મહિલા એશિયા કપઃ ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટાઇટલ માટે જંગ
ભારતીય સમયાનુસાર રવિવારે સવારે 11.30 કલાકે ફાઇનલ મેચ શરૂ થશે.
Trending Photos
મલેશિયાઃ ભારતે દબદબો બનાવતા પોતાના અંતિમ રાઉન્ડ રોબિન મુકાબલામાં કટ્ટર હરિફ પાકિસ્તાનને 7 વિકેટે પરાજય આપીને સાતમી વાર એશિયા કપના ટાઇટલ મુકાબલામાં પગ રાખ્યો છે. રવિવારે ફાઇનલમાં ભારતની ટક્કર બાંગ્લાદેશ સામે થશે. બાંગ્લાદેશે મલેશિયાને 70 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ફાઇનલ ભારતીય સમયાનુસાર સવારે 11.30 કલાકે શરૂ થશે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ કિનરારા એડેકમી ઓવરમાં નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 72 રન બનાવી શકી. ભારત તરફથી સ્પિનર એકતા બિષ્ટે 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
અન્ય બોલર્સને એક-એક વિકેટ મળી, ઝુલન ગોસ્વામીને એકપણ સફળતા મળી ન હતી. એકતા મેન ઓફ ધ મેચ રહી હતી. નાનો લક્ષ્ય હાસિલ કરવા ઉતરેલી ભારતીય ટીમે 23 બોલ બાકી હતા ત્યારે જીત મેળવી લીધી હતી. ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ 40 બોલમાં 38 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન હરમનપ્રીતે 49 બોલમાં 34 રન ફટકાર્યા હતા.
અનુભવી મિતાલી રાજ અને દીપ્તિ શર્મા ખાતુ ખોલાવ્યા વિના આઉટ થઈ હતી. આ ભારતની પાંચ મેચમાં ચોથી જીત હતી. ભારત બાંગ્લાદેશ સામે હાર્યું હતું. આ હાર બાદ ભારતે લંકા અને પાકને હરાવ્યું હતું.
બીજીતરફ રોયલ સેલાનગોલ ક્લબ મેદાન પર રમાયેલી મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 130 રન બનાવ્યા હતા. તેણે મલેશિયાને 20 ઓવરમાં 9 વિકેટે 60 રન પર રોકી દીધું અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે