‘મજૂરનો દીકરો મજૂર બને...’ તેવું મ્હેણુ મોરબીના 2 કારખાનેદારોએ ભાંગ્યું

‘મજૂરનો દીકરો મજૂર બને...’ તેવું મ્હેણુ મોરબીના 2 કારખાનેદારોએ ભાંગ્યું
  • ડાયરેક્ટર મિલન ગડારા અને હિતેશ દેત્રોજાએ જણાવ્યું કે, અમારા કારખાનામાં અનેક શ્રમજીવીઓ પોતાના બાળકોને સાથે જ કામ કરવા માટે લઈ આવતા હતા. આ બાળકો નવરા બેસી રહેતા હતા. તેથી અમારા કારખાનામાં કામ કરતાં શ્રમિકના સંતાનો માટે સ્કૂલ શરૂ કરી

હિમાંશુ ભટ્ટ/મોરબી :કારખાનામાં ચાલી રહી છે સ્કૂલ. આ વાતને સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી. કેમ કે, મોરબી માળીયા હાઇવે ઉપર આવેલા લિઓલી કારખાનામાં સ્કૂલ ચલાવવામાં આવે છે અને આ કારખાનાના માલિક દ્વારા મજૂરનો દીકરો મજૂર જ બને તેવી લોકોની માનસિકતાને બદલવાનું પુણ્ય કામ કરાય છે. તે હેતુથી કારખાનામાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. કારખાનામાં ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તેવી સ્કૂલ શરૂ કરવામાં આવી છે અને તેના માટે બીએડ સુધીનો અભ્યાસ કરેલ બે શિક્ષિકાઓને પણ ત્યાં રાખવામા આવી છે. 

કોરોનાને કારણે છેલ્લા આઠ માસથી શાળા-કોલેજો બંધ છે અને મોબાઈલ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જો કે, જે બાળકોની પાસે મોબાઈલ ફોન ન હોય તેમણે શિક્ષણ મળતું નથી. જોકે, શ્રમિકોના સંતાનોને પણ શરૂ શિક્ષણ મળે તેના માટે મોરબી માળીયા હાઇવે ઉપર આવેલા લિઓલી કારખાનામાં સ્કૂલ ચલાવવામાં આવે છે. આ કારખાનું વર્ષ ૨૦૧૮ થી શરૂ કરવામાં આવ્યું છે. અહી સ્કૂલ ખોલવાનો વિચાર કેવી રીતે આવ્યો તે વિશે તેના ડાયરેક્ટર મિલન ગડારા અને હિતેશ દેત્રોજાએ જણાવ્યું કે, અમારા કારખાનામાં અનેક શ્રમજીવીઓ પોતાના બાળકોને સાથે જ કામ કરવા માટે લઈ આવતા હતા. આ બાળકો નવરા બેસી રહેતા હતા. તેથી અમારા કારખાનામાં કામ કરતાં શ્રમિકના સંતાનો માટે સ્કૂલ શરૂ કરી. અમે કારખાનામાં એક ક્લાસ રૂમ બનાવ્યો છે. તેમાં બે શિક્ષિકા બહેનોને નોકરીએ રાખ્યા છે. જે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે બાળકોને ભણતર અપાવવાનું કામ કરી રહ્યા છે. અહીં બાળકોને હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, ગણિત જેવા વિષયોનું શિક્ષણ અપાય છે. સાથે ટીચિંગ લર્નિંગ મોડ્યુલ અને રમત-ગમત દ્વારા પણ ભણાવાય છે.

morbi_factory_school_zee2.jpg

કારખાનામાં કામ કરતાં શ્રમિકોને રહેવા માટેની સારી સુવિધા અને તેના બાળકોને યોગ્ય શિક્ષણ મળે તેવો આ કંપનીના ડાયરેક્ટરનો હેતુ છે. કેમ કે, કારખાનામાં કામ કરતાં પરિવારોને જો રહેવા અને તેના બાળકોના શિક્ષણ સહિતની સુવિધા અપાય તો તેઓ સારી રીતે કામ કરી શકે છે. મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા કારખાનામાં કામ કરતાં મજૂરનાં બાળકોને ઘણી જ્ગ્યાએ શિક્ષણ મળતું નથી. ત્યારે આ કારખાનાના મજૂરોના બાળકોને શિક્ષણ મળતું રહે અને તેમનું ભાવિ ન બગડે તેમજ તેમની અભ્યાસની ટેવ છૂટી ન જાય તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક તેમજ સરકારી તમામ ગાઇડ લાઇનનું પાલન કરીને શ્રમિકોના બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આજની તારીખે ૩૫૦ થી વધુ મજૂરોના ૬૦ થી વધુ બાળકો અહી ધોરણ ૧ થી લઈને ૬ સુધીનો અભ્યાસ કરી રહ્યાં છે. 

આજના સમયમાં નાનામાં નાના ટ્યુશન ક્લાસમાં પણ ફી લઈને શિક્ષણ અપાય છે. જો કે, આ કારખાનામાં ચાલતી સ્કૂલમાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી. આ ઉપરાંત દરેક બાળકને તેમની ઉંમર પ્રમાણે સ્કુલ બેગ અને પુસ્તકો આપવામાં આવે છે. તેમજ દરરોજ સવારે ફ્રુટ અને સાંજે સૂકો નાસ્તો પણ આપવામાં આવે છે. દર પંદર દિવસે આ બાળકોનો કોરોના ટેસ્ટ પણ કરાય છે અને તે દિવસે તેમને પાર્ટી પણ આપવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news