ગંદા હૈ પર ધંધા હૈ! અભિનેત્રીએ ઝગારા મારતી ફિલ્મી દુનિયાની પોલ ખોલી, થાય છે આવું બધુ
સુચિત્રા પિલ્લાઈ હિન્દી ફિલ્મોનું એક જાણીતું નામ છે. જેણે અનેક હિન્દી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી ઓળખ બનાવી છે. કરિયરની શરૂઆત ફ્રેન્ચ ફિલ્મ 'લે પ્રિક્સ ડી'થી કરી હતી. ત્યારબાદ વર્ષ 2001માં તેણે હિન્દી ફિલ્મોમાં ડગ માંડ્યા. ફિલ્મ બસ ઈતના સા ખ્વાબ હૈ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. પરંતુ આ મુકામ સુધી પહોંચવામાં ઘણો સંઘર્ષ પણ કરવો પડ્યો. જેમાં કાસ્ટિંગ કાઉચ જેવી સમસ્યા પણ સામેલ છે.
સુચિત્રા પિલ્લાઈ
હિપ હિપ હુર્રે, 24, પ્રધાનમંત્રી, ફેશન અને બેઈન્તેહા, જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સુચિત્રા પિલ્લાઈએ હાલમાં જ બહારથી ઝળહળતી દેખાતી ફિલ્મી દુનિયા અંગે અનેક મોટા ખુલાસા કર્યા. જે કોઈને પણ સ્તબ્ધ કરવા માટે પૂરતા છે. અભિનેત્રીએ જણાવ્યું કે એક તકના ચક્કરમાં અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચનો ભોગ બની જાય છે અને આવી જ ઘટના તેની સાથે પણ ઘટી ચૂકી છે. બોલિવૂડમાં કાસ્ટીંગ કાઉચ એક દૂષણ છે એમાંયે સાઉથમાં આનો પ્રભાવ વધારે છે.
કાસ્ટિંગ કાઉચ પર બોલી અભિનેત્રી
આ અગાઉ અનેક અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચ વિશે ખુલીને બોલી છે જેમણે જણાવ્યું હતું કે કેવી રીતે તેઓ આ પરેશાનીનો સામનો કરી ચૂકી છે. દરેક જાણે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી બહારથી જેટલી ઝગારા મારતી દેખાય છે તે અંદરથી એટલી જ પોકળ છે. ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા માટે મોટાભાગે અભિનેત્રીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમાં કાસ્ટિંગ કાઉચ સામાન્ય સમસ્યા બની ચૂકી છે.
જણાવ્યો અનુભવ
હાલમાં જ સુચિત્રાએ પણ આ અંગે વાત કરી અને પોતાની સાથે ઘટેલી કાસ્ટિંગ કાઉચની દર્દનાક કહાની શેર કરી. જેણે બધાને હચમચાવી દીધા. અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે તે કાસ્ટિંગ કાઉચનો ભોગ બનતા બનતા બચી. તેણે કહ્યું કે, ક્યારેક ક્યારેક તમને તકો ઘણી મળે છે, પરંતુ કેટલાક કાસ્ટિંગ કાઉચનો ભોગ બની જાય છે. દરેકે ક્યારેક તો આ દર્દ ઝેલવું પડતું હોય છે. જેનો હવે એ ખુલાસો કરી રહી છે.
કેવી રીતે બની ભોગ
સુચિત્રાએ જણાવ્યું કે કેટલાક વર્ષો પહેલા તેની પર એક ફોન આવ્યો હતો અને કોલ કરનારાએ પૂછ્યું કે શું તે સાઉથની ફિલ્મોમાં કામ કરવા માંગે છે? સુચિત્રાએ કહ્યું કે હા. ત્યારબાદ તે વ્યક્તિએ કહ્યું કે એક ફિલ્મ છે જેમાં અનેક મોટા કલાકારો કામ કરી રહ્યા છે અને ફિલ્મનું ડાયરેક્શન પણ એક મોટા ડાયરેક્ટર કરે છે. તેમને અભિનેતાની બહેનનો રોલ મળ્યો છે. સુચિત્રાએ જણાવ્યું કે આ વાતે તેને ખુશ કરી દીધી. પરંતુ ગણતરીની પળોમાં તેની આ ખુશીઓ હણાઈ ગઈ. આ ફિલ્મ તેને મળી જ નહોતી.
સમાધાન કરવું પડશે
વાત જાણે એમ છે કે ફોન પર વાત કરી રહેલા વ્યક્તિએ કહ્યું કે આ ફિલ્મમાં એક નવા નિર્માતા પોતાના પૈસા લગાવી રહ્યા છે તો સુચિત્રાના દિમાગમાં એ આવ્યું કે કદાચ આ લોકો ફી ઓછી આપશે, પરંતુ તે વ્યક્તિએ કહ્યું કે પ્રોડ્યુસર પહેલીવાર ફિલ્મ બનાવી રહ્યા છે, આથી તમારે થોડું સમાધાન કરવાની જરૂર છે. ત્યારબાદ અભિનેત્રીએ આમ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. તેણે કહ્યું કે તમને ખબર છે હું કોણ છું, મે ઘણી ફિલ્મો કરી છે અને હું એક અભિનેત્રી છું. હવે વર્ષો બાદ આ અભિનેત્રી ખૂલીને સામે આવી છે.
Trending Photos