ગુજરાતની આ ગાય અને ભેંસ જે ઘરમાં હોય ત્યાં દૂધની નદીઓ વહે છે, આપે છે સૌથી વધુ દૂધ
Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ભુજ તાલુકાના સરહદી વિસ્તારના બન્ની ખાતે દ્વિદિવસીય પશુમેળાનું ભુજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. કચ્છના રણ પ્રદેશમાં ઘાસિયા પ્રદેશ તરીકે ઓળખાતા બન્ની વિસ્તારમાં દર વર્ષે સંસ્થા તથા સરકારના સંયુકત ઉપક્રમે પશુમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ મેળાનું આકર્ષણ ખૂબ હોય છે. જેમાં રાજ્યના જુદા જુદા વિસ્તાર તેમજ દેશમાંથી પણ લોકો પશુઓ જોવા માટે તેમજ બન્ની નસલની ભેંસો તેમજ કાંકરેજ ગાયોનું ખરીદ વેચાણ કરવામાં આવતું હોય છે.
જુદા જુદા ગામના પશુઓ હરીફાઈમાં ભાગ લેવા આવ્યા
એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન બન્ની ગ્રાસ લેન્ડના હોડકો ગામ ખાતે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા દર વર્ષે પશુ પ્રદર્શન અને જુદી જુદી હરીફાઈઓનું આયોજન કરવામાં આવતું હોય છે. આ પશુ મેળામાં બન્ની વિસ્તારના 40થી પણ વધુ ગામોના માલધારીઓ પોતાની બન્ની નસ્લની ભેંસો તેમજ કાંકરેજ ગાયોને અહીં યોજાતી વિવિધ હરીફાઈમાં ભાગ લેવા માટે તેમજ ખરીદ વેંચાણ અર્થે લઈ આવ્યા હતા.
16મો બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા આયોજિત પશુમેળો
પશુ મેળા દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, પશુઓના આરોગ્ય માટે પશુઓના સારા ઉછેર માટે તથા સરકારી યોજનાઓનું અમલીકરણ માલધારીઓ સુધી થાય તે માટે તેમજ માલધારીઓને સરકારના લાભ મળે તેવા વિષયો સાથે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા 2008થી કામ કરવામાં આવી રહ્યું છે.
બન્નીની ભેંસને નેશનલ બફેલો તરીકે માન્યતા
કચ્છ જિલ્લામાં પશુઓની સંખ્યા મનુષ્યોની સંખ્યા કરતાં વધારે છે.બન્ની વિસ્તારનું પશુધન લાખેણું પશુધન છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પણ જે તે સમયે તત્કાલીન મુખ્યપ્રધાન હતા ત્યારે પણ આ મેળાનું આયોજન કરવામાં આવતું હતું. આ વિસ્તારના માલધારીઓની અપેક્ષા મુજબ બન્નીની ભેંસને નેશનલ બફેલો તરીકે માન્યતા આપવામાં આવી હતી અને ત્યારથી કચ્છના બન્ની વિસ્તારની ભેંસની કિંમત ખૂબ વધી ગઈ છે અને આજે આ ભેંસો 1 લાખથી લઈને 10 લાખની કિંમત સુધી વેંચાય છે
માલધારીઓને મળે છે પ્રોત્સાહન
બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના સભ્ય અમીર અલી મુત્વાએ જણાવ્યું હતું કે,ખાસ કરીને કાંકરેજ ગાય અને બન્ની નસ્લની ભેંસની અલગ અલગ હરીફાઈઓ હોય છે. કાંકરેજ ગાયો અને ભેંસની દૂધ દોહન હરીફાઈ હોય છે. તો તંદુરસ્તીની પણ હરીફાઈ હોય છે. આ મેળા થકી માલધારીઓમાં જાગૃતિ પણ આવે છે અને પ્રોત્સાહન પણ મળે છે. બન્ની નસ્લની ભેંસને માન્યતા મળ્યા પછી ઘણો બધો ફાયદો જોવા મળી રહ્યો છે અને ભેંસની કિંમત પણ વધી છે.
પશુઓની ખરીદ વેચાણ બજાર
પશુ સંવર્ધનને ટકાવવા તથા પશુ બજાર વ્યવસ્થા માટે સ્થાનિક સ્તરે રાજ્ય અને દેશસ્તરે વિશષ્ટિ વ્યવસ્થા ઊભી કરવા માટે અસ્તિત્વમાં આવેલ બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા દર વર્ષે યોજાતા આ પશુ મેળામાં માત્ર કચ્છ જ નહીં પરંતુ ગુજરાતના અન્ય પ્રાંતમાંથી પણ વેપારીઓ અને માલધારીઓ ભેંસ, કાંકરેજ ગાય, આખા, બળદ, સિંધી ઘોડા, વગેરે પશુઓની લે-વેચ માટે આવે છે.
હરિફાઇના વિજેતાઓને રૂપિયા 5000થી રૂપિયા 15,000નું ઈનામ
બન્નીના હોડકો ખાતેના આ દ્વિદિવસીય પશુમેળામાં ભેંસ તંદુરસ્તી, ભેંસ દૂધદોહન, પાડા તંદુરસ્તી, ગાય તંદુરસ્તી, આખા તંદુરસ્તીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરેક હરિફાઇના વિજેતાઓને રૂપિયા 5000થી રૂપિયા 15,000 સુધીના ઇનામો આપવામાં આવશે
અમદાવાદથી બન્ની નસલની ભેંસ ખરીદવા આવ્યા માલધારી
પશુ મેળામાં અમદાવાદથી આવેલા પશુપાલક મેરુ ભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, બન્નીની ભેંસ અને કાંકરેજ ગાય જોવા અને ખરીદવા અહીઁ આવ્યા છીએ અહીં વિવિઘ ભેંસો ગાયો અને પાડાઓ જોયા છે.બન્નીની ભેંસ દુધાળી હોય છે અને વાછરડું આપ્યા બાદ તે 9 મહિના સુધી 10થી 20 લીટર સુધીનું દૂધ આપે છે. અમારી પાસે 25 ભેંસો અને 10 ગાયો પણ છે. આજે સારા ભાવે કાંકરેજ ગાય અને બન્ની ભેંસની સારી નસ્લ અને સારા ભાવ મળશે તો ખરીદી કરીશું.ભેંસના ભાવ 1 લાખથી 10 લાખ સુધી હોય છે.
બન્ની વિસ્તારની ભેંસો દેખાવમાં પણ ખૂબ સારી અને તંદુરસ્ત
હાસમ સાલેપુત્રાએ જણાવ્યું હતું કે, પશુમેળાનું અહીઁ ખૂબ જ સારું આયોજન કરવામાં આવે છે. બન્નીની ભેંસની ખાસિયતની વાત કરવામાં આવે તો આ ભેંસોની દૂધ ઉત્પાદન ક્ષમતા સારી હોતા 15 લીટર જેટલું દૂધ આપે છે. બન્ની વિસ્તારની ભેંસો દેખાવમાં પણ ખૂબ સારી અને તંદુરસ્ત પણ હોય છે. તો બન્ની નસલની ભેંસો 10 લાખ સુધીમાં વેંચાય છે. કચ્છના બન્ની વિસ્તારની ભેંસની વેંચાણ માટે અહીં આવ્યા છે અને બન્નીની ભેંસ ઓરીજનલ ભેંસ છે, જે સમાન્ય રીતે 8થી 15 લીટર દૂધ આપતી જ હોય છે, તો કોઈ ભેંસ બંને સમયે 12 લીટર દૂધ આપે છે તેવું જણાવ્યું હતું. બન્નીની આ ભેંસ ઘણા વર્ષોથી તેમની પાસે છે. બન્ની નસલની આ ભેંસ છે તે ગાભણી થયા પછી 8-9 મહિના દૂધ આપે છે.
Trending Photos