Budget 2023: બજેટમાં મધ્યમ વર્ગને શું મળશે? કઈ નવી બચત યોજના ગેમ ચેન્જર બની શકે?

Budget 2023 Exclusive Information: નાણા મંત્રી નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરીનાં રોજ કેન્દ્રિય બજેટ રજૂ કરવાનાં છે, આ બજેટમાં મધ્યમ વર્ગ અને કેટલાક સેક્ટરને રાહત મળી શકે છે. ડેટ લિંક્ડ સેવિંગ સ્કીમ લોન્ચ થવાની પ્રબળ શક્યતા છે.

Budget 2023: બજેટમાં મધ્યમ વર્ગને શું મળશે? કઈ નવી બચત યોજના ગેમ ચેન્જર બની શકે?

Budget 2023 Exclusive Information: ઝી 24 કલાક પાસે આવેલી એક્સક્લુસિવ માહિતી અનુસાર નોકરિયાત વર્ગ તેમજ વીમા કંપનીઓને બજેટમાં મોટી રાહત મળી શકે છે. સૂત્રોનું માનીએ તો બજેટમાં નોકરિયાત વર્ગને મોટી રાહત મળી શકે છે. મકાનના ભાડામાં મેટ્રો શહેરોનાં લોકોને મળતી છૂટ અન્ય શહેરોનાં લોકોને પણ મળી શકે છે. બજેટમાં HRAમાં છૂટની મર્યાદા વધી શકે છે. 4 મેટ્રોમાં HRAમાં બેઝિક ડીએનો ઉમેરો કરીને ટેક્સમાં 50 ટકાની રાહત મળી શકે છે. અન્ય શહેરોમાં બેઝિક ડીએ સાથે HRAમાં 40 ટકાની છૂટ મળી શકે છે. પગારદાર સિવાયનાં વર્ગ માટે HRAમાં વાર્ષિક કપાત 60 હજાર રૂપિયાથી વધી શકે છે. 

પાવર સેક્ટરને શું મળી શકે?
ઝી 24 કલાક પાસે બજેટ અંગે એક્સક્લુસિવ માહિતી છે. સૌથી પહેલાં જો પાવર સેક્ટરની વાત કરીએ તો, બજેટમાં પાવર સેક્ટર માટે મોટી જાહેરાત થઈ શકે છે. ગ્રીન હાઈડ્રોજન માટે હાઈડ્રો પમ્પ માટે ઈન્સેન્ટિવ જાહેર થઈ શકે છે. નેશનલ ગ્રીડ જેવી બેટરી સ્ટોરેજ સિસ્ટમ માટે પણ જાહેરાત થઈ શકે છે. સોલર, વિન્ડ એનર્જીના ઉપકરણોનાં રિસાઈકલિંગ પોલિસીની જાહેરાત થઈ શકે છે. કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન એન્ડ સ્ટોરેજને લગતી મોટી જાહેરાતો પણ થઈ શકે છે. 

ડેટ લિંક્ડ સેવિંગ સ્કીમની તૈયારી?
બજેટમાં ઈનવેસ્ટમેન્ટ સેક્ટર માટે પણ મોટી જાહેરાતની સંભાવના છે. નાણા મંત્રી ડેટ લિંક્ડ સેવિંગ સ્કીમની જાહેરાત કરી શકે છે. ELSSની તર્જ પર જ ડેટ લિંક્ડ સેવિંગ સ્કીમ આવી શકે છે. મ્યુચ્યુઅલ ફંડો ડેટ લિંક્ડ સેવિંગ સ્કીમ લોન્ચ કરી શકશે. આ ઉપરાંત રિટેઈલ રોકાણકારો માટે બોન્ડ માર્કેટના રસ્તા ખોલવાની પણ તૈયારી છે. સૂત્રોનું માનીએ તો ડેટ લિંક્ડ સેવિંગ સ્કીમ માટે ડિબેંચર અને કંપની બોન્ડમાં 80 ટકા રોકાણનો પ્રસ્તાવ છે. કલમ 80સી હેઠળ ડેટ લિંક્ડ સેવિંગ સ્કીમમાં ટેક્સમાં છૂટ પણ મળી શકે છે. આ સ્કીમમાં 3 વર્ષનાં લોક ઈન પીરિયડનો પણ પ્રસ્તાવ છે. 

ડિસઈનવેસ્ટમેન્ટ કાર્યક્રમને બ્રેક લાગશે?
બજેટમાં કેન્દ્ર સરકારનાં ડિસઈનવેસ્ટમેન્ટ કાર્યક્રમને બ્રેક લાગી શકે છે. જાહેર સાહસોમાં સરકારનો હિસ્સો વેચવાનાં સરકારના લક્ષ્યાંકો પાર ન પડતાં હવે આ મુદ્દે બજેટમાં સરકાર પીછેહઠ કરી શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર ડિસઈનવેસ્ટમેન્ટનાં લક્ષ્યાંકને ઓછો કરી શકે છે. જાહેર સાહસોમાં હિસ્સો વેચીને 65 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરવાનાં લક્ષ્યાંકને ઘટાડીને 40થી 45 હજાર કરોડ રૂપિયા કરવામાં આવી શકે છે. આ બજેટમાં નવી કંપનીઓનાં ખાનગીકરણની જાહેરાતની શક્યતા પણ ઓછી છે. બે સરકારી બેન્કોના ડિસઈનવેસ્ટમેન્ટની પ્રક્રિયા શરૂ થવી પણ મુશ્કેલ છે. તો સરકારી વીમા કંપનીઓનાં હિસ્સામાં વેચાણમાં પણ વિલંબ થઈ શકે છે. નાણા મંત્રાલય અગાઉ નક્કી કરેલી કંપનીઓનાં ડિસઈનવેસ્ટમેન્ટ પર જ આગળ વધશે. 

ઓનલાઈન ગેમિંગ કંપનીઓને ટેક્સમાં રાહત મળશે? 
આ બજેટમાં ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર ટેક્સ મુદ્દે કોઈ જાહેરાત થઈ શકે છે. ઈન્કમ ટેક્સ મેચ દીઠ લાગે કે પછી કુલ રકમ પર, તેના પર સ્પષ્ટતા થઈ શકે છે. હાલ 10 હજાર રૂપિયા કે તેથી વધુ રકમ પર 30 ટકા ટેક્સ લાગે છે. વર્તમાન નિર્ધારિત રકમને કારણે હાલ યોગ્ય રીતે ટેક્સનું કલેક્શન નથી થઈ શકતું. 

વીમા કંપનીઓ માટે બજેટ ગેમચેન્જર બનશે? 
જો કે વીમા કંપનીઓે બજેટમાં રાહત મળી શકે છે. સૂત્રોનું માનીએ તો બજેટમાં વીમા ક્ષેત્રમાં મોટા પરિવર્તન આવી શકે છે. વીમા સુધારા બિલ માટે જાહેરાત થઈ શકે છે. નવી વીમા કંપની શરૂ કરવાના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. 100 કરોડ રૂપિયાના નિયમમાં ફેરફારને મંજૂરી મળી શકે છે. વીમા કંપનીઓ માટે બીજી કેટેગરીમાં લાયસન્સને પણ મંજૂરી મળી શકે છે. વીમા કંપનીઓને અન્ય ફાઈનાન્શિયલ પ્રોડક્ટો વેચવાની મંજૂરી પણ મળી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news