અમદાવાદમાં ભારે વરસાદ; 7 અંડરપાસ બંધ, વાસણા બેરેજના 12 ગેટ ખોલાયા, બોપલમાં સૌથી વધુ વરસાદ

અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઘાટલોડિયા, ગોતા, એસજી હાઈવે, નારોલ, નરોડા અને બાપુનગરમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાની બૂમરાણો ઉઠી છે. 

અમદાવાદમાં ભારે વરસાદ; 7 અંડરપાસ બંધ, વાસણા બેરેજના 12 ગેટ ખોલાયા, બોપલમાં સૌથી વધુ વરસાદ

Ahmedabad Rains: અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. બપોર પછી અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ હતું, ત્યારબાદ સમીસાંજે શહેરમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઘાટલોડિયા, ગોતા, એસજી હાઈવે, નારોલ, નરોડા અને બાપુનગરમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાની બૂમરાણો ઉઠી છે. 

બીજી બાજુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ શહેરના 7 અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. મીઠાખળી, કુબેરનગર, અખબારનગર, ઉસ્માનપુરા, પરિમલ, નિર્ણયનગર અને શાહીબાગ સહિતના અંડરપાસને ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે. શહેરના રાણીપ, વાડજ, શેલા, શિલજ, વૈષ્ણોદેવી, CTM, શિવરંજની, જીવરાજ, શ્યામલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 22, 2023

અમદાવાદમાં પડેલા વરસાદની વાત કરીએ તો શહેરમાં 6-7 વાગ્યા દરમિયાન 2 થી 3.5 ઇંચ સુઘી વરસાદ નોંધાયો છે. જ્યારે બોપલમાં એક કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. એક કલાકમાં શહેરમાં સરેરાશ 2 ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે. બીજી બાજુ વાસણા બેરેજના 12 ગેટ સાડા ત્રણ ફૂટ ખોલાયા છે. વરસાદ પહેલાં નદીનું જળ સ્તર ૧૩૩.૨૫ ફુટ હતુ. ભારે વરસાદને પગલે શહેરમાં પાણી ભરાયા બાદ વધ્યું છે. સુત્રો જણાવી રહ્યા છે કે દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં વિલંબ થયો. ત્યારબાદ 12 દરવાજા ખોલતાં વર્તમાન લેવલ ૧૩૨.૭૫ એ પહોંચ્યું. જો જલ્દી નદીનું જળસ્તર નીચું નહી જાય તો પાણી ભરાવાની સમસ્યા વકરશે. હાલ વાસણા બેરેજમાંથી ૩૦ હજાર ક્યુસેક કરતાં વધારે પાણીની નદીમાં જાવક થઈ રહી છે.

બોપલમાં સૌથી વધુ 6.67 ઇંચ વરસાદ
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વિસ્તાર મુજબ ક્યાં કેટલો વરસાદ થયો તેના આંકડા જાહેર કર્યા છે. મળતી માહિતી મુજબ, સૌથી વધુ વરસાદ બોપલમાં નોંધાયો છે. તો, AMCએ જણાવ્યું છે કે પૂર્વ વિસ્તાર કરતા પશ્ચિમ વિસ્તારમાં વધુ વરસાદ ખાબક્યો છે. બોપલમાં સૌથી વધુ 6.67 ઇંચ વરસાદ થવાની સાથે સાથે બોડકદેવ, ગોતા, મકતમપુરાં, દૂધેશ્વરમાં પણ વધુ વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં સાંજે છ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના એસજી હાઇ-વે મકતનપુરા અને વેજલપુર તેમજ મેમકો નરોડા રોડ ઉપર એક કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. 

શહેરમાં છેલ્લા એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રખિયાલ, ગોમતીપુર, સરસપુર રોડ, જોધપુર, બોડકદેવ, માનસી ચાર રસ્તા, પકવાન, સેટેલાઈટ, શિવરંજની, શ્યામલ, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નિકોલ, નરોડા, ગોતા, સરખેજ, જમાલપુર, લાલદરવાજા આસ્ટોડિયા, કોતરપુર, સરદારનગર સહિતના વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

અમદાવાદમાં સાંજે શરૂ થયેલા વરસાદને પગલે લોકોની સમસ્યા વધી ગઈ છે. રસ્તા ઉપર પાણી ભરાવવાની સાથે લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે. અસારવા મેન્ટલ બારી સામે આવેલી સોસાયટીના ઘરોમાં પાણી ભરાયા હોવાના સમાચાર છે. જેના કારણે લોકોના ઘરવખરીને ભારે નુકશાન થયું છે. અગાઉ સોસાયટીના લોકોને amc ના અધિકારીઓએ ચોમાસા પહેલા કામગીરી ન કરતા વિરોધના બેનર લગાડ્યા હતા. ચોમાસામાં પાણી ભરાવાને લઇ સ્થાનિકો ચોમાસા પહેલા રજૂઆતો કરી ચુક્યા છે. છતાં નિંદ્રાધીન અધિકારીઓની આંખો ન ખુલી. 

આ સાથે જ અમદાવાદમાં વરસાદના કારણે ઝીરો વિઝિબિલીટી થઇ ગઇ છે. ધોધમાર વરસાદથી ઓફિસથી ઘરે જઇ રહેલા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યાં જ ધોધમાર વરસાદના કારણે કેટલાક સ્થળોએ પાણી પણ ભરાયા છે. સાંજના સમયે ધોધમાર વરસાદ પડતા શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. વાસણા બેરેજના 5 ગેટ 1. 50 ફૂટ ખોલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે અને કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે અને તોફાની મૂડમાં વરસાદ તૂટી પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ હતી ત્યારે આજે જૂનાગઢ અને અમરેલીમાં મેઘરાજા અનરાધાર વરસ્યા છે. જૂનાગઢ અને અમરેલી બેટમાં ફેરવાઇ ગયા છે ત્યાં જ જૂનાગઢમાં તો માલસામાનને ખુબ જ નુક્સાન પહોંચ્યું છે. ત્યાં જ આજે સમી સાંજે અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news