AUS vs IND: આ 4 કારણોથી ટીમ ઈન્ડિયા જીતી શકે છે સિડની ટેસ્ટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝનો ચોથો અને અંતિમ મેચ કાલથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. આ સિરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ ચાલી રહી છે. અંતિમ ટેસ્ટ મેચ જીતીને ટીમ ઈન્ડિયા ઈતિહાસ રચી શકે છે. મહત્વનું છે કે, આ પહેલા ટીમ ઈન્ડિયા ક્યારેય ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહી નથી.
ચેતેશ્વર પૂજારાનું ફોર્મ
પૂજારા આ સિરીઝમાં ભારત તરફથી સૌથી સફળ બેટ્સમેન છે. પૂજારાએ આ શ્રેણીમાં અત્યાર સુધી બે સદી ફટકારી છે.
પૂજારાએ આ સિરીઝમાં રમાયેલી 3 મેચમાં સૌથી વધુ 328 રન બનાવ્યા છે. પૂજારા આ સિરીઝમાં 800થી વધુ બોલ રમી ચુક્યો છે. પહેલા અને ત્રીજા મેચમાં પૂજારાએ સદી ફટકારી અને બંન્ને મેચમાં ભારતનો વિજય થયો હતો. તેનાથી ખ્યાલ આવે છે કે, પૂજારા ભારતીય બેટિંગનો મહત્વનો સ્તંભ છે. (ફોટોઃ ચેતેશ્વર પૂજારા ટ્વીટર)
વિરાટ કોહલીની બેટિંગ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટીમનો મહત્વનો ખેલાડી છે. કોહલી એકમાત્ર ભારતીય બેટ્સમેન છે, જેણે દરેક સિઝનમાં રન બનાવ્યા છે. આ સિરીઝમાં કોહલીએ અત્યાર સુધી એક સદી ફટકારી છે.
આ સિરીઝમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં કોહલી બીજા સ્થાન પર છે. કોહલીએ 3 મેચોમાં 40થી વધુની એવરેજથી 259 રન બનાવ્યા છે.
ભારતીય બોલરોનું સારૂ ફોર્મ
ભારતના બોલરોએ આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ફાસ્ટ બોલર આ શ્રેણીમાં સારા ફોર્મમાં છે. ભારતના બોલરોએ ત્રણેય મેચમાં ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કર્યું છે. આ સિરીઝમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર ભારતનો જસપ્રીત બુમરાહ છે. બુમરાહે 3 મેચોમાં અત્યાર સુધી 20 વિકેટ ઝડપી છે. મેલબોર્નમાં બુમરાહે 9 વિકેટ ઝડપી હતી અને મેન ઓફ ધ મેચ રહ્યો હતો. બુમરાહ સિવાય શમી અને ઈશાંતે પણ સારી બોલિંગ કરી છે. આ સિરીઝમાં ભારતીય ટીમની સફળતાનો શ્રેય બોલરોને જાય છે. (ફોટો સાભારઃ ICC)
મયંક અગ્રવાલની બેટિંગ
મયંક અગ્રવાલે ગત મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તેણે પોતાના પ્રથમ મેચમાં ઓપનર તરીકે અડધી સદી ફટકારી હતી. મયંકે પ્રથમ ઈનિંગમાં 76 અને બીજી ઈનિંગમાં મહત્વપૂર્ણ 42 રન ફટકાર્યા હતા.
મયંક આવ્યા બાદ ઓપનિંગ જોડી સારી થઈ ગઈ છે. કાલના મેચમાં મયંકની સાથે રાહુલ ઓપનિંગ કરી શકે છે. (ફોટો સાભારઃ BCCI)
Trending Photos