અભિનય હોય તો આવો, આ કલાકારોને ભગવાન કૃષ્ણની ભૂમિકાએ અપાવી લોકચાહના
ટીવી પર પ્રસારિત થતા મોટાભાગન ધાર્મિક કાર્યક્રમો ભગવાન વિષ્ણુ કે કૃષ્ણના પાત્ર વિના અધૂરા છે. ભગવાન કૃષ્ણના દરેક રૂપ મનમોહક લાગે છે. ભકતોને ભગવાન કૃષ્ણ પર એટલી અતૂટ શ્રદ્ધા છે કે તેઓ ભગવાન કૃષ્ણના દરેક રૂપને પસંદ કરે છે ભલે તે પછી બાલ્ય અવસ્થા હોય કે તેમનું યુવા સ્વરૂપ હોય. તેમનો ઉપદેશમાં જીવનનો સાર છે. ટીવી પર આપણે ભગવાન કૃષ્ણના પાત્ર આપણે અનેકવાર જોતા આવ્યા છીએ.
નીતિશ ભારદ્વાજ
ભગવાન કૃષ્ણની વાત આવે અને આંખો બંધ કરીએ તો એક ચહેરો લોકો સામે આવી જાય, અને તે છે નીતિશ ભારદ્રાજનો... 2 ઓક્ટોબર 1988ના દિવસે બી.આર.ચોપડા ટેલિવિઝન પર પહેલીવાર મહાભારત લઈને આવ્યા હતા. દર્શકોને આ સિરીયલ એટલી પસંદ આવી કે જ્યારે ટીવી પર મહાભારત પ્રસારિત થતી હોય ત્યારે જાણે કર્ફ્યૂ લાગ્યો હોય તેમ રસ્તાઓ સૂમસામ થઈ જતા. આ સિરીયલમાં ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવનાર નીતિશ ભારદ્વાજને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો. તે સમયગાળામાં લોકો નીતિશ ભારદ્વાજને ભગવાન કૃષ્ણ જ સમજવા લાગ્યા હતા. લોકડાઉનમાં જ્યારે બીજી વખત મહાભારત પ્રસારિત કરવામાં આવી ત્યારે નવી જનરેશન પણ નીતિશ ભારદ્વાજના અભિનયથી ઘણી પ્રભાવિત થઈ..
સર્વદમન ડી બેનર્જી
દૂરદર્શન પર દર રવિવારે સવારે ટીવી સ્ક્રીન પર લોકો બધા કામકાજ મૂકી 'Shree Krishna' જોવા બેસી જતા. આ સિરીયલની છાપ આપણા મનમાં એવી પડી કે આજે પણ કૃષ્ણનું પાત્ર ભજવનાર સર્વદમન ડી બેનર્જીનો મનમોહક ચહેરો આપણી આંખ સામે આવી જાય છે. સર્વદમને ઘણી ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ તેમને ઘર ઘરમાં લોકપ્રિયતા ભગવાન કૃષ્ણના પાત્રએ અપાવી. આ સિરીયલ ન માત્ર ભારત પરંતુ વિદેશોમાં પણ લોકપ્રિય થયો હતો.
સ્વપનિલ જોશી
'Shree Krishna' સિરીયલમાં સ્વપનિલ જોશીએ ભગવાન કૃષ્ણના યુવાન પાત્રને ભજવ્યુ હતું. આ સિરીયલ 90ના દાયકામાં મોટા થયેલા બાળકો ક્યારેય ભૂલી શકશે નહીં. આ સિરીયલમાં કૃષ્ણનું પાત્ર ભજવી સ્વપનિલ જોશી ટીવીના મોટા સ્ટાર બની ગયા.
સૌરભ રાજ જૈન
વર્ષ 2011માં સૌરભ રાજ જૈને 'દેવો કે દેવ મહાદેવ' સિરીયલમાં ભગવાન વિષ્ણુનું પાત્ર ભજવ્યુ હતું. દર્શકોને ભગવાન વિષ્ણુના પાત્રમાં સૌરભ રાજ જૈન ખૂબ પંસદ આવ્યા. ત્યારબાદ કલર્સ ચેનલમાં 'શ્રી કૃષ્ણા' સિરીયલ પ્રસારિત થઈ જેમાં પણ સૌરભે ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવ્યું. ત્યારબાદ વર્ષ 2013માં સ્ટાર પ્લસમાં 'મહાભારત' નવા કલાકારો સાથે દર્શકો વચ્ચે આવી હતી. નીતિશ ભારદ્વાજ બાદ સૌરભ રાજ જૈનને ભગવાન શ્રીકૃષ્ણના પાત્રમાં ખાસ્સી એવી લોકપ્રિયતા મળી. આ સિરીયલ દર્શકોને ખૂબ પસંદ આવી હતી અને લોકડાઉનમાં પણ લોકોએ તેને ફરી જોઈ..
ધ્રૃતિ ભાટિયા
કલર્સ ચેનલ પર ટેલિકાસ્ટ થનાર 'જય શ્રી કૃષ્ણા'એ દર્શકોને ખૂબ મનોરંજન આપ્યું. ધૃતિએ આ સિરિયલમાં ભગવાન કૃષ્ણનું બાળપાત્ર ભજવ્યુ હતું. આ શો હિટ થવાનું કારણ ધૃતિ હતી, ધૃતિ બાળકી હતી જે દર્શકોને ધીમે ધીમે ખબર પડી હતી. ધૃતિના નટખટ અંદાજે દર્શકોનું દિલ જીતી લીધુ હતું.
વિશાલ કરાવલ
NDTV ઈમેજીન પર પ્રસારિત થનાર સિરીયલ દ્વારકાધીશમાં વિશાલ કરાવલે ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવ્યુ હતું. વિશાલને પણ દર્શકોએ ભગવાન કૃષ્ણના પાત્રમાં પસંદ કર્યા હતા.
સુમેધ મુદગલકર
વર્ષ 2018માં સ્ટાર વન પર રાધાકૃષ્ણ સિરીયલ શરૂ થઈ, સિરીયલમાં રાધા અને કૃષ્ણની કહાની દર્શકોને ખૂબ પસંદ આવી. સુમેધ મુદગલકર પણ યુવા કૃષ્ણના પાત્રમાં ખૂબ લોકપ્રિય થયા. ન્યૂ જનરેશન વોટ્સએપના સ્ટેટ્સમાં અને સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર શ્રીકૃષ્ણના પાત્રમાં સુમેધ મુદગલકરે બોલેલા સંદેશ શેર કરતા હોય છે.
મેઘન જાધવ
ધ્રૃતિ ભાટિયા બાદ 'જય શ્રી કૃષ્ણા' સિરીયલમાં યુવા કૃષ્ણનું પાત્ર ભજવ્યુ હતું. દર્શકોએ મેઘનને પણ કૃષ્ણના પાત્રમાં ઘણો પ્રેમ આપ્યો. મેઘને સૂર્યપુત્ર કર્ણમાં કર્ણની ભૂમિકા ભજવી પરંતુ તેને સાચી ઓળખ તો કૃષ્ણના પાત્રથી જ મળી.
ગગન મલિક
સોની ટીવીના લોકપ્રિય શો 'સંકટમોચન મહાબલી હનુમાન' માં ગગન મલિકે એકસાથે કૃષ્ણ, ભગવાન વિષ્ણુ અને રામનો અભિનય કર્યો હતો. ગગન મલિકે પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા.
Trending Photos