિહારમાં પણ વિધાનસભા ચૂંટણી છે. આવામાં મહિલા સીએમ બન્યા બાદ તેની અસર બિહારમાં પણ જોવા મળી શકે છે. અત્રે જણાવવાનું કે ભાજપ સતત મહિલાઓના હિતોની વાત કરતો રહ્યો છે. આવામાં ભાજપનું ફોકસ મહિલા મતદારો પર છે. 

RSS માં સક્રિય રહ્યા
રેખા ગુપ્તાના સીએમ બનાવામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ભૂમિકા પણ માનવામાં આવી રહી છે. અત્રે જણાવવાનું કે તેઓ આરએસએસ સાથે પણ જોડાયેલા છે. મહિલાઓ અને બાળકોના  કલ્યાણ માટે તેમણે સુમેધા યોજના જેવી પહેલ શરૂ કરી જેણે આર્થિક રીતે નબળી વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરી. 

વિદ્યાર્થી પરિષ સાથે નાતો
રેખા ગુપ્તા દ્વારા ભાજપે યુવાઓને પણ સાધ્યા છે. રેખાએ પોતાની રાજનીતિની શરૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી કરી હતી. રેખા ગુપ્તા વર્ષ 1996-97માં દિલ્હી યુનિવર્સિટી (DUSU)ના અધ્યક્ષ બન્યા. તેઓ 2007 અને 2012માં ઉત્તર પીતમપુરા (વોર્ડ 54)થી દિલ્હી કોર્પોરેટરની ચૂંટણી માટે પસંદ કરાયા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news