8th Pay Commission: સરકારી કર્મચારીઓ ખાસ જાણે, પગાર, પેન્શન, ગ્રેચ્યુઈટી...બધામાં થશે વધારો, જાણો કેટલો થશે ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના પગારમાં સુધારા માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી. જેના કારણે લાખો કર્મચારીઓને ફાયદો થશે. પીએમ મોદીએ આ નિર્ણય એવી રીતે લીધો કે લોકોને ગંધ સુદ્ધા ન આવી. હવે આઠમા પગાર પંચની રચનાથી કર્મચારીઓને શું શું ફાયદા થઈ શકે છે તે પણ  ખાસ જાણો. 

1/10
image

આખરે આઠમાં પગાર પંચની રચનાને મંજૂરી મળી ગઈ છે. આ પગાર પંચ આવતા વર્ષે એટલે કે 2026થી લાગૂ થશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તેની જાહેરાત કરી. કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી તેની રાહ જોતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઠમા પગાર પંચ વિશે નિર્ણય લેવાના છે તેની કોઈને ગંધ સુદ્ધા આવી નહતી. આ રીતે પોતાની કામ કરવાની શૈલીથી તેમણે ફરીથી બધાને ચોંકાવી દીધા છે. જે કેબિનેટમાં હતું જ નહીં, ગુરુવારે તે જ નિર્ણય સૌથી મોટો ચર્ચાનો વિષય બની ગયો. સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે પીએમ મોદીએ આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય કેબિનેટમાં ન હતો. આ પગલાંથી કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારીઓ અને લગભગ 65 લાખ જેટલા પેન્શનધારકોને લાભ કરાવશે. 

શું જાણકારી આપી છે સરકારે

2/10
image

આઠમું પગાર પંચ લાગૂ થતા કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થવાની શક્યતા છે. પહેલા લાગૂ થયેલા પગાર પંચોને આધાર માનીએ તો આ વખતે સરકારી કર્મચારીઓના ન્યૂનતમ પગાર એટલે કે બેઝિક પગારમાં ઓછામાં ઓછો 3 ગણો વધારો થઈ શકે છે. આમ થયું તો કુલ પગારમાં 150 ટકાથી વધુનો વધારો જોવા મળી શકે છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેન્દ્રીય કેબિનેટે આઠમાં પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. પંચના ચેરમેન અને બે સભ્યોના નામની જલદી જાહેરાત કરાશે. સાતમું પગાર પંચ વર્ષ 2026ની શરૂઆતમાં ખતમ થઈ રહ્યું છે. તે પહેલા પંચની ભલામણોનો અંગે તેનો રિવ્યૂ કર્યા બાદ તેમને લાગૂ કરાશે. એ રીતે જોઈએ તો 1 જાન્યુઆરી 2026થી આઠમું પગાર પંચ લાગૂ  થઈ શકે છે. 

કેટલો થશે બેઝિક પગાર

3/10
image

સાતમા પગાર પંચની રચના વર્ષ 2014માં કરાઈ હતી અને તેની ભલામણો 2016માં લાગૂ કરાઈ હતી. જે મુજબ ન્યૂનતમ પગાર વધારીને 18000 રૂપિયા માસિક થયો હતો. વાત જાણે એમ છે કે છઠ્ઠા પગાર પંચ હેઠળ ન્યૂનતમ પગાર 7000 રૂપિયા હતો. સાતમા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57 લાગૂ કરાયું હતું. ત્યારબાદ ન્યૂનતમ પગાર વધીને  7000*2.57=18000 રૂપિયા થયો હતો. આઠમા પગાર પંચ હેઠળ આશા કરાઈ રહી છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.57 જ રાખવામાં આવી શકે છે. જો આમ થયું તો ન્યૂનતમ પગાર વધીને 18000*2.57=46220 (લગભગ 46000 રૂપિયા) રૂપિયા થઈ શકે છે. 

મહત્તમ પગારવાળાને કેટલો ફાયદો

4/10
image

સાતમા પગાર પંચ હેઠળ હાયર ગ્રેડવાળા સેક્રેટરી લેવલના અધિકારીનો બેઝિક પગાર હાલ 2.5 લાખ રૂપિયા છે. જેમના પગારમાં મોંઘવારી ભથ્થું જોડાતું નથી. આવામાં આઠમાં પગાર પંચમાં જો ફિટમેન્ટ ફેક્ટર 2.57 જ લાગૂ કરાય તો જેમનો પગાર અઢી લાખ રૂપિયા હશે તેમને વધીને 6.4 લાખ રૂપિયા (250000*2.57) થઈ જશે. આ ઉપરાંત સરકાર તરફથી નિર્ધારિત ગ્રેચ્યુઈટીની મહત્તમ લિમિટ 30 લાખ રૂપિયાથી આગળ ન વધારવામાં આવે તો તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય.   

પેન્શનર્સને પણ ફાયદો

5/10
image

સાતમાં પગાર પંચ લાગૂ થતા કેન્દ્રીય કર્મચારીઓનું પેન્શન લગભગ 23.66 ટકા સુધી વધ્યુ હતું. તે પહેલા છઠ્ઠા પગાર પંચ હેઠળ પેન્શનમાં 14 ટકાનો વધારો થયો હતો. આ ફોર્મ્યૂલા હેઠળ આઠમાં પગાર પંચમાં પે્શન લગભગ 34 ટકા વધવાની અપેક્ષા છે. દાખલા તરીકે જો કોઈ રિટાયર્ડ અધિકારીનો બેઝિક પગાર 80000 રૂપિયા હોય તો તેને 40000 રૂપિયા પેન્શન મળે છે. હવે જો તેમાં 34 ટકાનો વધારો થાય તો તે વધીને (40000+27200)=67200 રૂપિયા થઈ જશે.   

ગ્રેચ્યુઈટી કેટલી વધશે?

6/10
image

કેન્દ્રીય કર્મચારીઓનો જ્યારે પગાર વધે તો તેની અસર ગ્રેચ્યુઈટીથી લઈને પેન્શન સુધી ચારેબાજુ જોવા મળે છે. હાલ 18000 રૂપિયાના બેઝિક પગારવાળા કર્મચારીની 30 વર્ષની નોકરી દરમિયાન ગ્રેચ્યુઈટી લગભગ 4.89 લાખ રૂપિયા થાય છે. પરંતુ હવે ફેટમેન્ટ ફેક્ટર 2.57 ના પ્રમાણે તેની ગણતરી કરીએ તો તે 4.89*2.57=12.56 લાખ રૂપિયા થઈ જશે. હકીકતમાં ગ્રેચ્યુઈટીની ગણતરી તમારા અંતિમ મહિનાના બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થાના આધારે કરાય છે. 

બદલાઈ શકે ફિટમેન્ટ ફેક્ટર?

7/10
image

કેન્દ્રીય કર્મચારીઓના સંગઠન સતત કર્મચારીઓ ફિટમેન્ટ ફેક્ટર 3.68  કરવાની માંગણી કરી રહ્યા છે. આ માંગણી જાન્યુઆરી 2016માં સાતમાં પગાર પંચને લાગૂ કરતી વખતે પણ કરાઈ હતી. પરંતુ કેન્દ્ર સરકારે તે વખતે ફિટમેન્ટ ફેક્ટર 2.57 પર નક્કી કર્યું હતું. જેના કારણે છઠ્ઠા પગાર પંચમાં 7,000 રૂપિયાનો બેઝિક પગાર વધીને સાતમાં પગાર પંચમાં 18,000 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ સાથે જ ન્યૂનતમ પેન્શન પણ 3500 રૂપિયાથી વધીને 9000 રૂપિયા થઈ ગયું હતું. જો કે તે સમયે મહત્તમ પગાર મર્યાદા 2,50,000 રૂપિયા અને મહત્તમ પેન્શન 1,25,000 રૂપિયા નક્કી કરાયેલુ છે. જો આ વખતે કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટર એટલે કે 3.68 લાગૂ થાય તો બેઝિક પગાર 44.44 ટકા સુધી વધી શકે છે. 

શું કહે છે એક્સપર્ટ્સ

8/10
image

Economic Times ના રિપોર્ટમાં એક્સપર્ટ્સના હવાલે એ પણ જણાવવામાં આવ્યું છે કે મોંઘવારી દરને ધ્યાનમાં રાખતા આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 2.5થી 2.8 ગણા વચ્ચે જ રહી શકે છે. તેનાથી કર્મચારીઓના પગારમાં લગભગ 40,000 રૂપિયાથી 45,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે. 

શું 186% વધી શકે પગાર?

9/10
image

ET ના રિપોર્ટમાં એક અન્ય એક્સપર્ટના હવાલે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આઠમાં પગાર પંચમાં ન્યૂનતમ બેઝિક પગારમાં 186% સુધીનો અભૂતપૂર્વ વધારો જોવા મળી શકે છે. તેમણે ન્યૂનતમ બેઝિક પગાર 18000 રૂપિયાથી ત્રણ ગણો વધીને 51,480 રૂપિયા માસિક તથા પેન્શન હાલનું 9000 રૂપિયાથી વધીને 25,740 રૂપિયા સુધીનું થવાનું અનુમાન પણ વ્યક્ત કર્યું છે. આ અનુમાન ફિટમેન્ટ ફેક્ટર 2.86 પર આધારિત છે. તેમણે કહ્યું કે આ ફેરફાર સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (રિવાઈઝ્ડ પે) રૂલ્સ, 2025 (Central Civil Services Revised Pay Rules, 2025) દ્વારા લાગૂ થશે. જેનાથી કર્મચારીઓને પેન્શન અને અન્ય રિટાયરમેન્ટ લાભ પણ જોરદાર થવાના ચાન્સ છે. 

આટલો મોટો ફેરફાર કેમ થઈ શકે?

10/10
image

વાત જાણે એમ છે કે કેન્દ્ર કરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના ડીએમાં હાલમાં જ વધારો કર્યો છે. જે 1 જુલાઈ 2024થી લાગૂ કરાયો. આ વધારા સાથે જ ડીએ મૂળ પગારના 53% થઈ ગયું. કેન્દ્ર સરકારે સાતમાં પગાર પંચને લાગૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે જ્યારે ડીએ મૂળ પગારના 50%થી વધુ થઈ જશે તો તેને મૂળ પગાર એટલે કે બેઝિક સેલેરીમાં જ મર્જ કરી દેવામાં આવશે અને ડીએ અલગથી જાહેર કરવામાં આવશે. જો કે હજુ સુધી સરકારે એ નથી કહ્યું કે આ જાહેરાતને લાગૂ કરાશે કે નહીં. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ગુરુવારે આ સવાલનો સ્પષ્ટ જવાબ આપ્યો નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ જાહેરાત લાગૂ થઈ શકે છે. આમ થાય તો કર્મચારીઓના ન્યૂનતમ પગારમાં આપોઆપ અનેક ગણો વધારો થઈ શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને અન્ય જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)