Gujarat માં આ શું થવા બેઠું છે?, રાજકોટ જિલ્લાના ઉકરડા ગામે એક સાથે 500 લોકોના હાથ પગ ઝકડાયા, લોકોમાં દહેશત

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા ગામે એક સાથે 500 જેટલા લોકોમાં હાથ પગના સાંધા ઝકડાઈ જવાના સમાચાર મળી રહ્યા છે. આ નવા પ્રકારના રોગને લઈને વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Trending Photos

Gujarat માં આ શું થવા બેઠું છે?, રાજકોટ જિલ્લાના ઉકરડા ગામે એક સાથે 500 લોકોના હાથ પગ ઝકડાયા, લોકોમાં દહેશત

ગૌરવ દવે/રાજકોટ: ગુજરાત સહિત સમગ્ર દેશ હજુ કોરોના મહામારીમાંથી ઉભરી શક્યો નથી. ત્યાં ગુજરાતમાં વધુ એક  ભયંકર બિમારીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું છે. હાલ રાજ્યમાં કોરોના સહિત પાણીજન્ય રોગોએ માથું ઉંચક્યું છે. પરંતુ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા ગામે એક સાથે 500 જેટલા લોકોમાં હાથ પગના સાંધા ઝકડાઈ જવાના સમાચાર મળી રહ્યા છે. આ નવા પ્રકારના રોગને લઈને વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ આ રોગને લઈને અલગ અલગ અટકળો ચાલી રહી છે. લોકોમાં ચર્ચા છે કે આ ચિકનગુનિયા કે કોઈ બીજો વાયરસ તો નથી ને... 

રાજકોટ જિલ્લાના ઉકરડા ગામે જે 500 લોકોમાં આ રોગ દેખાયો છે. ત્યારબાદ સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. પડધરી તાલુકાના ઉકરડા ગામે કેસમાં સતત વધારો થતાં હજુ સુધી જિલ્લા આરોગ્ય વિભાગ કયો રોગ છે તે નક્કી કરી શક્યું નથી. 

બીજી બાજુ આ વિસ્તારના ધારાસભ્ય લલિત કગથરાએ અધિકારીઓ સાથે વાત કરી પણ પરિણામ શૂન્ય આવ્યું છે. ગામના લોકોને આ રોગ વિશે પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે, અચાનક સાંધા પકડાઈ જાય છે. ગામના સરપંચે પણ અધિકારીઓ સાથે વાત કરી છે.

અત્રે નોંધનીય છે કે રાજકોટમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત છે. રાજકોટમાં ગત વર્ષ કરતા આ વર્ષે ત્રણ ગણા કેસ નોંધાયા છે. રાજકોટમાં વર્ષ 2019માં ડેન્ગ્યુના રેકોર્ડબ્રેક 1062 કેસો નોંધાયા હતા. જયારે ગત વર્ષે 2020માં કોરોના વાયરસની મહામારી જોવા મળી હતી જેના કારણે લોકોની હાલત કફોડી જોવા મળી હતી. હવે કોરોના હળવો થતા ડેન્ગ્યુને જાણે મોકળુ મેદાન મળ્યું હોય તેમ 31 ઓક્ટોબર સુધીમાં જ રાજકોટમાં 273 કેસો નોંધાઈ ચૂક્યા છે. જયારે કેટલાક કેસ મનપાના ચોપડે ચડતા ન હોવાનું પણ સામે આવી રહ્યું છે.

કોરોનાની જેમ જ ડેન્ગ્યુની કોઈ ચોક્કસ દવા કે સારવાર નથી. દર્દીને એસ્પિરિન સિવાયની દર્દશામક દવા અપાય છે અને મુખ્ય બે સલાહ તબીબો અચૂક આપતા હોય છે, (1) દર્દીએ મહત્તમ પ્રવાહી લેવું, પાણી પીવું અને (2) પૂરતો આરામ કરવો. આ સિવાય દુખાવો થાય તો તેની અને તાવ આવે તો પેરાસિટામોલ જેવી દવા જ અપાતી હોય છે. ગંભીર સ્થિતિમાં પણ લક્ષણો મૂજબ હોસ્પિટલમાં સારવાર કરાય છે. કોરોના ન થાય કે થાય તો ગંભીર લક્ષણો ન થાય તે માટે રસી શોધાઈ ગઈ અને રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં 100 ટકાને અપાઈ ગઈ છે પરંતુ,ડેન્ગ્યુની કોઈ રસી હજુ શોધાઈ નથી. મચ્છર ન કરડે અને ઈમ્યુનિટી સારી રહે એ જ તેનો ઉપાય છે. નોંધપાત્ર એ છે કે ડેન્ગ્યુના મચ્છર દિવસે કરડતા હોય છે અને આ મચ્છર ઘરે,ઓફિસમાં વધુ વસતા હોય છે. ખુદ તબીબી સૂત્રો જણાવે છે કે વરસાદ પછીના બે માસ આ વાયરસ મહત્તમ પ્રસરતો હોય છે.

ડેંગ્યુના લક્ષણોઃ
ખૂબ તાવ આવે, 103 થી 105 સુધીનો
સ્નાયુ,સાંધામાં દુખાવો થાય, માથાના આગળના ભાગે અને કમરમાં દુખાવો
કોઈને ઓરી જેવા દાણાં શરીર પર નીકળે
કોઈને ઉલ્ટી-ઉબકાં થાય
આંખના ડોળા પાછળ દુખાવો થાય જે આંખ હલાવતા દુખે
મોટાભાગનાને નબળાઈ, કળતરના લક્ષણો હોય આવા દર્દીના લોહીનો સાદો સીબીસી રિપોર્ટ કરાવતા પ્લેટલેટ્સ,વ્હાઈટ બ્લડ સેલ ઘટે તેના પરથી નિદાન થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news