ગુજરાતની આ વાવ દર ત્રણ વર્ષે એકનો ભોગ લે છે, જેના પાછળ છુપાઈ છે એક લોકવાયકા, Pics
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ વઢવાણ તાલુકો તેના હેરિટેજ માટે પ્રખ્યાત છે. વઢવાણમાં કોતરકામણી કરેલ એવી સુંદર માધા વાવ આવેલી છે. આ વાવ કલાનો જીવંત નમૂનો છે. પણ આ વાવની પાછળ એક એવી વાર્તા છુપાયેલી છે, જેને આજે પણ સ્થાનિકો માને છે. લોકવાયકા છે કે, આ માધા વાવ દર ત્રણ વર્ષે એક વ્યક્તિનો ભોગ લે છે. જે પાછળ એક ઈતિહાસ છે.
આ વાવની આજુબાજુ સુંદર હવેલીઓ આવેલી છે, જેમાંથી કેટલાકમાં તો આજે પણ લોકો રહે છે. 1977માં વણઝારી વાવ નામની ગુજરાતી ફિલ્મ આવી હતી. આ ફિલ્મ માધા વાવની લોકકથા પર આધારિત હતી. આ વાવનું બાંધકામ વાઘેલા વંશના રાજા કરણદેવ દ્વિતીયના સમયમાં સને 1294ના તેમના મંત્રીપદે રહેલા નાગર બ્રાહ્મણે તેમના પિતા માધવરામની સ્મૃતિમાં કરાવ્યુ હતું. આ વાવ તૈયાર થયાના 12 વર્ષ વીતી ગયા હતા, તેમ છતાં તેમાંથી પાણીનું એક ટીપું ય નીકળતું ન હતું. આ વાવ જળવિહીન રહેતા ગામના લોકોએ અનેક ઉપાયો કરી જોયા, પણ પાણી ન તો ન જ નીકળ્યું.
છેવટે રાજાએ ગામના રાજપુરોહિતને બોલાવીને આ સમસ્યાનું સમાધાન પૂછ્યું. તેમણએ કહ્યું કે આ વાવને કોઈ દેવી પ્રકોપ નડી રહ્યું છે. જો કોઈ બત્રીસ લક્ષણ ધરાવતું ગામનું કપલ આ વાવમા બલિદાન આપે તો વાવમા નીર આવી શકે છે. એ જમાનામાં રાજપુરોહિત કરે તો પુણ્ય વચન કહેવાતું. જીવિત દંપતી અને તે પણ બત્રીસ લક્ષણ ધરાવતું, ક્યાંથી લાવવાનું. આવામાં ગામમાંથી બલિદાન આપશે કોણ, આવામાં વાવને જીવંત કરવા માટે ખુદ રાજા પણ તૈયાર થયા. પોતાને નાનુ બાળક હોવા છતાં રાજકુંવર અભેસિંહ અને તેમની રાણીએ બલિદાન આપવા તત્પરતા બતાવી.
બંનેએ સોળ શણગાર કર્યા. વાજતેગાજતે નવદંપતી વાવમાં ઉતર્યું. એક પછી એક પગથિયા ઉતર્યા. ત્યાં તો સાતમુ પગથિયુ આવતા ચમત્કાર થયો. અવાવરું વાવ પાણીથી જીવંત થઈ. આમ, રાજપરિવારના આ બલિદાને ગ્રામજનોને નવુ જીવન બક્ષ્યું. આ વાર્તા લોકપ્રિય સ્થાનિક લોકગીતમાં પણ વર્ણવવામાં આવી છે. લોકવાયકા છે કે, આ ગોઝારી વાવ આજે પણ દર ત્રીજા વર્ષે એકનું ભક્ષણ કરે છે.
આ વાવ ગુજરાત પ્રવાસનનો બેનમૂન નમૂનો છે. અહીં વર્ષે અનેક પ્રવાસીઓ આવે છે. તેમજ ફોટોગ્રાફી માટે પણ અહીં અનેક લોકો આવે છે. ખાસ કરીને પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે આ વાવ ફેમસ છે.
Trending Photos