તાહિરની પાંચ વિકેટ, સાઉથ આફ્રિકાએ પ્રથમ T-20માં ઝિમ્બાબ્વેને હરાવ્યું

સાઉથ આફ્રિકા માટે પર્દાપણ કરનાર વાન ડેર દુસેને 56 રન બનાવ્યા હતા. ઇમરાન તાહિર નવા બોલ સાથે બોલિંગ કરવા આવ્યો અને શરૂઆતી વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. 

તાહિરની પાંચ વિકેટ, સાઉથ આફ્રિકાએ પ્રથમ T-20માં ઝિમ્બાબ્વેને હરાવ્યું

ઈસ્ટ લંડન (સાઉથ આફ્રિકા): લેગ સ્પિનર ઇમરાન તાહિરની પાંચ વિકેટની મદદથી દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ઝિમ્બાબ્વેને 34 રનથી હરાવી દીધું હતું. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના ભોગે 160 રન બનાવ્યા હતા અને પછી તાહિર (23 રનમાં પાંચ વિકેટ)ની મદદથી યજમાન ટીમને 126 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. 

તાહિર નવા બોલ સાથે બોલિંગ કરવા ઉતર્યો અને તેણે ઝિમ્બાબ્વેની પ્રથમ ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે પોતાના બીજા સ્પેલમાં સતત બે બોલ પર બે વિકેટ ઝડપી, જેનાથી યજમાન ટીમનો સ્કોર 6 વિકેટ પર 65 રન થઈ ગયો હતો. 

પીટર મૂરે સ્પિનર તબરેઝ શમ્સીની ઓવરમાં સતત ચાર સિક્સ ફટકારી અને બ્રેન્ડન માવુતાની સાથે આઠમી વિકેટ માટે 19 બોલમાં 53 રન જોડીને ઝિમ્બાબ્વેની આશા જગાવી હતી, પરંતુ આ ભાગીદારી તૂટતા ઝિમ્બાબ્વે હારી ગયું હતું. મૂરે 21 બોલમાં 44 જ્યારે માવુતાએ 14 બોલમાં 28 રન બનાવ્યા હતા. 

આ પહેલા સાઉથ આફ્રિકા માટે પર્દાપણ કરનાર રેસી વાન ડેર દુસેને 56 રન બનાવ્યા હતા. તે જ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે આફ્રિકન ટીમ સંકટમાં હતી. 

દુસેન અને ડેવિડ મિલર (39)ની સાથે ચોથી વિકેટ માટે 66 બોલમાં 87 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પણ 20 બોલમાં 34 રન ફટકાર્યા હતા. 

ઝિમ્બાબ્વે તરફથી કાઇલ જાર્વિસે 37 રનમાં ત્રણ, જ્યારે ક્રિસ મોફૂએ 24 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ઝિમ્બાબ્વે અન્ડર-19 ટીમના પૂર્વ કેપ્ટન અને લેગ સ્પિનર માવુતાએ ચાર ઓવરમાં 19 રન આપીને એક વિકેટ ઝડપી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news