BGT: પર્થ ટેસ્ટમાં રોહિતની જગ્યા લઈ શકે છે કેએલ રાહુલ, રેસમાં અન્ય એક બેટર પણ સામેલ
Border Gavaskar Trophy: ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ ગુમાવ્યા બાદ હવે બધાની નજર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર છે. ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિત શર્મા બહાર રહી શકે છે, તેવામાં ઓપનિંગ કોણ કરશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
Trending Photos
BGT: ન્યૂઝીલેન્ડ સામેની હોમ સીરિઝમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફીને લઈને દરેક લોકો પરેશાન છે. જ્યારે ખબર પડી કે કેપ્ટન રોહિત શર્મા અંગત કારણોસર પર્થ ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે, ત્યારે ઓપનિંગને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ. હવે બે નવા નામ સામે આવ્યા છે જેની વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની મેચમાં તમામની નજર બંને ખેલાડીઓ પર રહેશે. આ ઓપનિંગ રેસમાં કયો ખેલાડી આગળ રહે તે જોવું રસપ્રદ રહેશે.
કોણ છે બે ખેલાડી?
ઈએસપીએન ક્રિકઈન્ફોના રિપોર્ટ અનુસાર, કેએલ રાહુલ અને અભિમન્યુ ઈશ્વરન આ રેસમાં સામેલ છે. બંને ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા A સામે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 7 નવેમ્બરથી ભારતીય સમય અનુસાર સવારે 5 વાગ્યે રમાશે. બંને ખેલાડીઓના પ્રદર્શનને જોયા બાદ જ પર્થ ટેસ્ટ માટે ઓપનિંગ જોડી નક્કી કરી શકાશે. બીજા છેડે યશસ્વી જયસ્વાલનું સ્થાન નિશ્ચિત છે.
અભિમન્યુ ઈશ્વરન પાસે ગોલ્ડન તક
ડોમેસ્ટિક ક્રિકેટમાં અભિમન્યુ ઈશ્વરને દમદાર બેટિંગ કરી છે. તેણે એક બાદ એક મોટી ઈનિંગો રમી, જેના પરિણામ સ્વરૂપે તેને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ટીમમાં તક મળી છે. હવે અભિમન્યુ ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ સારી બેટિંગ કરે તો તેને ત્રીજા ઓપનર તરીકે જોવામાં આવી શકે છે. ઈન્ડિયા એની કમાન રુતુરાજ ગાયકવાડ સંભાળી રહ્યો છે.
કેએલ રાહુલનું ખરાબ ફોર્મ
કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલને ઈન્ડિયા એ તરફથી રમવા માટે પહેલા ઓસ્ટ્રેલિયા મોકલી દેવામાં આવ્યા હતા. રાહુલને બાંગ્લાદેશ સામે સિરીઝ અને ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં તક મળી પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ રાહુલ મોટી ઈનિંગ ન રમે તો તેણે અંતિમ ઈલેવનમાંથી બહાર રહેવું પડી શકે છે. રાહુલ સિવાય ધ્રુવ જુરેલ પર પણ બધાની નજર રહેશે. સાથે ઈશાન કિશન પાસે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાની શાનદાર તક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે