કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન છે! સાબરકાંઠા માંડ થાળે પડ્યું, તો વિજાપુરમાં વિરોધનું વંટોળ ઉઠ્યું

BJP Candidate List :  ભાજપમાં હાલ ઘરના છોકરા ઘંટી ચાટે તેવો ઘાટ સર્જાયો છે, આયાતી ઉમેદવારોને ટિકિટ આપતા અનેક બેઠકો પર વિરોધના સૂર ઉઠ્યા છે, ત્યાર હવે સાબરકાંઠા બાદ મહેસણાના વિજાપુરમાં ભાજપમાં ભડકો થયો... સીજે ચાવડાને ભાજપે ટિકિટ આપતા કાર્યકર્તાઓ રોષે ભરાયા  
 

કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન છે! સાબરકાંઠા માંડ થાળે પડ્યું, તો વિજાપુરમાં વિરોધનું વંટોળ ઉઠ્યું

Loksabha Election : ભાજપને વટવૃક્ષ બનાવવા પાણીનું સિંચન કરનારા પાયાના કાર્યકર્તાઓ રહી ગયા, અને બહારના લાડવો ખાઈ ગયા તેવો ઘાટ સર્જાયો છે. ગુજરાત ભાજપે પોતે જ રંગેચંગે કરેલા ભરતી મેળા નડી રહ્યો છે. કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને ટિકિટ મળતા હવે ભાજપમાં ભડકો થયો છે. હાલ ભાજપમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. સાબરકાંઠા બાદ હવે સુરેન્દ્રનગર, વિજાપુરમાં ઉમેદવાર બદલવા માટે વિરોધના સૂર ઉઠ્યા છે. તો બીજી તરફ, ભાજપમાં ભડકો થતા કોંગ્રેસ ગેલમા આવ્યું છે. આ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીની ટ્વિટ કરીને ભાજપ પર પ્રહારો કર્યા છે. પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયામાં લખ્યુ કે, "કમલમ" માં કકળાટ, જ્યારે "કોંગ્રેસ" ટનાટન છે. 2004 નુ પુનરાવર્તન પાક્કુ.!

30 વર્ષથી કામ કરતા કાર્યકર્તાઓને ભાજપ ભૂલી ગઈ
લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં મૂળ કોંગ્રેસી નેતાઓના અપાતી ટિકિટ સામે વિરોધ ઉઠ્યો છે. ૨૫-૩૦ વર્ષથી ભાજપ માટે સક્રિય કામ કરતા કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ એવુ કહી રહ્યા છે કે, તમને ઉમેદવાર કોંગ્રેસમાથી જ મળ્યો. ૩૦ વર્ષથી દિવસ-રાત ભાજપ માટે કામ કરતા કાર્યકરોને પાર્ટી ભૂલી ગઈ. ત્યારે મહેસાણાના વિજાપુરમાં ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. પેટાચૂંટણીમાં આયાતી ઉમેદવાર સીજે ચાવડાને ભાજપે ટિકિટ આપતા કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો છે. કોંગ્રેસમાંથી આવેલા આયાતીને ટિકિટ આપતા ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 27, 2024

 

વિજાપુરમાં રાજીનામાની શરૂઆત 
મહેસાણા વિજાપુર ભાજપમાં ભડકો જોવા મળ્યો. વિજાપુરમાં પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે સીજે ચાવડાને ભાજપમાંથી ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે. કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના પૂર્વ ચેરમેન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામું આપ્યુ છે. કુકરવાડાના ગોવિંદભાઇ પટેલે વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખને રાજીનામુ ધર્યું છે. તેઓએ પાર્ટીના કાર્યકર્તાઓને ટીકીટ ન આપતા અને કોંગ્રેસમાંથી આવેલાને ટીકીટ આપતા નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે વિજાપુરમાં હજુ પણ રાજીનામાં પડે તેવી સંભાવના છે. 

ગોવિંદભાઈએ કહ્યું કે, કાર્યકર્તાઓની અવગણના થઈ હોવાના કારણે રાજીનામું આપ્યું. આજકાલના આયેલા લોકોને ટિકિટ ના અપાય પહેલા તેમને કામ કરાવવું પડે. ઉમેદવાર બદલાશે તો નારાજગી દૂર થશે. જનસંઘ સમયથી પાર્ટી સાથે જોડાયેલો છું. છેલ્લા 50 વર્ષથી વધારે સમય મેં પાર્ટીને આપ્યો છે. કોઈપણ જ્ઞાતિના પણ પાર્ટીના શનિષ્ઠ કાર્યકર્તાને ટિકિટ આપવી જોઈએ. 

સાબરકાંઠામાં બે હજાર જેટલા કાર્યકર્તાઓના રાજીનામા પડ્યા
સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની ટિકિટ કાપીને કોંગ્રેસમાંથી આવેલા શોભનાબેન બારૈયાના ટિકિટ આપતા હોબાળો થયો છે. ગઈકાલે ભાજપના કાર્યકર્તાઓએ મોડાસા કમલમ કાર્યાલય બાનમાં લીધુ હતું. અઢી કલાકના સતત વિરોધ બાદ કાર્યકરો નીકળ્યા હતા. બે હજાર ઉપરાંત કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. હજુ વધુ રાજીનામા પડવાની શક્યતા છે. તેમજ આગામી સમયમાં આંદોલન તેજ કરવાની કવાયત ચાલી રહી છે. 

સુરેન્દ્રનગરમાં કકળાટ
સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ચંદુ શિહોરાને ભાજપે ટીકીટ આપ્યા બાદ વિરોધનો વંટોળ વકર્યો છે. તળપદા કોળી સમાજે આ મામલે સંમેલન યોજી વિરોધ વ્યક્ત કર્યો. જેમાં પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડા અને તળપદા કોળી સમાજના પૂર્વ ધારાસભ્યોએ સંમેલનમાં ખાસ હાજરી આપી. હતી. સોમાભાઈ ગાંડાએ કહ્યું કે, કૉંગ્રેસ ટીકીટ આપશે તો ચૂંટણી લડીશ. પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ સંમેલનમાં વિશેષ હાજરી આપી હતી. ભાજપ દ્વારા તળપદા કોળી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો છે એ સમાજ ચલાવી નહિ લેવાય. તળપદા કોળી સમાજની ભાજપે અવગણના કરી છે એનું પરિણામ પણ ભોગવવું પડશે. કૉંગ્રેસ હવે તળપદા કોળી સમાજના નેતા માંથી ટીકીટ આપશે તો તેને તળપદા કોળી સમાજ એને ટેકો આપશેનો સંમેલનમાં નિર્ણય કરાયો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news