ભારતની એ વાનગીઓ જેણે વિદેશીઓને બનાવ્યા દિવાના
ભારતીય વ્યંજન હંમેશા જ પોતાના મસાલા, સ્વાદ માટે જાણીતા છે. દેશના સીમાડાઓને પાર કરીને આ વાનગીઓ વિદેશ સુધી પહોંચી ચુકી છે. ભારતની અનેક એવી વાનગીઓ છે જેણે વિદેશીઓને પણ ઘેલુ લગાડ્યું છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ જેટલા વિવિધ ભારતના લોકો છે એટલું જ વિવિધ ભારતનું ભોજન છે. દિલ્લીની ચાટ અને છોલે તો ઈન્દૌરના સમોસા તો કોલકાતાની પાણીપુરી. સાથે ઢોસા, ઢોકળા અને પૌઆ તો ખરા જ. ગરમ ગાંઠિયા હોય કે રબડી-જલેબી. ભારતીય વ્યંજન હંમેશા જ પોતાના મસાલા, સ્વાદ માટે જાણીતા છે. દેશના સીમાડાઓને પાર કરીને આ વાનગીઓ વિદેશ સુધી પહોંચી ચુકી છે. ભારતની અનેક એવી વાનગીઓ છે જેણે વિદેશીઓને પણ ઘેલુ લગાડ્યું છે. આજે વાત કરીશું એવી જ કેટલીક વાનગીઓની જેણે વિશ્વમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે.
સમોસા
ચા હોય કે ચટણી, સવાર હોય કે સાંજ તમામ સમયનો સાથી છે સમોસું. મેશ કરેલા બટેટા અને ચટપટા બટાટા સાથે બનાવેલા સમોસા વિશ્વ ફલક પર પહોંચી ગયા છે. ડ્રાય સમોસા અને ગરમ બનાવેલા સમોસા બંનેને પસંદ કરવામાં આવે છે. સમોસા નમકીન અને મીઠા બંને રીતે બને છે. જ્યાં જ્યાં ભારતીયો હોય છે ત્યાં સમોસા હોય જ છે.
પાણીપુરી
પુચકા, પકોડી જેવા નામથી જાણીતું આ વ્યંજન તો સૌ કોઈનું ફેવરિટ છે. ગોળ પુરીમાં મસાલો, ડુંગળી, સેવ સાથે તીખી અને મિઠી ચટણી નાખીને પાણીપુરી બને છે. તેનો સ્વાદ એટલો લાજવાબ હોય છે કે નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય. ભારતનું આ વ્યંજન વિદેશના ફૂડ સ્ટોર્સમાં પણ જોવા મળે છે.
મલાઈ કોફ્તા
દૂધી કે કોબી જેવી કોઈ પણ શાકભાજીમાંથી બનાવવામાં આવતા કોફતા તમામ સ્વરૂપોમાં પસંદ કરવામાં આવે છે. તેને મધ્યમથી લઈને ખૂબ જ મસાલેદાર બનાવી શકાય છે. મૂળ રૂપથી એક પંજાબી ડિશ એવા કોફ્તાને દુનિયાભરમાં ખાસ ઓળખ મળી છે.
સાઉથ ઈન્ડિયન
સાઉથ ઈન્ડિયન ફૂડે આખી દુનિયામાં પોતાના સ્વાદથી ખાસ સ્થાન બનાવ્યું છે. વિદેશમાં અનેક જગ્યા પર તમને સાઉથ ઈન્ડિયન ફૂડ મળી જશે. નરમ ઈડલી, કડક ઢોસો ચટણી અને સાંભાર સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ખાસ કરીને થોડું હેલ્થી ખાવાનું પસંદ કરતા વિદેશી લોકોને સાઉથ ઈન્ડિયાન ખાસ પસંદ આવે છે.
છોલે
છોલે એક શાનદાર વાનગી છે. જેને ભટૂરે કે કુલચા સાથે ખાવામાં આવે છે. ચટપટી એવી આ ડીશ તમે વિદેશમાં જાઓ તો, કોઈપણ ભારતીય રેસ્ટોરન્ટમાં મળી જ જાય છે.
ચાટ
દેશના સૌથી જાણીતા સ્ટ્રીટ ફૂડમાંથી એક ચાટ ભારતના લોકોની તો પસંદ છે જ. પરંતુ વિદેશીઓને પણ આ ચટપટી વાનગી ખૂબ જ પસંદ આવી રહી છે. તળેલી પાપડી, દહીં, બટેટા, ચટપટા મસાલાનું મિશ્રણ વિશ્વભરમાં ખાસ કરીને બ્રિટેનમાં ખાસ પસંદ કરવામાં આવે છે. લોકો ચાટ ખાવા માટે ખાસ ભારતીય રેસ્ટોરન્ટમાં જાય છે.
Trending Photos