નકલી અઘોરી ગેંગથી સાવધાન! રસ્તે જતા રાહદારીઓને કરે છે હિપ્નોટાઈઝ, મોડ્સ ઓપરેન્ડી જાણી પોલીસ ચોંકી
અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં સાધુ કે અઘોરી જેવો વેશ ધારણ કરી રસ્તે આવતા જતા રાહદારીને વાકચાતુર્ય થી હિપ્નોટાઈઝ કરી નજર ચુકવી સોના ચાંદીના ઘરેણાં ની ચોરી કરનારની ધરપકડ કરાઈ છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: નકલી સાધુ-અઘોરી વેશ ધારણ કરી ચોરી કરનાર ઝડપાયો છે. આરોપી રસ્તે જતા રાહદારીઓને હિપ્નોટાઈઝ કરી નજર ચુકવી સોના ચાંદીના દાગીના સેરવી ફરાર થઈ જતો હતો. આ મામલે ઝોન 1 LCB ટીમે અનિલ મદારી નામના ગાંધીનગર ના શખ્સની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં સાધુ કે અઘોરી જેવો વેશ ધારણ કરી રસ્તે આવતા જતા રાહદારીને વાકચાતુર્ય થી હિપ્નોટાઈઝ કરી નજર ચુકવી સોના ચાંદીના ઘરેણાં ની ચોરી કરનારની ધરપકડ કરાઈ છે. ઝોન 1 એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી જે દરમિયાન બાતમીના આધારે અનિલ અરવિંદ વિરમનાથ મદારી નામના 19 વર્ષીય ગાંધીનગરના દહેગામમાં મદારી નગરમાં રહેતા યુવકની ધરપકડ કરી છે. આરોપી યુવકની તપાસ કરતા તેની પાસેથી 51.02 ગ્રામ વજનના દાગીના જેની કિંમત 2 લાખ 33 હજાર 517 છે તે કબ્જે કર્યા હતા.
પકડાયેલા આરોપી એ સાધુ અઘોરી વેશ ધારણ કરી સોલા હાઇકોર્ટ વિસ્તારમાં એક વૃદ્ધ પાસેથી આ રીતે દાગીના પડાવ્યા હતા. જેમાં 62 વર્ષીય વૃદ્ધને રોકી વાતોમાં ભેળવી હાથમાં પહેરેલી સોનાની 3 વીંટી અને લકી એમ કુલ 1.20 લાખના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.
જે મામલે ગુનો નોંધાયો હોય ઝોન 1 એલસીબી ટીમે આરોપીને સોલા પોલીસને હવાલે કર્યો છે. તેવામાં આ પ્રકારની ઠગાઈથી અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી દાગીના પડાવી છેતરપિંડી આચરી છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ આરોપી સાથે કારમાં ડ્રાઈવર તરીકે પણ એક યુવક ફરતો હોય તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે