Cyclone Nivar કાંઠે ટકરાય તે પહેલા Chennai માં ભારે આફત, જુઓ PHOTOS
કહેવાય છે કે તોફાન આજે મધરાતે તામિલનાડુ અને પુડુચેરીમાં કાંઠે ટકરાઈ શકે છે. આ દરમિયાન 100થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે.
બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાતી તોફાન નિવારની અસર હવે દેખાવવા લાગી છે. આ કારણે ચેન્નાઈના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. કહેવાય છે કે તોફાન આજે મધરાતે તામિલનાડુ અને પુડુચેરીમાં કાંઠે ટકરાઈ શકે છે. આ દરમિયાન 100થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. (તસવીરો-સાભાર ANI)
ચેન્નાઈમાં ભારે વરસાદ
નિવાર તોફાનના કારણે ચેન્નાઈના અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાયા છે. આ કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવી પડી રહ્યો છે.
ભારે પવન ફૂંકાવવાની આશંકા
હવામાન વિભાગે(IMD)એ જણાવ્યું કે તટ પાર કરતી વખતે અત્યંત પ્રચંડ ચક્રવાર્ત તોફાન સંબંધિત સરેરાશ પવનની ઝડપ 120-130 કિમી પ્રતિ કલાક અને વધુમાં વધુ પવનની ઝડપ 145 કિમી પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે.
મુસીબતને પહોંચી વળવા તૈયાર
NCMCએ આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને પુડુચેરીના મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી નિવારની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે NCMCને જણાવ્યું કે અધિકારી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયાર છે.
15 જિલ્લામાં તોફાનની અસર
NCMCના પ્રવક્તાએ જણાવ્યું કે NCMCને એ પણ સૂચિત કરાયું છે કે ત્રણ રાજ્યોના લગભગ 15 જિલ્લા ચક્રવાતની ઝપેટમાં આવે તેવી આશંકા છે અને સમુદ્ર કાંઠે રહેતા હજારો લોકોને આશ્રય ગૃહોમાં ખસેડાયા છે.
NDRFની 30 ટીમો તૈનાત
NDRFના પ્રમુખે કહ્યું કે અત્યાર સુધીમાં NDRFની 30 ટીમોને ત્રણ રાજ્યોમાં તૈનાત કરાઈ છે. જ્યારે તત્કાળ તૈનાતી માટે 20 વધુ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અત્રે જણાવવાનું કે NDRFની એક ટીમમાં 40 કર્મી હોય છે.
આજે મધરાતે ટકરાશે તોફાન
આઈએમડીએ જણાવ્યું કે ચક્રવાત નિવાર આજે મધરાતે કરાઈકલ અને મમલ્લાપુરમ વચ્ચે એક ખુબ ગંભીર ચક્રવાતી તોફાન તામિલનાડુ અને પુડુચેરીના તટ સાથે ટકરાઈ શકે છે. નિવાર આ વર્ષે બંગાળની ખાડીમાંથી આવેલું બીજું તોફાન છે. આ અગાઉ મે મહિનામાં અમ્ફાને (Amphan) બંગાળ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી હતી.
શું કરે અને શું નહીં
કેબિનેટ સચિવે કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને તોફાન દરમિયાન શું કરવું અને શું નહીં તે જાણકારી આપવા કહ્યું છે. તેમણે લોકોને શાંત રહેવા, અફવાઓ પર ધ્યાન ન આપવા, મોબાઈલ ફોન ચાર્જ રાખવા, રેડિયો સાંભળવા, ક્ષતિગ્રસ્ત ઈમારતોમાં ન પ્રવેશવા જણાવ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે જો તમારું હાલનું ઘર સુરક્ષિત ન હોય તો ઘરમાં વીજળીનું કનેક્શન બંધ કરી દો અને ઘર છોડીને સુરક્ષિત ઠેકાણે જતા રહો.
Trending Photos