નીતિન પટેલ ! ભવિષ્યની ઈમારત મોટી બનાવવા હવે ‘નાના’ થયા, મહેસાણાને બદલે હવે કડીમાં રસ વધ્યો

Nitin Patel : નીતિન પટેલનું રાજકારણમાં શુ થશે એ સવાલો વચ્ચે તેઓએ એકાએક સ્થાનિક કડીમાં APMCની ચૂંટણીમાં ઝંપલાવતાં રાજકારણ ગરમાયું... આખરે કેમ પાટીદાર નેતાએ આવો નિર્ણય કર્યો 
 

નીતિન પટેલ ! ભવિષ્યની ઈમારત મોટી બનાવવા હવે ‘નાના’ થયા, મહેસાણાને બદલે હવે કડીમાં રસ વધ્યો

gujarat bjp internal politics : નીતિન પટેલ ગુજરાતના એ પાટીદાર નેતા જેઓ ત્રણ વખત મુખ્ય મંત્રી બનતાં રહી ગયાં છે. 1977માં કડી નગપાલિકામાં 15 વર્ષના સ્યપદ અને 1990માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા પછી છેક ગુજરાતના ડેપ્યૂટી ચીફ મીનિસ્ટર બનેલા નીતિન પટેલને હવે કયો ગરાસ લૂંટાતો બચાવવો છે કે સ્થાનિક રાજકારણમાં ફરી સક્રિય થયા છે. નીતિન પટેલ પાયાના રાજકારણના ખેલાડી છે. કડીમાં એમનો આજે પણ દબદબો છે. નીતિન પટેલ સારી રીતે જાણે છે કે ભવિષ્યની ઈમારત મજબૂત બનાવવી હશે તો સ્થાનિક સ્તરનો પાયો મજબૂત જોઈશે. એટલે એ ફરી એક વખત સ્થાનિક રાજકારણમાં ઉભા રહીને બિનહરિફ થયા છે. કડીની એપીએમસીની ચૂંટણીમાં નીતિન પટેલનો પહેલેથી જ દબદબો રહ્યો છે. કડી નગરપાલિકા હોય કે ધારાસભા નીતિન પટેલ અહીં સતત ચૂંટાતા આવ્યા છે. કડી વિધાનસભાની બેઠકમાં ફેરફારો બાદ મહેસાણાથી ચૂંટણી લડીને 2 વાર જીતનાર નીતિન પટેલ હાલમાં ગુજરાત ભાજપના કદાવર નેતા છે. હાઈકમાન્ડે તેમને સાઈડલાઈન કરવાને બદલે ફરી રાજસ્થાન ચૂંટણીની જવાબદારી સોંપી એમનું કદ વધાર્યું છે. રાજસ્થાનમાં ભાજપ ફરી આવે છે ના સંકેતો વચ્ચે નીતિન પટેલનું ફરી ભાજપમાં કદ વધી જશે. નીતિન પટેલને ભાજપ લોકસભામાં, રાજ્યસભામાં કે કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવે તેવી ચર્ચાઓ વચ્ચે નીતિન પટેલે એકાએક સ્થાનિક કડીમાં APMCની ચૂંટણીમાં ઝંપલાવતાં લોકોને પણ નવાઈ લાગે છે.

નીતિન પટેલ કડીમાં ફરી સક્રિય થયા 
હવે એવી ચર્ચાઓ છે કે, નીતિન પટેલ મોટા થઈ ગયા બાદ પણ એમનાથી સ્થાનિક સ્તરનું રાજકારણ છૂટતું નથી. APMCમાં એમના જ માણસોનો દબદબો છતાં હવે તેઓ ખુદ ફરી APMCની ચૂંટણીમાં ઉભા રહ્યાં અને બિનહરિફ ચૂંટાયા પણ છે. સ્થાનિકમાં હજુ પણ એમનો દબદબો હોવાથી કોઈએ પણ નીતિન પટેલ સામે ઉભા રહેવાનું મુનાસિબ માન્યું નથી. નીતિન પટેલના રાજકારણની વાત કરીએ તો ભાજપે એમને ઘણું આપ્યું છે અને ભવિષ્યમાં પણ આપશે. હાલમાં તેઓ રાજસ્થાનમાં સહપ્રભારી તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે. પાટીલે પણ તેમને લોકસભામાં લઈ જવાના સંકેતો આપ્યા છે. રૂપાણી સરકારને ઘરભેગી કરી દેવાયા બાદ રૂપાણીએ તો ચૂંટણી લડવાનું ટાળી દીધું હતું પણ મહેસાણા સીટ પરથી નીતિન પટેલ ફરી ચૂંટણી લડવા માટે સક્રિય થયા હતા. જેઓને હાઈકમાન્ડનો આદેશ આવતાં ચૂપચાપ ચૂંટણી નથી લડી રહ્યાંનો વીડિયો મેસેજ જાહેર કર્યો હતો. હવે ફરી નીતિન પટેલે મહેસાણામાં ઓછો રસ કરી કડીમાં ફરી સક્રિય થઈ રહ્યાં છે. 

નીતિન પટેલ સાથે ત્રણવાર ખેલ ખેલાયો 
નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે દિલ્હી ગયા તે પછી કોણ અનુગામી બનશે તેની ભારે ઉત્સુકતા હતી. તે વખેત પણ નીતિન પટેલનું નામ ચાલતું હતું, પણ આખરે આનંદીબહેનને પસંદ કરાયાં હતાં. આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે આ વખતે તો પાક્કું એવું હતું, ફરી નીતિનભાઈને કડવો અનુભવ થયો. નીતિનભાઈના ટેકેદારોએ ઉજવણી માટેની મીઠાઈ મગાવી લીધી હતી, પરંતુ છેલ્લી ઘડીએ અમિત શાહે વિજય રૂપાણીનું નામ જાહેર થયું. તે વખતે નીતિન પટેલને નાયબ મુખ્ય મંત્રી અને નાણાખાતું આપીને મનાવી લેવાયા હતા. ત્રીજી વખતે પણ નીતિન પટેલને લાગ્યું હતું કે કમસે કમ હવે એક તક મોવડીમંડળ આપશે. આ વખતે માત્ર નીતિનભાઈ નહીં, કોઈને જાણકારી નહોતી - પસંદ થનારા ભૂપેન્દ્ર પટેલને પણ જાણકારી નહોતી. સમગ્ર મંત્રીમંડળ બદલી નાખવાનું છે તેવી યોજનાની કોઈને જાણકારી નહોતી અને તેઓ રહી ગયા હતા. 

નીતિન પટેલનું પોલિટિકલ કરિયર 
નીતિનભાઈને ચાર દાયકાના રાજકારણમાં તેમને અનેક મંત્રાલયો મળ્યાં છે. વજુભાઈ વાળા પછી તેઓએ સૌથી વધારે વાર નાણામંત્રી તરીકે બજેટ રજુ કર્યું છે. આરોગ્ય, માર્ગ અને મકાન, કલ્પસર તથા નર્મદાયોજના જેવા અગત્યના મંત્રાલયો તેમણે સંભાળ્યાં છે. 1990માં ભાજપના નીતિન પટેલ જીત્યા ત્યારે ભાજપના કડીમાં શ્રીગણેશ થયા હતા. નીતિન પટેલ અહીથી ચાર વખત વિધાનસભા સીટ જીતી ચૂક્યા છે, જેમાં 1990, 1995, 1998 અને 2007માં ચૂંટણી જીત્યા હતા. હવે તેઓ ફરી અહીં સ્થાનિક સ્તરે સક્રિય થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news