અનોખી પણ, રમતિયાળ પરંપરા, દમણમાં થાય છે ઢીંગલા-ઢીંગલીના લગ્ન, જાન પણ નીકળે છે

નિલેશ જોશી/વાપી :લગ્ન તો તમે ઘણા જોયા હશે અને કેટલાક અનોખા લગ્ન પણ જોયા હશે. તમે બાળપણમાં ઢીંગલા-ઢીંગલીની રમત પણ રમ્યા હશો, અને તેમના લગ્ન પણ કરાવ્યા હશે, પરંતુ સંઘપ્રદેશ દમણના એક લગ્ન જોઈને તમે ગોથુ ખાઈ જશો. અહીંનો માછી સમાજ વર્ષો જૂની પરંપરાથી ઢીંગલા ઢીંગલીના અનોખી રીતે લગ્ન કરાવે છે. આ લગ્નની પરંપરા લાંબા સમયથી ચાલી રહી છે, જેને દેવ લગ્ન પણ કહેવામાં આવે છે. 

1/6
image

દમણના માછી સમાજ દ્વારા 18 જેટલી શેરીઓમાં અનેક ઘરોમાં ઢીંગલા ઢીંગલીના લગ્નની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માછી સમાજની મહિલાઓ અને બાળકોએ દેવ લગ્નની ઉજવણી કરી. તેની તૈયારી બે દિવસ પહેલા શરૂ થઈ જાય છે. ઢીંગલા ઢીંગલીઓ માટે નવા વસ્ત્રો અને તેમનો શણગાર કરવામાં આવે છે. બંને પરિવારોમાં સાચા લગ્ન જેવો માહોલ થાય છે. ઘરમાં ઢિંગલીના લગ્નમાં વાસ્તવિક લગ્નની જેમ હાજરી હોય છે. પરંપરાગત લોક ગીતો ગવાય છે. લગ્ન સમયે ઢીંગલાનો વરઘોડો કાઢવામાં આવે છે. ડીજે સાઉન્ડના તાલે નાચતા ગાતા જાન ઢીંગલીના ઘરે પહોંચે છે. તેમના લગ્ન પંડિત દ્વારા હિન્દુ રીતરિવાજ મુજબ કરાવાય છે.   

2/6
image

માછી સમાજની આ પ્રથા પાછળ ઘણી માન્યતાઓ છે. એક માન્યતા એવી છે કે ચોમાસા દરમિયાન રોગચાળો ફાટી ન નીકળે અને લોકો સ્વસ્થ રહે તેના માટે માછી સમાજના લોકો પોતાના જૂના કપડાઓ ભેગા કરી ઢીંગલા ઢીંગલીનું સ્વરૂપ આપે છે. ત્યાર બાદ એકાદશીના દિવસે ઢીંગલા ઢીંગલીના વિધિવત લગ્ન કરવામાં આવે છે. 

3/6
image

તો અન્ય માન્યતા એવી પણ છે કે, કુરુક્ષેત્રના યુદ્ધ વખતે મોટી સંખ્યામાં સૈનિકો શહીદ થયા હતા. ત્યારે દ્રોપદીએ લોકોમાં મોટો રોગચાળો ન ફેલાય તે માટે લોકોના લોહીથી લથપથ કપડા ભેગા કરી ઢીંગલા ઢીંગલી બનાવ્યા હતા. તેમના વિધિસર લગ્ન કરાવ્યા અને લોકોને બીમારીથી બચાવવા ઢીંગલા ઢીંગલીને ભગવાનનું સ્વરૂપ આપ્યુ હતું. માછી સમાજ પણ ક્ષત્રિય છે. જેથી આ સમાજ પણ લોકોના કલ્યાણ માટે આ રીતે પરંપરા જાળવી રાખે છે. 

4/6
image

સ્થાનિક માણેકબેન ટંડેલ જણાવે છે કે, સંઘપ્રદેશ દમણમાં હાલમાં માછીમારોનું વેકેશન ચાલે છે અને તેમના સમાજમાં અષાઢ મહિનાની એકાદશીના દિવસે ઢીંગલા ઢીંગલીના લગ્ન કરાવાદ છે. તેના બાદ માછી સમાજમાં લગ્ન થતા નથી. ત્યારબાદ દેવઉઠી અગિયારસના દિવસે ફરીથી તેમના લગ્ન થાય છે. 

5/6
image

તો માછી સમાજના પ્રીતિબેન કહે છએ કે, અમારા સમાજમાં આ લગ્ન પાછળ એક માન્યતા એ પણ છે કે માછીમારો જ્યારે દરિયો ખેડવા જાય છે ત્યારે તેમની રક્ષા માટે માછીમારોની મહિલાઓ પોતાના ફળિયામાંથી કપડાં ભેગા કરી તેમાંથી ઢીંગલા ઢીંગલીનું સ્વરૂપ બનાવે છે. ત્યાર બાદ તેમના લગ્ન કરાવે છે. અષાઢ મહિનાની એકાદશીના દિવસે લગ્ન વિધિ કર્યા બાદ 15 દિવસ પછી દિવાસાના દિવસે આ ઢીંગલા ઢીંગલીનું દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. દિવાસાના દિવસે જે મોટી ભરતી હોય તે દિવસે ઢીંગલા ઢીંગલીનું વિસર્જન કરવા પાછળ એવી પણ માન્યતા છે કે માછીમારી કરતાં ભાઈઓની રક્ષા દરિયામાં આ ઢીંગલા ઢીંગલી કરશે અને માછીમારોનું આખું વર્ષ સારું જાય. મહિલાઓ ભગવાન સ્વરૂપે ઢીંગલા ઢીંગલીના લગ્ન કરાવીને પતિના સુખાકારીની પ્રાર્થના કરે છે. આ પરંપરા વર્ષો જૂની છે, જે આજની પેઢીને પણ એની સમજ આપે છે.

6/6
image

સંઘપ્રદેશ દમણમાં વર્ષો જૂની પરંપરાથી ઢીંગલા ઢીંગલીના લગ્ન આજની તારીખમાં પણ કરવામાં આવે છે. તેની પાછળ ભલે માન્યતાઓ હોય, પરંતુ લોકો માટે તે એક ઉત્સવ છે. જેમાં નાના બાળકોથી લઈને મોટેરાઓ પણ જોડાય છે.