BHAVNAGAR સ્ટેટ ના જમાઇએ આપી મોટી ભેટ, દિલ્હી-સુરત અને મુંબઇ માટે ડાયરેક્ટ ફ્લાઇટ
Trending Photos
ભાવનગર : શહેરીઓને લાંબા સમયની રજૂઆત અને માંગને ધ્યાને રાખી અને આજથી ભાવનગરથી દિલ્હી-સુરત અને મુંબઈ હવાઈ સેવાનો પ્રારંભ થયો છે. ભાવનગર એરપોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય ઉડયનમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી વિભાવરીબેન દવે, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જયારે કેન્દ્રીય ઉડ્યન મંત્રી જ્યોતીરાજે સિંધિયા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વર્ચ્યુઅલ જોડાઈ અને ભાવનગરથી ૩ નવી હવાઈ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.
ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.ભારતીબેન શિયાળની મહેનત અને રજૂઆતને પગલે આજથી ભાવનગરથી વધુ ત્રણ નવા શહેરો માટે હવાઈ સેવાનો પ્રારંભ થયો છે. ભાવનગરથી દિલ્હી-સુરત અને મુંબઈ જવા-આવવા માટે આજથી શરુ થઇ રહેલી સ્પાઈસજેટ ની એર સુવિધાના પ્રારંભે ભાવનગર એરપોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જોડાયેલા કેન્દ્રીય ઉડ્યન મંત્રી જ્યોતીરાજે સિંધિયા જોડાયા હતા. તેઓ વડોદરા ગાયકવાડ સ્ટેટના જમાઈ છે, ત્યારે આ પ્રસંગે કહ્યું કે સામાન્ય રીતે સાસરીયા જમાઈનું ધ્યાન રાખતા હોય પરંતુ આ જમાઈ સાસરિયાનું ધ્યાન રાખે છે. તેમની સેવા માટે તત્પર છે તેમ જણાવી આજથી ભાવનગરથી પ્રારંભ થતી દિલ્હી-સુરત અને મુંબઈની સ્પાઈસ જેટ હવાઈ સર્વિસનો પ્રારંભ કરાવ્યો હતો.
આ તકે ભાવનગર એરપોર્ટ સ્થિત કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય ઉડ્યન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ ડો.ભારતીબેન શિયાળ, મંત્રી વિભાવરીબેન દવે અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના લોકોએ તેને આવકારી કહ્યું કે ભાવનગર જીલ્લો કે જ્યાં વેપાર માટે અલંગ, મહુવા જેવા સ્થળો છે, વેળાવદર કાળીયાર અભ્યારણ જેવો પ્રદેશ છે અને લાખો લોકોની ધાર્મિક આસ્થા સમાન બગદાણાધામ આવેલું છે તેમજ આગામી સમયમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ અને સૌથી મોટો સીએનજી પ્લાન્ટ બની રહ્યો છે ત્યારે આ તમામ ઉદ્યોગકારોને આ શહેરોમાં જવા આવવા તેમજ સામાન્ય લોકો પણ ઝડપથી આ શહેરોમાં અવરજવર કરી શકે તેવી સુવિધાનો આજથી પ્રારંભ થયો છે. જેમાં સુરત માટે અઠવાડિયામાં ૩ વખત અને દિલ્હી માટે અઠવાડિયામાં છ દિવસ હવાઈ સેવાનો લોકો લાભ ઉઠાવી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે