INDvsNZ: વેલિંગટનમાં ભારતનો 35 રને વિજય, શ્રેણી 4-1થી કરી કબજે

ભારતે અંતિમ વનડેમાં પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમમાં વાપસી થઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 252 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે ન્યૂઝીલેન્ડને 217 રન પર ઓલઆઉટ કરીને અંતિમ વનડે 35 રનથી પોતાના નામે કરી લીધી હતી. 
 

INDvsNZ: વેલિંગટનમાં ભારતનો 35 રને વિજય, શ્રેણી 4-1થી કરી કબજે

વેલિંગટનઃ  વેલિંગટનમાં રમાયેલી શ્રેણીની અંતિમ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 35 રને પરાજય આપીને પાંચ મેચોની શ્રેણી 4-1થી કબજે કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે અંબાતી રાયડૂના (90) તથા વિજય શંકર, હાર્દિક પંડ્યા અને કેદાર જાધવની શાનદાર બેટિંગની મદદથી તમામ વિકેટ ગુમાવી 252 રન બનાવ્યા હતા અને ન્યૂઝીલેન્ડને 253 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 44.1 ઓવરમાં 217 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે આ મેચમાં 35 રને વિજય મેળવ્યો છે. ભારત તરફથી યુજવેન્દ્ર ચહલે 41 રન આપીને 3, શમીએ 35 રન આપીને બે, પંડ્યાએ 50 રન આપીને બે તથા જાધવ અને ભુવનેશ્વરે એક-એક વિકેટ ઝડપી હતી. મેચમાં 90 રન ફટકારનાર અંબાતી રાયડૂને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તો સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની બોલિંગથી ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર શમીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

ભારતનો ન્યૂઝીલેન્ડમાં આ બીજો શ્રેણી વિજય છે. આ પહેલા વર્ષ 2009માં ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની સિરીઝ 3-1થી પોતાના નામે કરી હતી. 

રસપ્રદ વાત તે છે કે ટીમ ઈન્ડિયાએ પ્રથમવાર ન્યૂઝીલેન્ડમાં કોઈપણ ફોર્મેટમાં સિરીઝમાં ચાર મેચ જીતી છે. આ સિવાય વેલિંગટનમાં ટીમ ઈન્ડિયાનો આ બીજો વિજય છે. ટીમ ઈન્ડિયા આ મેચાન પર અત્યાર સુધી ચાર મેચ રમી છે. આ પહેલા ભારતે અહીં 2003માં પ્રથમ વખત જીત મેળવી હતી. 

ન્યૂઝીલેન્ડના ઓપનરો ફરી ફેલ
253 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કીવી ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમનો સ્કોર 18 રન હતો ત્યારે હેનરી નિકોલ્સ (8)ને શમીએ કેદાર જાધવના હાથે કેચઆઉટ કરાવીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ શમીએ ઈનિંગની 10મી ઓવરમાં કોલિન મુનરો (24)ને બોલ્ડ કરીને કીવીને બીજો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ રોસ ટેલર (1)ને હાર્દિક પંડ્યાએ LBW આઉટ કરીને ભારતે ત્રીજી સફળતા અપાવી હતી. 

ટેલર આઉટ થયા બાદ ટોમ લાથમ મેદાને આવ્યો હતો. તેણે કેન વિલિયમસન સાથે મળીને ચોથી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. બંન્નેએ ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. કેદાર જાધવે ભારતને ચોથી સફળતા અપાવી હતી. તેણે કેન વિલિયમસન (39)ને શિખર ધવનના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. કેને 73 બોલનો સામનો કરતા 3 બાઉન્ડ્રી ફટકારી હતી. ત્યારબાદ ચહલે લાથમ (37) અને કોલિન ડિ ગ્રાન્ડહોમ (11)ને LBW આઉટ કર્યાં હતા. 

ગ્રાન્ડહોમ આઉટ થયા બાદ સેન્ટનર અને નીશામે સાતમી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરીને કીવીની જીતની આશા જીવંત રાખી હતી. પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીના શાનદાર થ્રો દ્વારા જેમ્સ નીશામ (44) રન આઉટ થયો હતો. આ સાથે કીવીની જીતની આશા પણ ધોવાઈ ગઈ હતી. નીશામે 32 બોલમાં 4 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. ત્યારબાદ ટેડ એટ્સ્લેને ચહલે આઉટ કરીને કીવીને આઠમો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ સેન્ટનર (22)ને પેવેલિયન પરત મોકલીને ભારતને નવમી સફળતા અપાવી હતી. અંતે ટ્રેન્ટ બોલ્ટને ભુવનેશ્વરે આઉટ કરીને ભારતને 35 રને વિજય અપાવ્યો હતો. 

ભારત તરફથી અંબાતી રાયડૂએ સૌથી વધુ 90 રન ફટકાર્યા હતા. તો અંતમાં હાર્દિક પંડ્યાએ આક્રમક બેટિંગ કરતા 22 બોલમાં 5 સિક્સ અને 2 ફોરની મદદથી 45 રન ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 34 રન આપીને ચાર તથા બોલ્ટે 39 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. 

ભારતની ઈનિંગનો રોમાંચ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. મેટ હેનરીએ ઈનિંગની પાંચમી ઓવરમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (2)ને બોલ્ડ કરીને કીવીને પ્રથમ સફળતા અપાવી હતી. રોહિતે 16 બોલનો સામનો કર્યો હતો. ત્યારબાદની ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે ફરી એક વખત શિખર ધવન (6)ને પોતાનો શિકાર બનાવ્યો હતો. ધવને 13 બોલનો સામનો કર્યો હતો. ભારતીય ટીમ આ ઝટકામાંથી બહાર આવે તે પહેલા યુવા બેટ્સમેન શુભમન ગિલ (7)ને મેટ હેનરીએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તેણે 11 બોલનો સામનો કરતા 1 બાઉન્ડ્રી ફટકારી હતી. ભારતીય ટીમને આ મેચમાં ધોની પાસે મોટી આશા હતી પરંતુ ટ્રેન્ટ બોલ્ટે ધોની (1)ને બોલ્ડ કરીને ભારતને મુશ્કેલીમાં મુકી દીધું હતું. 

ત્યારબાદ અંબાતી રાયડૂ અને વિજય શંકરે ભારતીય ઈનિંગને સ્થિરતા આપવાન પ્રયત્ન કરતા ટીમનો સ્કોર 50ને પાર પહોંચાડ્યો હતો. બંન્નેએ શાનદાર બેટિંગ કરતા 29 ઓવરમાં ભારતનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. બંન્નેએ પાંચમી વિકેટ માટે 98 રન જોડ્યા હતા. ઈનિંગની 32મી ઓવરમાં વિજય શંકર (45) રન આઉટ થયો હતો. તેણે 64 બોલનો સામનો કરતા ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. 

બીજા છેડે અંબાતી રાયડૂએ ધૈર્યપૂર્વક બેટિંગ કરતા 86 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રાયડૂ અને કેદાર જાધવે છઠ્ઠી વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી હતી. શાનદાર બેટિંગ કરી રહેલ રાયડૂ પોતાની સદી ચુકી ગયો હતો. તેને (90) રન પર મેટ હેનરીએ કોલિન મુનરોના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. 113 બોલની ઈનિંગમાં રાયડૂએ 8 બાઉન્ડ્રી અને 4 સિક્સ ફટકારી હતી. ત્યારબાદ હેનરીએ ભારતને સાતમો ઝટકો આપતા કેદાર જાધવ (34)ને બોલ્ડ કર્યો હતો. જાધવે 45 બોલમાં ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી. 

ત્યારબાદ હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરતા ભારતનો સ્કોર 250ને પાર પહોંચાડ્યો હતો. હાર્દિકે 22 બોલનો સામનો કરતા 5 સિક્સ અને 2 ફોરની મદદથી 45 રન બનાવી આઉટ થયો હતો. નીશામને આ સફળતા મળી હતી. અંતે ભુવનેશ્વર કુમાર (6) બોલ્ટનો શિકાર બનાવ્યો હતો. જ્યારે શમી (0)ને બોલ્ટે રનઆઉટ કરીને ભારતીય ટીમને ઓલઆઉટ કરી દીધી હતી. 

કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, આ પિચ બેટિંગ માટે સારી લાગી રહી છે. તો ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની દિનેશ કાર્તિકના સ્થાન પર  પરત ફર્યો છે. આ સિવાય અલીલ અહમદના સ્થાને શમી અને કુલદીપના સ્થાને વિજય શંકરને સ્થાન મળ્યું છે. ન્યૂઝીલેન્ડની ટીમમાં એકમાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. ગુપ્ટિલના સ્થાને કોલિન મુનરોને સ્થાન આપવામાં આવ્યું છે. 

ટીમઃ રોહિત શર્મા, શિખર ધવન, કેદાર જાધવ, અંબાતી રાયડૂ, એમએસ ધોની, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, યુજવેન્દ્ર ચહલ, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, શમી. 

ન્યૂઝીલેન્ડઃ કેન વિલિયમસન, રોસ ટેલર, ટોમ લાથમ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, ટ્રેન્ટ બોલ્ટ, હેનરી નિકોલ્સ, મેટ હેનરી, કોલિન મુનરો, જેમ્સ નીશામ, મિચેલ સેન્ટનર, ટોડ એસ્ટલ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news