સ્માર્ટસિટી તો બની ગયું પરંતુ નાગરિકોને પીવાના શુદ્ધ પાણીના પણ ફાંફા
Trending Photos
હાર્દિક દીક્ષિત/વડોદરા : શહેરને સ્માર્ટ સીટી બનાવવાની વાતો વચ્ચે આજે પણ શહેરના કેટલાક વિસ્તારના નાગરિકો પીવાના શુદ્ધ પાણીથી વંચિત છે.ત્યારે આજે વોર્ડ 1 માં સમાવિષ્ટ કેટલીક સોસાયટીના લોકોએ વોર્ડ ઓફીસ બહાર જ માટલા ફોડી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. સ્માર્ટ સિટીની હરોળમાં આગળ આવવાની લ્હાયમાં પાલિકા દ્વારા સ્થાનિક લોકોને પ્રાથમિક સુવિધા પુરી ન પાડી લોકોની સમસ્યાની સતત અવગણના કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે લોકો રોષે ભરાયા છે. શહેરના વોર્ડ નંબર એકમાં સમાવિષ્ટ નવાયાર્ડ વિસ્તારમાં આવેલી નિર્મલા સોસાયટી, ફૂલવાડી, મોમીન પાર્ક હાજી પાર્કમાં ૨૦ દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનું નિર્માણ થયું છે. અનેક રજુઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે લોકો એ વોર્ડ1 કચેરી બહાર માટલા ફોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
સમગ્ર મામલે સ્થાનિક કાઉન્સિલર અમીબેન રાવતે જણાવ્યું હતું કે, તેમના વોર્ડ વિસ્તારમાં પીવાના પાણી સહિતની અનેક સમસ્યાઓનું નિર્માણ થયું છે. તેમના દ્વારા તેમના વોર્ડ વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ લાવવા પાલિકાની સભામાં અનેકો વાર ઉગ્ર રજુઆત કરવામાં આવી છે, પરંતુ વોર્ડ 1 માં કોંગ્રેસની પેનલ હોવાથી સત્તાધારી પક્ષ દ્વારા સતત વિપક્ષની રજુઆતની અવગણના કરવામાં આવી રહી છે. જેના કારણે પાલિકાના પક્ષપાતી વલણનો ભોગ નાગરિકો બની રહ્યા છે.
વિપક્ષ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપ સામે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાલિકા માટે તમામ નાગરિકો એક સમાન છે. સ્થાનિકોને તમામ સુવિધા મળી રહે તે પાલિકાની જવાબદારી છે. કેટલાક કિસ્સામાં રહીશો વેરો નથી ભરતા અને તમામ પ્રકારની સુવિધાનો લાભ લે છે. છતાં નવાયાર્ડ વિસ્તારના રહીશોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવા પ્રયાસો કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે