શિક્ષણનું સરકારીકરણ! 4 વાર રિજેક્ટ બિલ સરકારે આજે ફરી મૂક્યું, 11 યુનિ.માં સરકારનો પાવર

Gujarat Common Universities Bill : વર્ષ 2023 ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક રજૂ થયું... રાજ્યની ૧૧ યુનિવર્સિટીઓ એક છત્ર નીચે આવશે... કોમન યુનિવર્સિટી એકટ મામલે કોંગ્રેસનો વિરોધ... શિક્ષણના વેપારીકરણ અને શિક્ષણ ક્ષેત્રે સરકારની નીતિ સામે કોંગ્રેસના દેખાવ 

શિક્ષણનું સરકારીકરણ! 4 વાર રિજેક્ટ બિલ સરકારે આજે ફરી મૂક્યું, 11 યુનિ.માં સરકારનો પાવર

Gujarat Public University Bill 2023: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે રજૂ થવા જઈ રહેલા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ 2023 ને લઈને રાજકારણ ગરમાયું છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓના વિરોધ બાદ કોંગ્રેસે હવે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે યુનિવર્સિટીઓની સ્વતંત્રતા છીનવી લેતું બિલ રજૂ કરવામાં ન આવે. આ બિલ ભૂતકાળમાં ચાર વખત ફગાવી દેવામાં આવ્યું છે. જોકે, સરકાર આ મામલે મક્કમ છે અને આ બિલને વિધાનસભામાં પસાર કરાવશે. આ બિલ મામલે આજે સામસામે આક્ષેપો થયા છે. 

બિલ મામલે સરકારનો બચાવ

  • સરકારનું આ બિલ પસાર થશે બાદમાં રાજ્યની ૧૧ યુનિવર્સિટીઓ એક છત્ર નીચે આવશે
  • ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક માત્ર યુનિવર્સિટીઓની સત્તા, ભરતી સહીતની બાબતોના નિયમો ઘડાશે
  • યુનિવર્સિટી સાથે જોડાયેલા પ્રદ્યાપકો ખાનગી ટ્યુશન કે ક્લાસિસ ચલાવી શકશે નહી 
  • ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અંતર્ગત તમામ નિયમો નિર્દેશ કરાશે 
  • કુલપતિની નિમણૂંક , પ્રાદ્યાપકો કર્મચારીઓની બદલી અંગે વિશેષ નિયમો ઘડાયા 
  • રાજ્ય સરકારની મંજૂરી વિના ભરતી પ્રક્રિયા થઈ શકશે નહી 
  • સ્થાવર મિલકત વેચાણ અથવા ભાડે ચઢાવવા સરકારની મંજૂરી લેવી પડશે
  • અન્ય હેતુ માટે ફંડનો ઉપયોગ કરી શકશે નહી
  • આ વિધેયક પસાર થતા યુનિવર્સિટીના કુલપતિને એક જ મુદ્ત પાંચ વર્ષની મળશે
  • બીજી ટર્મ માટે નિયુક્ત નહીં કરી શકાય. જેનાથી યુનિવર્સિટીમાં સ્થાપિત હિતો ઉભા નહીં થઈ શકે 

રાજ્યની યુનિવર્સિટીઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આરોપ છે કે આ બિલથી યુનિવર્સિટીઓની સ્વાયત્તતા ખતમ થઈ જશે અને સરકારી નિયંત્રણમાં વધારો થશે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ગોહિલે કહ્યું છે કે તેઓ તેમને 'કોમન યુનિવર્સિટી એક્ટ' પર પુનર્વિચાર કરવા વિનંતી કરે છે જે ગુજરાતની શિક્ષણ પ્રણાલીને વધુ નુકસાન પહોંચાડે છે. આ બિલથી યુનિવર્સિટીઓની સ્વતંત્રતા ખતમ થઈ જશે. પહેલા આ બિલનું નામ ગુજરાત કોમન યુનિવર્સિટી બિલ હતું, હવે સરકારે તેને બદલીને ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ કર્યું છે.

શું બદલાશે?
જો ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ-2023 પસાર થશે, તો રાજ્ય સરકાર નિમણૂક, પ્રોફેસરોની બદલી, યુનિવર્સિટીની કામગીરી અને સરકારી અનુદાન સંબંધિત મહત્વના નિર્ણયો લેશે. આ સિવાય તમામ સરકારી યુનિવર્સિટીઓના એક્ટ પણ રદ્દ થઈ શકે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ, રાજ્ય સરકારે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ-2023 ના ડ્રાફ્ટની જાહેરાત કરી અને 12 ઓગસ્ટ સુધી સૂચનો આમંત્રિત કર્યા છે. આ પહેલા આ બિલને વિધાનસભામાં ચાર વખત નામંજૂર કરવામાં આવ્યું છે. ત્યારે ફરી એકવાર સરકાર આ બિલને વિધાનસભામાં રજૂ કરવા જઈ રહી છે. કોંગ્રેસ પહેલાથી જ આ બિલનો વિરોધ કરી રહી છે, હવે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ આ બિલના વિરોધમાં જોડાયા છે. કુલ 11 યુનિવર્સિટીઓ તેનાથી પ્રભાવિત થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણી નહીં થાય.

શું ફેરફારો આવશે

યુનિવર્સિટીઓ પર સરકારનું નિયંત્રણ વધશે
સરકારની મંજૂરી બાદ જ ભરતી કરવામાં આવશે
ગ્રાન્ટનો ઉપયોગ વિકાસના કામો માટે કરવામાં આવશે નહીં.
યુનિવર્સિટીના પ્રોફેસરો ટ્યુશન આપી શકશે નહીં
યુનિવર્સિટીનું નાણાકીય વર્ષ રાજ્ય સરકાર મુજબ રહેશે.

આ યુનિવર્સિટીઓને અસર થશે
ગુજરાત સરકારના આ વિધેયક સાથે બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ડૉ.બાબા આંબેડકર ઓપન યુનિવર્સિટી, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહજી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ડૉ. મહેતા યુનિવર્સિટી અને ગુરુ ગોવિંદ યુનિવર્સિટીને આ ફેરફારો લાગુ પડશે. વડોદરા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં રાજમાતા સુભાંગીની ગાયકવાડ ચાન્સેલર રહેશે. બાકીની 10 યુનિવર્સિટીના ચાન્સેલર રાજ્યપાલ રહેશે.

શિક્ષણવિદો પણ વિરોધમાં છે
બંધારણની કલમ 19 જણાવે છે કે નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. પરંતુ યુનિવર્સિટી અને કોલેજોના પ્રોફેસરોને સંપૂર્ણ રીતે ચૂપ કરવા માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. સરકાર સમગ્ર વહીવટ સંભાળવા માંગે છે. જો આમ થશે તો યુનિવર્સિટીઓ સચિવાલયના શિક્ષણ વિભાગ જેવી બની જશે. જો આ કાયદો પસાર થશે તો એવું લાગે છે કે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર સંપૂર્ણપણે સરકારની ગુલામીમાં આવી જશે. તેથી આ કાયદો પસાર થવો જોઈએ નહીં. જોકે, ભાજપ સરકારે આજે આ બિલ રજૂ કર્યું છે અને એ સર્વાનુંમતે પાસ થઈ જશે. બાદમાં આ બિલ રાજ્યપાલને કાયદા માટે મોકલી આપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news