બાલાજી વેફર્સ યુપીમાં 100 એકર જગ્યામાં ફૂડ પાર્ક બનાવશે, એક સમયે સિનેમાની કેન્ટીનથી શરૂ કર્યો હતો બિઝનેસ
રાજકોટની શાન અને ભારતનું એક અગ્રણી ફૂડ ઉત્પાદક અને વિક્રેતા એટલે બાલાજી વેફર્સ. રાજકોટનું બાલાજી વેફર્સ 100 એકરની વિશાળ જગ્યામાં ફૂડ પાર્ક બનાવશે. ઉત્તર પ્રદેશ ખાતે આગામી સમયમાં 700 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે ફૂડ પાર્ક
રક્ષિત પંડ્યા/રાજકોટ :વેફર્સની દુનિયામાં આગવુ નામ ધરાવતી બાલાજી વેફર્સ (balaji wafers) પ્રાઇવેટ લિમિટેડ ગુજરાત બહાર પોતાનો બીજો પ્લાન્ટ સ્થાપવા જઇ રહી છે. વર્ષ 2016માં મધ્યપ્રદેશમાં તૈયાર કરેલ પ્લાન્ટ બાદ બાલાજી વેફર્સ હવે ગુજરાત બહાર ઉત્તરપ્રદેશમાં પોતાનો બીજો પ્લાન્ટ તૈયાર કરવા જઇ રહ્યું છે. બાલાજી વેફર્સના એમડી અને ચેરમેન ચંદુભાઇ વિરાણી (નૉchandubhai virani) એ આ વિશે જણાવ્યું કે, બાલાજી વેફર્સ દ્વારા વર્ષ 2016માં મધ્યપ્રદેશના ઇન્દોરમાં પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જે ગુજરાત બહારનો પ્રથમ પ્લાન્ટ હતો અને હવે બીજો પ્લાન્ટ ઉત્તરપ્રદેશ ખાતે કાનપુર-લખનઉ નજીક બનાવવા વિચાર ચાલી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં કંપની દ્વારા 100 એકરની વિશાળ જગ્યામાં અંદાજીત 600 થી 700 કરોડના ખર્ચે ફૂડ પાર્ક બનાવવા વિચાર ચાલી રહ્યો છે, જે માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી બાદમાં તેમની સૂચના અને માર્ગદર્શન બાદ ફૂડ પાર્ક શરૂ કરવામાં આવશે.
નોકરીની શોધમાં રાજકોટ આવ્યા હતા ચંદુભાઈ
સિનેમાઘરમાં કેન્ટીન ચલાવવાની શરૂઆત કરનાર વિરાણી બંધુ આજે ભારતની ખ્યાતનામ વેફર્સના એમડી બની ચૂક્યા છે. વર્ષ 1974માં ચંદુભાઇ વિરાણી અને તેમના ભાઇ નોકરીની શોધમાં રાજકોટ આવ્યા હતા અને એ સમય દરમિયાન એસ્ટ્રોન સિનેમાની કેન્ટીન ચલાવવાનું શરૂ કર્યું હતું. તેઓ પોતાના કામ પ્રત્યે પ્રથમથી જ વફાદાર અને નિશ્ચયી હતા.
સિનેમાઘરની કેન્ટીનમાં જાતે જ વેફર બનાવવાનું શરૂ કર્યું હતું અને એ સમયે વેફરની સાથે કેન્ટીનમાં સેન્ડવીચ વેચતા હતા. તેઓએ નજીકના કેટલાક રિટેલરોને વેફરનું વિતરણ કર્યું હતું. એ સમયે સ્કેલ નાનો હતો, પણ તેમના સપના ખૂબ મોટા હતા. સિનેમાઘર ખાતે રાખેલ કેન્ટીનને પણ "બાલાજી" નામ આપવામાં આવ્યું હતું.
1989માં પહેલો પ્લાન્ટ બનાવવા ચંદુભાઈએ લોન લીધી હતી
વર્ષ 1989 માં રાજકોટ ખાતે અર્ધ-સ્વચાલિત પ્લાન્ટ સ્થાપવા માટે તેઓએ લોન લીધી હતી અને પોતાનો બિઝનેસ ધીમે ધીમે આગળ વધાર્યો હતો. ત્યારબાદ વર્ષ 1995માં ખાનગી લિમિટેડ કંપની બનાવવામાં આવી અને સંપૂર્ણ રીતે ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો હતો. એ સમયે વેફર્સની સાથે સાથે અન્ય પ્રોડક્ટ બનાવવાની પણ શરૂઆત કરવામાં આવી હતી.
ઈન્દોરમાં ગુજરાત બહારનો પ્રથમ પ્લાન્ટ બનાવ્યો હતો
રાજકોટ બાદ વર્ષ 2008માં વલસાડ ખાતે એક નવો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો. તે સમયે એશિયામાં સૌથી મોટો એક પ્લાન્ટ માનવામાં આવતો હતો. અન્ય રાજ્યોની વધતી માંગને પહોંચી વળવા વર્ષ 2016 માં મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે ગુજરાત બહાર પ્રથમ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી.
800 ડિલર્સથી બાલાજીએ શક્તિશાળી નેટવર્ક ઉભું કર્યું
હાલમાં બાલાજી વેફર્સ દ્વારા 51 થી વધુ પ્રોડક્ટ બનાવવામાં આવી રહી છે. કંપનીના એમડી અને ચેરમેન ચંદુભાઇ વિરાણીનું માનવું છે કે, તેમના સાથે જોડાયેલા 800થી વધુ ડીલરો કારણે તેઓ શક્તિશાળી ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક થકી વિસ્તરતા શહેરોના દૂરના વિસ્તારોમાં છેવાડાના ગામ સુધી પહોંચી શક્યા છે.
Trending Photos