આ ભારતીય બેટ્સમેને કહ્યું, ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડને સંયુક્ત વિજેતા જાહેર કરવાની જરૂર હતી

આ પહેલા વિશ્વ કપ ફાઇનલમાં આ પ્રકારની ઘટના બની નથી. ન્યૂઝીલેન્ડની ટીમ સારૂ રમી, પરંતુ તેની સાથે થોડુ ખોટુ થયું. 
 

આ ભારતીય બેટ્સમેને કહ્યું, ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડને સંયુક્ત વિજેતા જાહેર કરવાની જરૂર હતી

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રવિવારે રમાયેલી વિશ્વ કપ ફાઇનલને 'વર્ષો સુધી યાદ રહેનારો' મુકાબલો ગણાવતા ભારસના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, તેનું માનવું છે કે બંન્ને ટીમોને ટ્રોફી આપવાની જરૂર હતી અને આઈસીસીએ પોતાના કેટલાક નિયમો પર વિચાર કરવો જોઈએ. 

ન્યૂઝીલેન્ડે વિશ્વ કપ ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ પર 241 રન બનાવ્યા જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 241 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી અને મેચ ટાઈ થઈ હતી. મેચના પરિણામ માટે સુપર ઓવરનો સહારો લેવામાં આવ્યો પરંતુ સુપર ઓવરમાં પણ બંન્ને ટીમોએ સમાન 15-15 રન બનાવ્યા ત્યારબાદ યજમાન ઈંગ્લેન્ડને મેચમાં વધુ બાઉન્ડ્રી ફટકારવાને કારણે વિશ્વ ચેમ્પિયન જાહેર કરવામાં આવી હતી. 

બાઉન્ડ્રીના આધાર પર ઈંગ્લેન્ડને વિશ્વ ચેમ્પિયન બનાવવાના નિયમ પર પરંતુ ક્રિકેટ જગતના ઘણા દિગ્ગજોએ સવાલ ઉઠાવ્યા છે અને તેમાં પૂજારા પણ સામેલ છે. પૂજારાએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, 'ઈમાનદારીથી કહું તો મને નથી લાગતુ કોઈ ટીમ હારી છે. મુકાબલો ટાઈ હતી અને મને લાગે છે કે બંન્ને ટીમોને ટ્રોફી અપાવી જોઈએ. પરંતુ નિર્ણય આઈસીસીએ કરવો પડશે અને તેણે નિયમોને લઈને પુનર્વિચાર કરવો પડશે.'
 

ભારતના મધ્યમક્રમના બેટ્સમેને કહ્યું, 'આ પહેલા વિશ્વકપ ફાઇનલમાં ક્યારેય આ પ્રકારની ઘટના બની નથી. નિયમો વિશે મને વધુ જાણકારી નથી અને હું હજુ પણ વસ્તુ શીખી રહ્યો છું."

ન્યૂઝીલેન્ડ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા પૂજારાએ કહ્યું, 'ન્યૂઝીલેન્ડની ટીમની સાથે થોડુ ખોટુ થયું, તે એટલું સારૂ રમ્યા. કુલ મળીને આ ક્રિકેટનો શાનદાર મુકાબલો રહ્યો અને આ વસ્તુ માટે મેચને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે.'

તેણે કહ્યું, 'આઈસીસીએ આ (નિયમો પર) ધ્યાન આપવું પડશે અને આશા કરુ છું કે તે તેમ કરશે. આ હંમેશા બનતું નથી કે મેચ ટાઈ થવા પર સુપર ઓવર પણ ટાઈ થાય. આશા કરુ છું કે આઈસીસી તેના પર ધ્યાન આપશે.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news