બસ 2 સેન્ટીમીટરનું અંતર, નહિ તો ગયો હોત ટ્રમ્પનો જીવ, કાનની આરપાર નીકળી ગોળી, હુમલાની રુંવાડા ઉભા કરી દેતી તસવીરો
Attack On Donald Trump : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર થયો હુમલો..બટલરમાં રેલી દરમિયાન ટ્રમ્પ પર ગોળીબાર કરાયો... એક હુમલાખોરને ઠાર મરાયો, તો બીજાની હાલત ગંભીર છે, ઘટનાની તસવીરો સામે આવી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રંપની રેલી પર ગોળીબારની ઘટનાથી હડકંપ મચી ગયો છે. ગોળીબારમાં ડોનાલ્ડ ટ્રંપ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હુમલા બાદ ટ્રંપનો ચહેરો લોહી લોહીવાળો થઈ ગયો હતો. ટ્રમ્પ પેન્સિલવેનિયામાં રેલી કરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. રેલીમાં તેમના પર એક બાદ એક ધડાધડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. જોકે, હુમલાખોરોમાં સામેલ એકનું મૃત્યુ થયું છે અને એક ગંભીર હાલતમાં છે. અમેરિકન પોલીસ દ્વારા એક શૂટરને ઘટના સ્થળે જ ઠાર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, પેન્સિલ્વેનિયાના બટલરમાં એક રેલી દરમિયાન ટ્રંપને ગોળી વાગી છે... જ્યારે તે બટલરમાં સ્ટેજ પર બોલી રહ્યા હતા ત્યારે જોરદાર ધડાકો સંભળાયો. ટ્રંપે તેના જમણા કાન પર હાથ મૂક્યો અને નીચે ઝૂકી ગયા. સિક્રેટ સર્વિસના એજન્ટ ટ્રંપને કવર કરવા માટે તરત જ પહોંચ્યા. જ્યારે એજન્ટોએ ટ્રંપને સંભાળ્યા અને તેમને ઊભા કરવામાં મદદ કરી, ત્યારે ટ્રંપના ચહેરા અને કાન પર લોહી દેખાતું હતું. આ દરમિયાન ટ્રંપે મુઠ્ઠી પકડીને હવામાં લહેરાવી હતી. આ પછી, સિક્રેટ એજન્ટો ટ્રંપને સ્ટેજ પરથી ઉતારી, કારમાં બેસાડી ત્યાંથી લઈ ગયા. સૂત્રોના જણાવ્યા અનુસાર એફબીઆઈ, સિક્રેટ સર્વિસ અને એટીએફ આ કેસની તપાસ કરી રહી છે.
સિક્રેટ સર્વિસની પ્રતિક્રીયા
આ ઘટનાને હત્યાના પ્રયાસ તરીકે તપાસવામાં આવી રહી છે. અમેરિકાની સિક્રેટ સર્વિસે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રંપ સુરક્ષિત છે અને તેમની આસપાસ સુરક્ષાના પગલા લેવામાં આવ્યા છે. બટલર કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્ની રિચાર્ડ એ. ગોલ્ડિંગરે પુષ્ટિ કરી છે કે શૂટર માર્યો ગયો છે. આ સાથે રેલીમાં હાજર એક વ્યક્તિનું પણ મોત થયું છે.
બાઈડને ઘટના બાદ પ્રેસ સંબોધન કર્યું
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આ ઘટના અંગે પ્રેસ બ્રીફિંગ કર્યું હતું. તેમણે કહ્યું કે અમેરિકામાં આ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી. આપણે એક દેશ તરીકે એક થવું જોઈએ અને તેની નિંદા કરવી જોઈએ. જો કે, અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નજીક છે ત્યારે રાષ્ટ્રપતિ પદના મુખ્ય ઉમેદવારમાંથી એક ટ્રંપ પર હુમલો થતા માહોલ ગરમાયો છે.
બરાક ઓબામાની પ્રતિક્રીયા
પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ હુમલાની નિંદા કરી હતી. તેણે X પરની પોતાની પોસ્ટમાં કહ્યું, 'આપણી લોકશાહીમાં રાજકીય હિંસા માટે બિલકુલ સ્થાન નથી. જો કે આપણે હજી સુધી બરાબર જાણતા નથી કે શું થયું છે, આપણે બધાએ રાહત અનુભવવી જોઈએ કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગંભીર રીતે ઘાયલ થયા ન હતા, અને આ ક્ષણનો ઉપયોગ આપણા રાજકારણમાં નાગરિકતા અને આદર માટે ફરીથી દાવો કરવા માટે કરવો જોઈએ. મિશેલ અને હું તેને ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવું છું.
Trending Photos