Ind vs Ban: ઈનિંગના અંતરથી 10મી જીત, કોહલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ
ભારતે બાંગ્લાદેશને ઈન્દોર ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઈનિંગ અને 130 રનથી હરાવ્યું છે. આ સાથે કોહલી ઈનિંગના અંતરથી સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર ભારતીય કેપ્ટન બની ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Virat Kohli As Test Captain: વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં આગેવાનીના મામલામાં પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે. સૌથી વધુ ટેસ્ટ મેચ ઈનિંગ અને રનના અંતરથી જીતવાના મામલામાં વિરાટ કોહલીએ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે દસમી ટેસ્ટ મેચ ઈનિંગ અને રનના અંતરથી જીતી લીધી છે.
ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ભારતે બાંગ્લાદેશને બે મેચોની ટેસ્ટ સિરીઝના પ્રમુખ મુકાબલામાં કારમો પરાજય આપ્યો હતો. ભારતે મહેમાન ટીમ બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રનથી હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બાંગ્લાદેશની ટીમ ત્રણ દિવસમાં બે વખત ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઈનિંગમાં 150 રન પર આઉટ થયા બાદ ટીમ બીજી ઈનિંગમાં 213 રન બનાવી શકી હતી. ભારતે પ્રથમ ઈનિંગમાં 493 રન બનાવ્યા હતા.
કોહલી બન્યો 'વિરાટ' ટેસ્ટ કેપ્ટન
વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ 10મી વખત કોઈ ટેસ્ટને ઈનિંગ અને રનના અંતરથી જીતી છે. આ ભારતીય ટીમ માટે એક મોટો રેકોર્ડ છે, કારણ કે આ પહેલા એમએસ ધોનીએ ટીમ ઈન્ડિયાને સૌથી વધુ 9 વખત ઈનિંગ અને રનના અંતરથી જીત અપાવી હતી. વિરાટ અને ધોની સિવાય અઝહરુદ્દીનની આગેવાનીમાં ભારતે કુલ 8 ટેસ્ટ મેચ ઈનિંગના અંતરથી જીતી હતી, તો ગાંગુલીની આગેવાનીમાં 7 ટેસ્ટમાં જીત મેળવી હતી.
વર્લ્ડ ક્રિકેટમાં કેપ્ટન કોહલીનો ડંકો, એલન બોર્ડરની કરી બરોબરી
આ છે ચાર દિગ્ગજ ભારતીય કેપ્ટનોનો રેકોર્ડ
10 વખત - વિરાટ કોહલી
9 વખત - એમએસ ધોની
8 - વખત મોહમ્મદ અઝહરુદ્દીન
7 વખત - સૌરવ ગાંગુલી
એટલું જ નહીં, કેપ્ટન વિરાટ કોહલીએ સતત ત્રણ ટેસ્ટ મેચ ઈનિંગ અને રનના અંતરથી જીતીને અનોખો રેકોર્ડ ભારતીય ટીમ માટે બનાવ્યો છે. પૂર્વ કેપ્ટન એમએસ ધોની ક્યારેય પણ પોતાના કરિયરમાં ભારતને ઈનિંગ અને રનના અંતરથી સતત ત્રણ ટેસ્ટ મેચ જીતાડી શક્યો નથી. સાથે વિરાટ કોહલીએ ધોનીના તે રેકોર્ડની પણ બરોબરી કરી લીધી છે, જે તેણે 2013મા બનાવ્યો હતો. ધોનીએ 2013મા (ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 2) સતત છ ટેસ્ટ મેચ જીતી હતી. વિરાટે પણ આ સિદ્ધી, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશને હરાવીને હાસિલ કરી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે