ગુજરાત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમેલા ટોપ-10 ખેલાડીઓ

ગુજરાત ભારતીય ક્રિકેટના એલિટ રાજ્યમાં સામેલ છે. ગુજરાતમાં ત્રણ ક્રિકેટ એસોસિએશન પણ આવેલા છે. જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA),બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA),અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) નો સમાવેશ થાય છે. આ ક્રિકેટ એસોસિએશન તરફથી રમીને ઘણા ખેલાડીઓએ તો ભારતીય ટીમમાં પણ એન્ટ્રી કરી હતી. આજે આપણે ગુજરાતના ટોપ-10 ખેલાડીઓ વિશે વાત કરીશું જે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. 

વિનૂ માંકડ

1/10
image

આ લિસ્ટમાં પ્રથમ સ્થાને વિનૂ માંકડ છે. જેઓ ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરનારા શરૂઆતી ખેલાડીઓમાંના એક હતા. તેમણે 1940ના દાયકાના અંતમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિનૂ માંકડ જમણા હાથના બેટર હતા અને ઓથ્રોડોક્સ સ્પિનર હતા. તેમણે 200થી વધુ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તેમણે 44 ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમનો ટોપ સ્કોર 241 રનનો છે. ટેસ્ટમાં તેમની એવરેજ 31ની હતી. આઈસીસી દ્વારા 2021માં વિનૂ માંકડને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. 

રવીન્દ્ર જાડેજા

2/10
image

સૌરાષ્ટ્રના જામનગરથી આવતા રવીન્દ્ર જાડેજા ભારતીય ટીમનો મહત્વનો સભ્ય છે. રવીન્દ્ર જાડેજા વર્ષ 2008માં અન્ડર 19 વિશ્વકપ અને ત્યારબાદ આઈપીએલ રમી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ જાડેજા ભારતીય ટીમનો પણ મહત્વનો સભ્ય બની ગયો છે. તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમે છે. આ સાથે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. જાડેજાની ગણના વિશ્વના સર્વશ્રેષ્ઠ ફીલ્ડરોમાં પણ થાય છે. 

જસપ્રીત બુમરાહ

3/10
image

અમદાવાદથી ક્રિકેટના પાઠ શીખી વિશ્વ ક્રિકેટમાં પોતાની અલગ છાપ બનાવી ચૂકેલો બુમરાહ ભારતીય ટીમના ફાસ્ટ બોલરોનો સ્તંભ છે. કોઈપણ પરિસ્થિતિમાં શાનદાર બોલિંગ કરી ટીમને જીત અપાવવાની ક્ષમતા બુમરાહમાં છે. બુમરાહે પહેલા આઈપીએલમાં પર્દાપણ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2016માં ભારતીય ટીમમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી બુમરાહ ટીમનો મહત્વનો સભ્ય બની ગયો છે. બુમરાહ પોતાની અલગ બોલિંગ એક્શન માટે પણ જાણીતો છે.   

અજય જાડેજા

4/10
image

જામનગર સાથે સંબંધ ધરાવતા અજય જાડેજાએ 90ના દાયકામાં ભારતીય ટીમમાં પર્દાપણ કર્યું હતું. તે એક ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ થયા હતા. અજય જાડેજા બેટર હોવાની સાથે મીડિયમ ફાસ્ટ બોલિંગ પણ કરતા હતા. તેમણે ભારતીય ટીમ માટે 196 વનડે મેચ રમી હતી જેમાં 5 હજારથી વધુ રન ફટકાર્યા હતા. આ સિવાય 15 ટેસ્ટ મેચમાં પણ તેમણે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.   

મુનાફ પટેલ

5/10
image

મુનાફ પટેલ વર્ષ 2011ની વિશ્વ વિજેતા ભારતીય ટીમનો સભ્ય રહી ચૂક્યો છે. ગુજરાતના ભરૂચથી નિકળીને મુનાફ પટેલે ભારતીય ટીમમાં એક અલગ જગ્યા બનાવી હતી. મુનાફ પટેલ ફાસ્ટ બોલર હતો. તેણે ભારતીય ટીમ માટે 70 વનડે મેચ રમી હતી. જ્યારે 13 ટેસ્ટ મેચમાં પણ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મુનાફ પટેલ છેલ્લે વર્ષ 2011માં ટીમ ઈન્ડિયા માટે રમ્યો હતો. આ સિવાય તે આઈપીએલમાં પણ રમી ચૂક્યો છે. 

યૂસુફ પઠાણ

6/10
image

યુસુફ પઠાણ વડોદરાથી નિકળીને ભારતીય ટીમ માટે ચમક્યો હતો. યુસુફ પઠાણ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો હતો. આ સિવાય સ્પિન બોલિંગ કરીને પણ ટીમને મદદરૂપ બનતો હતો. યુસુફ પઠાણ વર્ષ 2007ની ટી20 અને વર્ષ 2011ની વિશ્વકપ વિજેતા ટીમનો પણ સભ્ય રહી ચૂક્યો છે. યુસુફ પઠાણે તેના આઈપીએલ કરિયરની શરૂઆત રાજસ્થાન રોયલ્સ સાથે કરી હતી.   

ઈરફાન પઠાણ

7/10
image

ગુજરાતના ક્રિકેટરોની વાત આવે તો ઈરફાન પઠાણને કેમ ભૂલી શકાય. ઈરફાન પઠાણે પોતાની સ્વિંગ બોલિંગની મદદથી ભારતીય ટીમમાં મહત્વની જગ્યા મળી હતી. ઈરફાન પઠાણ વર્ષ 2007માં ટી20 વિશ્વ વિજેતા ભારતીય ટીમનો સભ્ય હતો. ઈરફાન પઠાણના નામે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ઓવરમાં હેટ્રિક લેવાનો પણ રેકોર્ડ છે. તે ફાસ્ટ બોલિંગ સાથે સારી બેટિંગ પણ કરતો હતો. ઈરફાન પઠાણ વર્ષ 2013માં ભારતીય ટીમનો સભ્ય હતો જ્યારે ટીમે ઈંગ્લેન્ડમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 

હાર્દિક પંડ્યા

8/10
image

હાર્દિક પંડ્યા વર્તમાન સમયમાં ભારતીય ટીમનો બેસ્ટ ઓલરાઉન્ડર માનવામાં આવે છે. વડોદરાના એક ગરીબ પરિવારમાં જન્મેલા હાર્દિક પંડ્યાએ અનેક સંઘર્ષો બાદ ક્રિકેટમાં પોતાનું એક મોટુ નામ બનાવ્યું છે. હાર્દિક પંડ્યાએ પોતાના કરિયરની શરૂઆત આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કરી હતી. ત્યારબાદ તેને ભારતીય ટીમમાં એન્ટ્રી મળી હતી. હાર્દિક પંડ્યા આક્રમક બેટિંગ માટે જાણીતો છે. 

ચેતેશ્વર પુજારા

9/10
image

ભારતીય ટેસ્ટ ટીમના ધ બોલ ગણાતા ચેતેશ્વર પુજારાએ વર્ષ 2010માં ભારતીય ટીમમાં પર્દાપણ કર્યું હતું. ચેતેશ્વર પુજારાને રાહુલ દ્રવિડના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો હતો. પુજારાએ પોતાની ધૈર્યપૂર્ણ બેટિંગથી ઘણા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ખાસ કરીને ટેસ્ટ મેચમાં તેની ક્ષમતા લાંબો સમય ક્રિઝ પર ઉભા રહેવાની હતી. પુજારા ભારત માટે 100થી વધુ ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. ભારતીય  ટીમે જ્યારે બે વખત ઓસ્ટ્રેલિયામાં જઈને ટેસ્ટ સિરીઝ જીતી હતી, ત્યારે ચેતેશ્વર પુજારાએ મહત્વનું યોગદાન આપ્યું હતું. 

જયદેવ ઉનડકટ

10/10
image

પોરબંદરથી આવતો અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી રમતો જયદેવ ઉનડકટ પણ ભારતીય ટીમ વતી રમી ચૂક્યો છે. જયદેવ ઉનડકટે વર્ષ 2010માં ટેસ્ટ ટીમમાં પર્દાપણ કર્યું હતું. આ મેચ બાદ તે આશરે 10 વર્ષ ટીમમાંથી બહાર રહ્યો હતો. તે ટી20 અને વનડે મેચમાં પણ ભારત માટે રમી ચૂક્યો છે. આ સિવાય આઈપીએલમાં પણ વિવિધ ટીમ તરફથી રમેલો છે. ભારતીય ટીમમાં જયદેવ ઉનડકટને વધુ તક મળી નથી.