Photos : પાણી માટે વલખા મારતા કચ્છની વધુ એક ભયાનક વાસ્તવિકતા, ભૂખથી તડપડી રહ્યા છે સેંકડો ઊંટ

સમગ્ર કચ્છમાં દુષ્કાળનો પંજો પ્રસરી રહ્યો છે, ત્યારે પશુપાલનનાં વ્યવસાય પણ તેનાથી ભારે પ્રભાવિત થયા છે. નખત્રાણા તાલુકાના અલગ અલગ ગામોની મુલાકાતમાં લોકોનો પાણીનો પોકાર સામે આવ્યો. હાલ તો કચ્છમાં ઊંટના માલધારીઓ વધારે પરેશાન છે. 

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :સમગ્ર કચ્છમાં દુષ્કાળનો પંજો પ્રસરી રહ્યો છે, ત્યારે પશુપાલનનાં વ્યવસાય પણ તેનાથી ભારે પ્રભાવિત થયા છે. નખત્રાણા તાલુકાના અલગ અલગ ગામોની મુલાકાતમાં લોકોનો પાણીનો પોકાર સામે આવ્યો. હાલ તો કચ્છમાં ઊંટના માલધારીઓ વધારે પરેશાન છે. 

1/5
image

પાણી વગર જન્મજાત શાકાહારી ગણાતા ઊંટ ઘાસ ન મળતાં ગમે તે ચાવવા મજબૂર બની ગયા છે. ટેન્કરો હવાડા ભરે છે અને પશુઓ જ્યાંથી પાણી પીવે છે ત્યાંથી જ પીવાનું પાણી ભરવા માનવીઓ લાચાર છે. કૂવાઓમાં કાદવવાળું કદડા જેવું પાણી છે. મહિલાઓ એક ઉપર એક ઘડા મૂકીને પાણી ભરીને પાંચ-પાંચ કિમી દૂર આવેલા ઘરો સુધી જતી જોવા મળે છે. કચ્છ અત્યારે 30 વર્ષના સૌથી ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. થોડા વર્ષો પહેલાં સરકારનું ટુરીઝમ વિભાગ જાહેરાત કરતું હતું ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.’ આ દુષ્કાળગ્રસ્ત કચ્છને જોઈને હવે સ્થાનિકો દાઢમાં કહે છે, ‘યે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા!’ ગત ચોમાસામાં કચ્છના હિસ્સે માત્ર 12 મીલીમીટર વરસાદ થયો હતો. પાણીની અછતના લીધે સેંકડો પશુઓના મોત થઈ ચૂક્યાં છે. હજારો લોકોએ હિજરત કરી છે. 

2/5
image

ઊંટ સંવર્ધક સંગઠનના મહેન્દ્ર ભાનાણી ઉંટ વિશે માહિતી આપતા જણાવ્યું કે, કચ્છમાં બે જાતના ઊંટ થાય છે એક ખારાઈ અને એક કચ્છી ઊંટ. ખારાઈ ઊંટ દરિયામાં જઈને ચેરિયા ખાય છે અને કચ્છી ઊંટ અન્ય વનસ્પતિ ઘાસ ખાય છે. ઘાસ-ચારો નહીં મળતાં ઊંટમાં  કેલ્શિયમની કમી થાય છે. ઊંટ જન્મજાત શાકાહારી હોય છે. જ્યારે દુષ્કાળની પરિસ્થિતિમાં ઘાસચારો અથવા પાંદડાની તંગી હોય ત્યારે, તેમના શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું સ્તર ઝડપથી ઘટે છે. ઘણીવાર તીવ્ર ભૂખના લીધે તથા કેલ્શિયમ-ફોસ્ફરસની ઉણપના લીધે મોઢામાં ચર આવે તો ઊંટ ગમે તે ચાવવા પણ લાગે એવું બની શકે છે. માલધારીઓને આ રણના વહાણ માટે માનવ વસ્તી કરતા ઊંટને પાણી વધુ જોઈએ, ત્યારે કચ્છમાં હાલના દુષ્કાળના સંજોગોને લીધે માલધારી હેરાન થાય છે. ઘાસ નથી મળતું અને પાણી પણ પૂરતું નથી મળતું.

3/5
image

જંગલમાં સરગુઆ ગામના માલધારીઓએ ઊંટ માટે સરકારે કંઈક કરવું જોઈએ તેવી વાત કહી છે. સરગુઆ ગામના રાજા હીરા રબારી કહે છે કે, ઊંટ માટે ખાવાનું નથી મળતું, પાણી નથી મળતું આખો દિવસની રઝળપાટ પછી કંઈ નથી મળતું. વગડાનાં જીવનમાં કોઈ સરકારી સહાય નથી મળતી. માનવને ખાવા પીવાનું નાં મળે તો જે તકલીફ થાય તે આ જાનવરમાં થઇ શકે છે. તેમને ૩ વખતની જગ્યાએ એક વખત પાણી પીવા મળે છે. 

4/5
image

તો માલધારીમાંથી હવે ડ્રાઈવરનો વ્યવસાય સ્વીકારનાર સોમાભાઈ રબારીએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, કચ્છમાં મોટી કંપનીઓ આવવાથી સમુદ્રની વનસ્પતિના ચેરિયા હતા, તે લુપ્ત થઇ ગયા છે,0 પરિણામે ખારાઈ ઊંટ માટે ચરિયાણ ખત્મ થઇ ગયું અને કચ્છી ઊંટ માટે પવન ચક્કી આવવાથી મીઠી ઝાડીનો સોથ વળી ગયો છે. હાલ કચ્છમાં ચરિયાણની બહુ જ અછત છે. અમે રસ્તા પર આવી ગયા છીએ. માલધારીમાંથી હવે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય સ્વીકારી લીધો ચટેય કંપનીઓમાં પણ કચ્છના લોકોને રોજગારી મળતી નથી. 

5/5
image

ઉલ્લેખનીય છે કે, રાજ્યના 50થી વધુ તાલુકા દુષ્કાળની ઝપેટમાં છે. પાણી પુરવઠા વિભાગના જણાવ્યા પ્રમાણે, કચ્છના 20 ડેમમાં ફક્ત ૩ ડેમમાં 13.32 ટકા પાણી છે. ત્યારે ઊંટ ઉછેર માલધારીઓ પણ દુષ્કાળમાં મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.