ભાજપની કારોબારી બેઠકમાં ગુજરાતના એક પ્રોજેક્ટના વખાણ વખાણ થઈ ગયા!

BJP national executive meet : રાજ્યમાં વન ડે, વન ડિસ્ટ્રીક્ટના PM મોદીએ કર્યા વખાણ... ગુજરાત બાદ હવે આખા દેશમાં વન ડે, વન ડિસ્ટ્રીક્ટ લાગૂ કરવા કરી હાંકલ

ભાજપની કારોબારી બેઠકમાં ગુજરાતના એક પ્રોજેક્ટના વખાણ વખાણ થઈ ગયા!

બ્રિજેશ દોશી/ગાંધીનગર :હૈદરાબાદમાં યોજાયેલી ભાજપની 2 દિવસની રાષ્ટ્રીય કારોબારીમાં મિશન 2024 ના રોડ મેપ પર ચર્ચા થઈ અને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા ભાર મૂકાયો તો ભાજપના પ્રદેશ સંગઠનની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઈ. આ વર્ષના અંતમાં ગુજરાતમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાત સંગઠન ની કામગીરી અંગે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. પ્રદેશ ભાજપના પેજ સમિતિ, પેજ પ્રમુખો અને વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતી તેમણે આપી. સહકારી ક્ષેત્રે ભાજપે પક્ષનો સત્તાવાર મેન્ડેટ આપવાની શરૂઆત કર્યાં બાદ જે પરિણામો મળ્યાં તે અંગે પણ વાત કરી. આ વચ્ચે પીએમ મોદીએ ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં મિશન 2024 સાથે ગુજરાત સંગઠનની કામગીરીના વખાણ કર્યા હતા. સાથે જ સહકાર ક્ષેત્રની કામગીરી અને વન ડે  વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમને પણ બિરદાવ્યો હતો. 

ભાજપ અધ્યક્ષના વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમની પ્રધાનમંત્રી મોદીએ પણ પ્રશંસા કરી અને આ કાર્યક્રમથી કાર્યકરો સાથેનો સંપર્ક મજબૂત થવાની સાથે જ સમાજના અન્ય વર્ગના લોકોના જોડાવાની હકારાત્મક અસરનો લાભ ગણાવ્યો. તેમણે કાર્યક્રમના ગુણગાન ગાતા કહ્યુ કે, આ કાર્યક્રમ હેઠળ ભાજપ અધ્યક્ષ દરેક જિલ્લામાં 1.5 દિવસ વિતાવે છે, જ્યાં પેજ સમિતિનાં કાર્યકરોને સંબોધવા સાથે તેમને અલગથી મળે પણ છે. જેનાથી જિલ્લા સંગઠનની સાચી સ્થિતિનો ખ્યાલ આવે છે. કાર્યકરોની વાત સીધી પ્રદેશ અધ્યક્ષ સાંભળે છે, જેની અસર સંગઠનમાં દેખાય છે. બીજી તરફ બૌધ્ધિકો, સામાજિક આગેવાનો, સંતો, વિધવા બહેનો, દિવ્યાંગો સાથે પણ સરકારની યોજનાઓ અંગે ચર્ચા થતાં સરકારની વાત લોકો સુધી પહોંચે છે, જે લોકોને ભાજપ સાથે જોડે છે તેની રાજકીય અસર પણ જોવા મળી રહી છે. 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આ કાર્યક્રમ તમામ રાજ્યોમાં અમલી કરવા સૂચના આપી અને સ્નેહ યાત્રાઓ સાથે લોકો સાથે કાર્યકરો જોડાય તે અંગે માર્ગદર્શન આપ્યું. પીએમ મોદીએ ગુજરાતના સહકારી ક્ષેત્રની કામગીરી પણ બિરદાવી અને જે રીતે સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં બદલાવ આવ્યો તે અંગે વાત કરી. તેમણે ભાજપના હોદ્દેદારોને સમજાવ્યું કે ગુજરાતની સહકારી સંસ્થાઓનું બજેટ મહાનગરપાલિકાઓ જેટલું હોય છે અને આ સંસ્થાઓથી લોકોના કેટલાય સારાં કામ થાય છે. ગુજરાતમાં સહકારથી સમૃદ્ધિ આવી છે અને સરકારને પણ તેનો લાભ મળ્યો છે તે રીતે અન્ય રાજ્યોમાં પણ કામ થાય તે જરૂરી છે. ગુજરાતમાં ગત વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને 80% થી વધુ સફળતા મળી હતી તે અંગે પણ સંગઠનની કામગીરીના વખાણ થયા. ગુજરાતમાં સરકાર અને સંગઠન સાથે મળીને લોકો માટે કેવી રીતે કામ કરે છે તેનું ઉદાહરણ સુપોષણ અભિયાન છે, જે અંતર્ગત ભાજપના આગેવાનો કુપોષિત બાળકોને દત્તક લઈને જવાબદારી નિભાવે છે તેની પણ વાત થઈ.

આમ, ફરી એકવાર સીઆર પાટિીલની કામગીરી અને ગુજરાત ભાજપ સંગઠનની કામગીરીને બિરદાવવામાં આવી. પેજ સમિતિનું મોડલ આખા દેશમાં લાગુ કરવા કહ્યાં બાદ હવે વન ડે વન ડિસ્ટ્રીક્ટ અભિયાન પણ લાગુ થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ કાર્યક્રમને નજીકથી જોઈ ચૂક્યા છે અને દરેક રાજ્યોમાં આ પ્રમાણે પ્રવાસ કરી રહ્યા છે, ત્યારે પ્રદેશ એકમોને પણ આ અંગે સૂચના અપાઈ છે. હવે જોવાનું એ રહેશે કે અન્ય રાજ્યો કેટલી ઝડપથી અન્ય રાજ્યો આ ગુજરાત મોડલ લાગુ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news