ગુજરાતની ગલીએ ગલીએ INDvPAK મુકાબલાનો ફીવર, રાહ જોવાઈ રહી છે ઐતિહાસિક મેચની...
દિવાળી પહેલાં શાનદાર જીતની ટીમ ઈન્ડિયા ક્રિકેટપ્રેમીઓને ભેટ આપશે તેવો યુવાનોમાં વિશ્વાસ છે. મેચ માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે. હવે માત્ર રાહ જોવાઈ રહી છે એ ઐતિહાસિક મેચની...
આશ્કા જાની/અમદાવાદ :ભારત પાકિસ્તાન મેચને લઈને ગુજરાતની ગલીએ ગલીએ તૈયારીઓ ચાલી રહી છે. T-20 વર્લ્ડકપ 2021 (T20 World Cup 2021) ના સૌથી મોટા મેચ માટે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર દુનિયાની નજર ભારત પાકિસ્તાનની મેચ પર છે. ત્યારે ભારત-પાકિસ્તાન (INDvPAK) વચ્ચેના રન યુદ્ધને જોવા માટે ક્રિકેટપ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંજે 7 વાગ્યાથી રનયુદ્ધ જામશે. જેને જોવા માટે ક્રિકેટપ્રેમીઓએ ખાસ તૈયારી કરી છે. ગુજરાતભરમાં મેચ જોવા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. યુવા ક્રિકેટપ્રેમીઓ આ મેચમાં ભારતની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. પાકિસ્તાન કરતા ભારની ટીમ વધુ મજબૂત હોવાનો યુવાનો કહી રહ્યા છે.
ગુજરાતની અનેક સોસાયટીઓમાં આજે સામુહિક મેચ જોવાનું અને જમવાનું આયોજન કરવામાં આવ્યું છે. ફટાકડા પણ ખરીદી લેવાયા છે. ગુજરાતીઓને વિશ્વાસ છે કે ઇન્ડિયા જ જીતશે. લાંબા સમય બાદ ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમવાની છે. લાંબા સમયથી લોકો આજના દિવસ માટે રાહ જોતા હતા અને તૈયારીઓ પણ કરતા હતા. આજે સામુહિક મેચ જોઈ ઇન્ડિયન ટીમની જીતની ઉજવણી કરવા માટે આગવું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં ભારત-પાકિસ્તાન મેચને પગલે ભારે ઉત્સાહ જોવા મળ્યો. રાજકોટમાં અનેક જગ્યાએ વિશાળ સ્ક્રીન પર મેચ જોવાનું પ્લાનિંગ કરાયુ છે. નગર બોર્ડિંગ ખાતે 300 ફૂટની વિશાળ લાઈવ સ્ક્રિનિંગનું આયોજન કરાયુ છે. લાઈવ સ્ક્રીન પર હજારો લોકો લાઈવ મેચ નિહાળશે. ભારતની જીત માટે હવનનું પણ આયોજન કરાયુ છે.
વડોદરામાં પણ ટી-ટ્વેન્ટી વિશ્વકપમાં ભારત-પાકિસ્તાનના ખરાખરીના જંગને પગલે લોકોમાં ભારે ઉત્સાહ છે. વડોદરાના છાણીમાં રહેતા પટેલ પરિવાર મેચને લઈ સવારથી જ ઉત્સાહિત છે અને આખો પરિવાર એકસાથે ઘરમાં બેસી મેચ જોવા તત્પર છે. પરિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, મેચ તો ભારત જ જીતશે.
અમદાવાદના એક જાણીતા સિનેમાગૃહમાં ભારત પાકિસ્તાન મેચ બતાવાનું આયોજન કરાયુ છે. સિનેમાગૃહની આઠ સ્ક્રીન પર લાઇવ મેચ પ્રસારિત કરવામાં આવશે. જોકે, આ આયોજનની જાહેરાત થતા જ તમામ ટિકિટ વેચાઈ ગઈ હતી. એક સાથે શહેરના 1000 જેટલા ક્રિકેટ રસિકોને સિનેમાગૃહની બીગ સ્ક્રીન પર મેચ નિહાળવા મળશે. રૂપિયા 399 થી 599 ના દરે સિનેમાગૃહની ટિકિટ વેચાઈ છે.
Trending Photos